શંકરસિંહ વાઘેલાએ રાજદ્રોહના કેસમાં જેલમાં બંધ અલ્પેશ કથિરીયાના પરિવાર સાથે કરી મુલાકાત
શંકરસિંહે કહ્યું કે, અલ્પેશને કોર્ટ ક્યારે મુક્ત કરે તે ખબર નથી. હું તહેવારમાં તેમના પરિવારને હૂંફ આપવા માટે આવ્યો હતો.
Trending Photos
સુરતઃ રાજદ્રોહના કેસમાં જેલમાં બંધ પાસના કન્વીનર અલ્પેશ કથિરીયાના ઘરે શુભેચ્છા મુલાકાત લેવા માટે પૂર્વ મુખ્યપ્રધાન શંકરસિંહ વાઘેલા પહોંચ્યા હતા. શંકરસિંહે તેમના પરિવારજનો સાથે મુલાકાત કરીને દિવાળી અને નવા વર્ષની શુભકામના આપી હતી. ત્યારે અલ્પેશ કથીરિયાના ઘરે પોલીસનો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. તો પાટીદારોએ પણ મોટી સંખ્યામાં અલ્પેશના ઘરે હાજર હતા. શંકરસિંહે કહ્યું કે કટોકટી દરમિયાન હું પણ 12 મહિના જેલમાં હતો એ વખતની અનુભૂતિ મને ખ્યાલ છે. તેથી અલ્પેશના પરિવારજનોને હુંફ આપવા આવ્યો હતો. તો શંકરસિંહે કહ્યું કે અનેક પાટીદાર યુવકોએ એવી ફરિયાદ કરી કે નાના નાના કેટલાક ગુનામાં પોલીસ તેમને શોધી રહી છે. જેથી શંકરસિંહ વાઘેલાએ યુવકોના નાના ગુનાઓને જતા કરવા સરકારને અપીલ કરી હતી. આ ઉપરાંત તેમણે કહ્યું કે દિવાળીના સમયે સુરતમાં જે રોશની પહેલા જોવા મળતી હતી તે આ વખતે નથી મળી રહી અને આ સ્થિતિ મંદીને કારણે છે. તેથી સરકારે જીએસટી સહિતની જે સમસ્યા કાપડ ઉદ્યોગ કે હીરા ઉદ્યોગમાં છે તેનો ઉકેલ લાવવો જોઈએ.
શંકરસિંહે કહ્યું કે, અલ્પેશને કોર્ટ ક્યારે મુક્ત કરે તે ખબર નથી. હું તહેવારમાં તેમના પરિવારને હૂંફ આપવા માટે આવ્યો હતો. ત્યાં અન્ય યુવકો પણ મળ્યા હતા. તેમણે મને સરકાર દ્વારા કરવામાં આવતી હેરાનગતિ અને રોષ અંગે વાત કરી હતી. મારી સરકારને એક વિનંતી છે કે મોટું મન રાખીને લોકોના તહેવાર ન બગડે તેમ કરવું જોઈએ.
રામમંદિર અંગે કેન્દ્ર સરકાર પર પ્રહાર કરતા શંકરસિંહે કહ્યું કે, સંપૂર્ણ બહુમત હોવા છતાં સાડા ચાર વર્ષમાં કંઈ કર્યું નથી. આ મુદ્દો ઘસાઈ ગયો છે. આ સાથે તેમણે કહ્યું કે, રામના નામે સંઘ લોકોને છેતરી રહ્યું છે. તેમણે વધુમાં ઉમેર્યું કે, મંદિરથી કોઈના પેટ ભરાવાના નથી. સરકાર પોતાની નિષ્ફળતા છુપાવવા આ મુદ્દો રજૂ કરી રહી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે