સૌરાષ્ટ્રમાં ફસાયેલા મજૂરોને વતન પહોંચાડવા STના ડ્રાઈવરોને રખાયા સ્ટેન્ડ ટુ
Trending Photos
રક્ષિત પંડ્યા, રાજકોટ: કોરોના વાયરસના સંક્રમણને રોકવા માટે 3 મે સુધી લોકડાઉન છે. ત્યારે ગુજરાત સરકારે શનિવારે ઔદ્યોગિક એકમો અને જરૂરિયાતની ચીજવસ્તુઓની દુકાનો ખોલવા માટે છૂટ આપી છે. પરંતુ રાજ્યમાં ફસાયેલા મજૂરોની મુશ્કેલીઓ વધતી જાય છે. આ સમયે રાજ્યના એસ્ટી નિગમ દ્વારા દરેક ડિવિઝનમાં એસ્ટી બસ સ્ટેન્ડ ટૂ રાખવા સૂચના આપી હતી. રાજકોટ એસટી ડિવિઝનની 100 બસ સ્ટેન્ડ ટુ રખાઈ છે. આ બસ સૌરાષ્ટ્રમાં ફસાયેલા મજૂરોને વતન મોકલવા દોડાવવામાં આવે તેવી શક્યતા છે. જો કે, એસટી નિગમે બસ સ્ટેન્ડ ટુ રાખવાનું કોઈ સતાવાર કારણ આપ્યું નથી.
રાજ્યમાં કોરોના વાયરસનો કહેર યથાવત છે. ત્યારે શનિવારે રાજ્ય સરકાર દ્વારા સાવચેતી સાથે રવિવારથી ઉદ્યોગ ધંધા શરૂ કરવા માટે મંજૂરી આપવામાં આવી હતી. તો આ સાથે મજૂરોને વતન મોકલવાનો પણ સરકાર સામે પડકાર છે. આ સ્થિતિમાં રાજ્ય એસટી નિગમે દરકે જિલ્લાના એસટી વિભાગીય નિયામકને એસટી બસ અને ડ્રાઇવર સ્ટેન્ડ ટુ રાખવા માટે સૂચના અપાઈ છે.
રાજકોટ એસટીના વિભાગીય નિયામક યોગેશ પટેલે જણાવ્યું હતું કે, રાજકોટ ડિવિઝનની 100 એસટી બસ અને 200 ડ્રાઇવર સ્ટેન્ડ ટૂ રખાયા છે. રાજકોટ ડેપોમાં 25 એસટી બસ અને 50 ડ્રાઇવર સ્ટેન્ડ ટુ રખાયા છે. એસટી નિગમમાંથી સૂચના મળતા બસ જે તે જગ્યાએ રવાના કરાશે. જો કે, એસટી નિગમ તરફથી એવી કોઈ સૂચના નથી આપવામાં આવી કે કયા રૂટ પર એસટી દોડાવવાની રહેશે.
થોડા દિવસ પહેલા પણ એસટી સ્ટેન્ડ ટુ રાખવા સૂચના અપાઈ હતી પરંતુ તે વખતે કોઈ પસ શરૂ ન થઈ. એક એસટી દીઠ 2 ડ્રાઇવરને સ્ટેન્ડ ટુ રખાયા છે. ત્યારે આ બસ ઇન્ટર સ્ટેટમાં મજૂરોને લઇને જવા દોડાવવામાં આવે તેવી શક્યતા વધુ છે. રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં મધ્યપ્રદેશ, રાજસ્થાન અને ઉત્તર પ્રદેશના મંજૂરો સૌથી વધુ છે. ત્યારે આ બસ મજૂરોને વતન મુકવા દોડાવવામાં આવે તીવ સંભાવના છે.
અન્ય રાજ્ય ઉપરાંત રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં ગોધરા-દાહોદના પણ મજૂરો ફસાયા છે. ત્યારે તેઓને વતન મોકલવા એસટી મુકાઈ હતી તેવી ચર્ચા છે. જો કે, હજુ સુધી એસટી નિગમ તરફથી કોઈ સ્પષ્ટતા કરવામાં ન આવતા તમામ જિલ્લાના વિભાગીય નિયામક અવઢવમાં મુકાયા છે કે, એસટી બસ ક્યારે અને કયા સ્થળે દોડાવશે. એસટી ડ્રાઇવરને પણ સ્ટેન્ડ ટુ રખાયા છે. તેઓને ફોન કરતા અડધો કલાકમાં હાજર રહેવા મૌખિક સૂચના અપાઈ છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે