સનાતન સંઘના ચેરમેનને ISISના નામે ધમકી, કહ્યું; 'ISIS માંથી બોલું છું, ગોળી મારીને વીંધી નાંખીશું'
પોલીસે આ ઘટનાના પગલે ગુનો દાખલ કરી ISIS ની ઓળખ આપીને ધમકી આપનાર અજાણ્યા વ્યક્તિને શોધવા માટે અલગ અલગ ધીમો કામે લગાડી છે અને આગળની કાર્યવાહી શરૂ કરી છે.
Trending Photos
મૌલિક ધામેચા/અમદાવાદ: સનાતન ધર્મના ચેરમેનને ISISના નામે ધમકી મળી હોવાની ઘટના સામે આવી છે. કાગડાપીઠ વિસ્તારમાંથી પસાર થતા સમયે અજાણ્યા વ્યક્તિએ ફોન કરીને તેઓના સલામતી જવાનને અને તેઓને પણ ગોળી મારી દેવાની ધમકી આપતા સમગ્ર મામલો પોલીસ મથકે પહોંચ્યો છે.
શું બની હતી સમગ્ર ઘટના?
આ વિશે મળતી માહિતી પ્રમાણે, સુરતમાં રહેતા અને સનાતન ધર્મના ચેરમેન તરીકે કાર્યરત ઉપદેશ રાણાને વધુ એક વાર ધમકી મળી હોવાની ઘટના સામે આવી છે. ગુરૂવારના રોજ તેઓ પોતાની ગાડીમાં અમદાવાદથી સુરત જઈ રહ્યા હતા અને સારંગપુર તરફ પહોંચ્યા હતા તે સમયે અજાણ્યા વ્યક્તિનો ફોન આવ્યો હતો અને સામેવાળી વ્યક્તિએ પોતે ISIS માંથી બોલું છું કહીને તમારી ગાડીનો પીછો કરીએ છીએ અને તમારી સાથેના પોલીસ પ્રોટેક્શન વાળા વ્યક્તિને ગોળી મારીને તમને પણ ગોળી મારી દઈશું તે પ્રકારની ધમકી આપી હતી. જેથી ફરિયાદીએ પોલીસ સ્ટેશનને જવાનું કહેતા સામેવાળી વ્યક્તિએ ફોન કાપી નાખ્યો હતો.
ધમકી આપનાર વ્યક્તિને શોધવા પોલીસની ટીમો દોડતી
ગર્ભિત ધમકી મળતા જ ફરિયાદી ઉપદેશ રાણાએ આ મામલે કાગડાપીઠ પોલીસ સ્ટેશનમાં અજાણ્યા વ્યક્તિ સામે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે આ ઘટનાના પગલે ગુનો દાખલ કરી ISIS ની ઓળખ આપીને ધમકી આપનાર અજાણ્યા વ્યક્તિને શોધવા માટે અલગ અલગ ધીમો કામે લગાડી છે અને આગળની કાર્યવાહી શરૂ કરી છે.
મહત્વનું છે કે ધંધુકામાં કિશન ભરવાડની થયેલી હત્યા બાદ આ કામના ફરિયાદીની રેકી કરવામાં આવી હોવાથી તેઓએ અગાઉ પણ પોલીસ મથકમાં ફરિયાદ કરી હતી અને કાગડાપીઠમાં ધમકી મળ્યાની ઘટના બન્યા બાદ તેઓએ પોતાની સિક્યુરિટી વધારવા માટે કોર્ટમાં અરજી કરી છે અને સાથે જ તેઓને હથિયારધારી પ્રોટેક્શનવાળો પોલીસકર્મી મળે તે પ્રકારની માંગ કરી છે.
જોકે આ મામલે ફરિયાદીને ધમકી આપનાર વ્યક્તિ કોણ છે અને ધમકી આપવા પાછળનું કારણ શું છે તે તો આરોપી પકડાયા બાદ જ સામે આવશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે