ગુજરાતમાં માનવ બલીનો કિસ્સો : શક્તિશાળી અને અમીર બનવા 3 લોકોએ 9 વર્ષના માસુમની બલી ચઢાવી
Human Sacrifice In Gujarat : અંધ વિશ્વાસમાં બલી ચઢાવવાની રાજ્યમાં વધુ એક ઘટના... સેલવાસમાં 9 વર્ષના બાળકનું અપહરણ કરી બલી ચઢાવી દીધી... નાણા મેળવવા અને મેલી વિદ્યા માટે બાળકની હત્યા થઈ હોવાનું ખૂલ્યું...
Trending Photos
Black Magic નિલેશ જોશી/સેલવાસ : સંઘ પ્રદેશ દાદરા નગર હવેલીના સાયલીના 9 વર્ષીય ચૈતા કોહલા નામના બાળકના ગુમ થવા મામલે ચોકાવનારો ખુલાસો થયો છે. સેલવાસ પોલીસે આ મામલે ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે. પોલીસની તપાસમાં ચોંકાવનારો ખુલાસો થયો છે કે 9 વર્ષીય માસુમ ચૈતાની મેલી વિદ્યાના માટે હત્યા કરી અને તેની નર બલી ચઢાવવામાં આવી હતી. ત્યારે આરોપીઓએ શું મેળવવા માટે ચૈતાની નરબલી ચડાવી હતી તે જાણવા ઝી 24 કલાકે પ્રયાસ કર્યો.
વાપીના કરવડ નજીકથી પસાર થતી દમણ ગંગા નહેરમાંથી ગત 31 મી ડિસેમ્બર ના રોજ એક બાળકનો ક્ષત વિક્ષત હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. બાળકની હત્યા થઈ છે તે પ્રથમ દ્રષ્ટિએ ધ્યાને આવ્યુ હતું પરંતુ આ બાળક કોણ છે તે મામલે તપાસ હાથ ધરાઇ હતી. સેલવાસ પોલીસે ગુમ થયેલ બાળકોનો ડેટા ચકાસતા ખુલાસો થયો છે કે ગત 29 ડિસેમ્બરના રોજ દાદરા નગર હવેલીના સાયલી ગામે કોહલા પરિવારે પોતાના 9 વર્ષીય ચૈતાની ગુમ થવાની ફરિયાદ નોંધાવી હતી. આંગણામાં રમી રહેલ 9 વર્ષીય ચૈતા ગુમ થતા પરિવારે ગામ અને સીમમાં તપાસ કરતા ચૈતા મળ્યો ન હતો. જેથી પરિવાર ચિંતામાં મુકાયો હતો અને પરિવારે પોલીસ ફરિયાદ પણ કરી હતી.
ત્યાર બાદ સંઘપ્રદેશ દાદરા નગર હવેલીના સાયલીના સ્મશાન નજીકથી પણ એક બાળકનું પગ અને માથું મળી આવ્યું હતું. જેથી સાયલીના કોહલા પરિવારે મૃતદેહના હાથમાં બંધાયેલા દોરાના આધારે મૃતક બાળકની ઓળખ કરી હતી. ત્યારે સમગ્ર મામલો નર બલીની ઘટના સુધી પહોંચ્યો છે. આ જાણી પરિવાર પણ હેબતાઈ ગયો. 9 વર્ષીય ચૈતાના હત્યારાને ફાંસી થાય તેવી માંગ પરિવારે કરી છે.
આ પણ વાંચો :
સેલવાસ પોલીસ આ મામલે શરૂઆતમાં કોઈ પણ માહિતી મીડિયાને આપવાનો ઈન્કાર કર્યો હતો. ત્યારે ઝી 24 કલાકની ટીમ સાયલી ગામે પહોંચી હતી. આ મામલે ઝી 24 કલાકે ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ કરતા ગામવાસીઓએ દબાતા સૂરે કહ્યું કે, ચૈતાની બલી ચડાવવામાં આવી હોય તેવું જાણવા મળ્યું. જોકે આ મામલે સેલવાસ પોલીસનું ભેદી મૌન અનેક સવાલો ઉભા કરે છે.
જોકે હવે વારંવાર સેલવાસ પોલીસને મીડિયાની સાથે સાથે અન્ય લોકો પણ સવાલો કરતા અંતે એક પ્રેસનોટ જાહેર કરી છે. ઝી 24 કલાક એ પહેલા જ દિવસે મેલી વિદ્યામાં બાળકની બલીની આશંકા વ્યક્ત કરી હતી. જે સંપૂર્ણ સાચી ઠરી છે. જોકે હત્યાનું કારણ જાણી પોલીસ પણ ચોકી ઉઠી છે. સંઘ પ્રદેશ દાદરા નગર હવેલી પોલીસની તપાસમાં બહાર આવ્યું છે કે, આ માસુમ ચૈતાની હત્યામાં 53 વર્ષીય રમેશ શનવર, 28 વર્ષીય શૈલેષ કોહકરે અને એક સગીર આરોપીનો સમાવેશ થાય છે. તેમાંથી આરોપી રમેશને પૈસાદાર થવું હતું. આથી તેણે પૈસાદાર થવા પૈસાનો વરસાદ કરાવવાની મેલી વિદ્યા કરવા માટે તેના મિત્ર શૈલેષને વાત કરી હતી. આથી શૈલેષે સગીરાનો સંપર્ક કરી અને મેલી વિદ્યા કરવાનું પ્લાનિંગ કર્યું હતું. આ માટે શૈલેષ નામના આરોપીએ સાયલીમાં એક ચિકન શોપમાં ખાટકીનું કામ કરતા સગીર આરોપી જે મેલી વિદ્યા જાણતો હતો. તેના દ્વારા તેઓએ મેલી વિદ્યા કરવાનો પ્લાન બનાવ્યો હતો. આથી પ્લાન મુજબ મેલી વિદ્યા કરવા માટે સગીર આરોપીએ પ્રથમ 9 વર્ષીય ચૈતાનું અપહરણ કર્યું હતું. અને ત્યાર બાદ તેના પર મેલી વિદ્યા કરવા એક જ ઘાએ ચૈતાની બલી ચડાવી હતી. આ મામલામાં સગીર આરોપીને આવી મેલી વિદ્યા કરી અને અસીમ શક્તિશાળી બનવું હતું. આથી તેણે માસુમ ચૈતાની નર બલી ચડાવી અને તેનો ભોગ લીધો હોવાનું બહાર આવ્યું છે. જોકે હજી પણ સેલવાસ પોલીસ આ મામલે ખુલીને કેમેરા સામે કંઈ કહેવા તૈયાર નથી.
મહત્વપૂર્ણ છે કે આજના આધુનિક યુગમાં અને 21 મી સદીમાં પણ લોકો અંધશ્રદ્ધા ભગત ભુવા અને મેલી વિદ્યા કરી અને આવી નર બલી જેવી જધન્ય માન્યતાઓમાં વિશ્વાસ ધરાવે છે. ત્યારે આ મામલામાં મેલી વિદ્યા કરવામાં એક માસુમનો ભોગ લેવાયો છે. ઝડપાયેલા આરોપીઓમાં મુખ્ય આરોપી સગીર છે તેને પોલીસે જુવેનાઇલ હોમમાં મોકલી આપ્યો છે. જોકે બાકીના બે આરોપીઓની ધરપકડ કરી તેમના વિરૂધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. જોકે સંઘપ્રદેશના આ ચર્ચાસ્પદ અને ધ્રુણાસપદ બનાવમાં આરોપીઓને કડકમાં કડક અને દાખલા રૂપ સજા મળે તેવી માંગ ઉઠી રહી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે