ઓ તારી! સ્મશાન ગૃહોમાં થતા અગ્નિ સંસ્કારમાં મોટો ખુલાસો! ZEE 24 કલાકના અહેવાલની ધારદાર અસર
સ્મશાનમાં કોન્ટ્રાક્ટરે ઓછા લાકડા વપરાય તેવી ડિઝાઈન કરી છે તૈયાર....ZEE 24 કલાકના અહેવાલ બાદ તંત્ર થયું દોડતું...બન્ને કોન્ટ્રક્ટરને બ્લેકલિસ્ટ કરવાની દરખાસ્ત હેલ્થ કમિટીએ નામંજૂર કરતા કમિટીના ચેરમેન અને ડેપ્યુટી ચેરમેન સામે ઉઠયા સવાલ
Trending Photos
અર્પણ કાયદાવાલા/અમદાવાદ: AMC સંચાલિત સ્મશાનોમાં સામે આવેલા લાકડા કૌભાંડના મામલે ઝી 24 કલાકના અહેવાલની મોટી અસર દેખાઈ છે. સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન આજે વસ્ત્રાલના વિવાદિત સ્મશાને પહોંચ્યા હતા અને કોન્ટ્રાકટર દ્વારા કરવામાં આવેલા ફેરફારની જાત માહિતી લીધી હતી. જેમાં જાણવા મળ્યું હતું કે કોન્ટ્રાકટર દ્વારા લોખંડની ઘોડીની આપમેળે ફેરફાર કરી ઓછા લાકડા વપરાય એવી ડિઝાઇન બનાવી દેવાઈ છે. સમગ્ર મામલામાં ઝી 24 કલાકે વિસ્તૃત અહેવાલ દર્શાવતા ચોંકાવનારી બાબતો સામે આવી છે.
સ્થળ પર આવેલા amc સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન અતિ આકરા પાણીએ આજે દેખાઈ રહ્યા હતા. બન્ને કોન્ટ્રક્ટરને બ્લેકલિસ્ટ કરવાની દરખાસ્ત હેલ્થ કમિટી દ્વારા બે વાર નામંજૂર કરવામાં આવતા કમિટીના ચેરમેન અને ડેપ્યુટી ચેરમેન સામે ગંભીર પ્રશ્નો ઉઠયા છે. જવાબદાર amc કર્મચારીને સ્થળ પર બોલાવી જવાબ માંગ્યો હતો. એટલું જ નહીં, સંબંધિત ઉચ્ચ અધિકારીઓને પણ જાણ કરી સ્થળ પર બોલાવ્યા હતા.
વસ્ત્રાલ સ્મશાનના ક્લાર્ક પાસે લેખિત નિવેદન લેવાયું હતું. જેમાં આ ગેરરીતિ લાંબા સમયથી ચાલતી હોવાનું amc કર્મચારીએ સ્વીકાર્યું હતું. આ અંગેની જાણ વિભાગમાં પણ કરી હોવાનું નિવેદન લખવામાં આવ્યું હતું. સ્ટેન્ડિંગ કમિટી ચેરમેને આ વિશે જણાવ્યું હતું કે, ફક્ત આ સ્મશાન જ નહીં, અન્ય જે સ્થળે આ ગેરરીતિ હશે એ તમામ સામે કડક પગલાં લઈશું. જ્યારે ચેરમેન જણાવી રહ્યા છે કે, ડેપ્યુટી કમિશનરને પણ હાલ જાણ કરી છે , તેઓ પણ ખાતાકીય કાર્યવાહી કરશે. આ ચલાવી લેવાય એવો વિષય નથી, મારી સામે કોન્ટ્રાક્ટરને બ્લેકલિસ્ટ કરવાની દરખાસ્ત આવશે એ સાથે જ દરખાસ્ત મંજુર કરીશ.
આ સમગ્ર ઘટના પ્રકાશમાં આવ્યા બાદ આજે સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન એ લીલાનગર અને સૈજપુર સ્મશાનની પણ મુલાકાત લીધી હતી. જેમાં ખુલાસો થયો હતો તે બન્ને સ્મશાનમાં લાકડા તોલવાનો વજનકાંટો જ ઉપલબ્ધ નહોતો. સૈજપુર સ્મશાનમાં પણ લોખંડની ચિતામાં ફેરફાર કરાયો હોવાનું જોવા મળ્યું હતું.
Amc સ્મશાનોમાં સામે આવેલા લાકડા કૌભાંડ મામલે વિજિલન્સ વિભાગે તપાસ શરૂ કરી છે. વિજિલન્સ વિભાગના કર્મચારીઓ વિવિધ સ્મશાનગૃહ પહોંચ્યા છે. જમાલપુર સ્મશાનગૃહમાં આવેલી લોખંડની ઘોડીની માપણી હાથ ધરી રહ્યા છે. મેઝરમેન્ટ લઇ કોન્ટ્રાકટરના કૌભાંડના પુરાવા એકત્ર કરવાની કામગીરી ચાલી રહી છે. પરંતુ હાલ કમિશનર વિદેશ પ્રવાસેથી આવે એ સાથે જ આ અંગે નિર્ણય કરીશું તેવું સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જણાવી રહ્યા છે. જ્યારે હિતેશ બારોટે જણાવ્યું હતું કે આટલી ઝડપે વિજિલન્સ વિભાગે તપાસ શરૂ કરી એ અંગે તેમને અભિનંદન. કોઈપણ વ્યક્તિ હશે, અત્યંત કડક પગલાં લઈશું.
જાણો શું છે સમગ્ર કૌભાંડ?
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા અમદાવાદ શહેરમાં હિન્દુ મૃતકોની અંતિમવિધિ માટે કુલ 24 સ્મશાનગૃહોનું સંચાલન કરવામાં આવે છે. તે સ્મશાનગૃહોમાં મૃતકની અંતિમવિધિ માટે લાકડા પણ પુરા પાડવામાં આવે છે. તે લાકડા પુરા પાડવા માટે (1) જયશ્રી કૃષ્ણ સેવા સંધ (2) સમભાવ સેવા સંધ નામની સંસ્થાઓને કોન્ટ્રાકટ આપવામાં આવેલ છે. તે દરેક સંસ્થાઓને 12 સ્મશાનગૃહોમાં લાકડા પુરા પાડવાનો કોન્ટ્રાકટ મળેલ છે.
સ્મશાનમાં પણ થાય છે કૌભાંડ?
તે કોન્ટ્રાકટરો દ્વારા અંતિમક્રિયા સમયે પુરા પાડવામાં આવતા લાકડા માટે પ્રતિ પુખ્ત વ્યક્તિ રૂા.૭૯૯/- ચાર્જ વસુલ કરવામાં આવે છે. જ્યારે ખરેખર તો કોન્ટ્રાકટની શરત મુજબ એક મૃતકની અંતિમવિધી માટે અંદાજે ૨૪૦ કિલો લાકડા પુરા પાડવાના હોય છે, તેથી તે સંસ્થાઓ દ્વારા અંતિમવિધી માટે મૃતકનું મૃત શરીર લોખંડની ઘોડી ઉપર મુકવાનું હોય છે. તે લોંખડની ઘોડી સંસ્થાઓ દ્વારા સાંકડી બનાવીને મૃતકની અંતિમવિધી કરવામાં આવી રહેલ છે જેને કારણે અંદાજે માત્ર ૧૦૦ થી ૧૨૫ કિલો લાકડા વપરાય છે. તેમ છતાં તે બંને સંસ્થા દ્વારા પુરા લાકડા બતાવી પ્રજાજનો પાસેથી પુરેપુરા નાણાં પડાવીને ભષ્ટ્રાચાર કરવામાં આવી રહ્યો છે. તેમજ બી.પી.એલ. કાર્ડધારક પાસેથી લાકડાના માત્ર ૩૬૦ રૂા. જ લેવાના હોય છે તેમ છતાં તેઓ પાસેથી પણ પુરા નાણાં પડાવાય છે જેથી તે સંસ્થાઓ દ્વારા અંત્યત ગરીબ પછાત લોકોને પણ છોડયાં નથી.
તંત્રને મળી ચુકી છે અનેક ફરિયાદો
તેમાં નવાઇ જનક બાબત તો એ છે કે તંત્ર દ્વારા તે બાબતની ખુબ જ ફરિયાદો મળતાં અત્યાર સુધીમાં ૧૫ નોટિસો આપેલ છે. તે સંસ્થાઓ દ્વારા તે નોટિસોની અવગણના કરતાં તે બનેં સંસ્થાઓને બ્લેકલીસ્ટ કરવા બાબતે તંત્ર દ્વારા બે વાર દરખાસ્ત હેલ્થ કમિટીમાં મુકેલ છે. પરંતુ તે સંસ્થાઓ સત્તાધારી ભાજપની માનીતી સંસ્થા હોવાના કારણે બ્લેકલીસ્ટ કરવા બાબતે તંત્ર દ્વારા મુકાયેલ દરખાસ્ત બને વાર હેલ્થ કમિટી દ્વારા પરત કરી દેવામાં આવેલ છે. ત્યારે પ્રશ્ન એ ઉભો થાય છે કે ૧૫ વાર નોટીસો આપેલ હોય તથા બે વાર બ્લેકલીસ્ટ કરવાનું કામ આવેલ હોય તેવી વિવાદીત અને ખરડાયેલ સંસ્થાઓને સત્તાધારી ભાજપ દ્વારા શા માટે છાવરવામાં આવે છે ? તે સમજી શકાય તેવી બાબત છે.
વિપક્ષે ઉઠાવ્યા સવાલ
જો ખરેખર લોકોના અંતિમ સંસ્કારમાં પણ આવું કાર્ય થઈ રહ્યું હોય તો આ શરમજનક બાબત ગણી શકાય. ભષ્ટ્રાચાર આચરવા માટે સ્મશાનગૃહો અને મૃતકોને પણ છોડયાં નથી તેવા શાસકો માટે શરમજનક બાબત છે. આથી અમદાવાદ મ્યુનિ. કોર્પોના ૨૪ સ્મશાનગૃહોમાં લાકડા પુરા પાડતી ઉપરોક્ત (૧) જયશ્રી કૃષ્ણ સેવા સંધ (૨) સમભાવ સેવા સંધ નામની સંસ્થાઓ સામે કડક કાર્યવાહી કરી તાકીદે બ્લેકલીસ્ટ કરવા કોંગ્રેના વિપક્ષી નેતા શહેઝાદખાન પઠાણની માંગણી છે. આ અંગે હેલ્થ કમિટીના ચેરમેન ભરત પટેલ અને ડેપ્યુટી ચેરમેન કંઈપણ કહેવા તૈયાર નથી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે