‘લોકડાઉનમાં અમારા બાળકો ગાળો બોલવા લાગ્યા...’ વાલીઓની આ વાત સાંભળી કાઉન્સેલર્સ પણ ચોંક્યા
Trending Photos
- સૌરાષ્ટ્રના વિદ્યાર્થીઓ માટે ખાસ કાઉન્સેલિંગ શરૂ કરાયું છે. રાજકોટની અનેક શાળાઓમાં તબક્કાવાર કાઉન્સેલિંગ શરૂ કરાયું
- વિદ્યાર્થીઓ અને વાલીઓએ રજૂ કરેલી સમસ્યાઓ અને મૂંઝવણો જાણીને તો કાઉન્સેલિંગ કરનારા પણ ચોંકી ઉઠ્યા
ઝી મીડિયા/બ્યૂરો :છેલ્લાં એક વર્ષથી બાળકો ઘરમાં કેદ છે. શાળા-કોલેજો માંડ માંડ ખૂલી ત્યાં બંધ થવાનો વારો આવ્યો. હવે વિદ્યાર્થીઓ ઘરમાં બેસીને કંટાળ્યા છે. ન તો તેમનુ ધ્યાન અભ્યાસમાં લાગે છે ન તો રમવામાં. આવામાં સૌરાષ્ટ્રના વિદ્યાર્થીઓ માટે ખાસ કાઉન્સેલિંગ શરૂ કરાયું છે. રાજકોટની અનેક શાળાઓમાં તબક્કાવાર કાઉન્સેલિંગ શરૂ કરાયું છે. ત્યારે વિદ્યાર્થીઓ અને વાલીઓએ રજૂ કરેલી સમસ્યાઓ અને મૂંઝવણો જાણીને તો કાઉન્સેલિંગ કરનારા પણ ચોંકી ઉઠ્યા છે.
રાજકોટ સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના મનોવિજ્ઞાન ભવનના સંયુક્ત ઉપક્રમે આ પ્રયાસ શરૂ કરાયો છે. જેમાં ઉજાસ-સ્ટુડન્ટ કાઉન્સેલિંગ અભિયાન અંતર્ગત આ પ્રોજેક્ટ શરૂ કરાયો છે. જેમાં બાળકો અને વાલીઓએ લોકડાઉનની સમસ્યાઓ રજૂ કરી હતી. આમાં વાલીઓએ પણ બાળકોને ક્યારેય ન જોયા હોય તેવા લક્ષણો લોકડાઉન દરમિયાન અનુભવ્યા છે. રાજકોટ શહેરની જુદી જુદી 13 શાળામાં તબક્કાવાર કાઉન્સેલિંગ શરૂ કરાયું છે.
કાઉન્સેલિંગ દરમિયાન એક વાલીએ કહ્યું કે, હવે તેઓ પોતાના બાળકને થોડુ પણ લખવાનું કે વાંચવાનું કહીએ છીએ તો ગાળો બોલે છે. તો કેટલાક બાળકો ન બોલવાનું બોલે છે. કાઉન્સેલિંગમાં વિદ્યાર્થીઓએ પણ એવી એવી વાતો વર્ણવી કે સાંભળીને ચોંકી જવાય. અન્ય એક વાલીએ કહ્યું કે, મારા દીકરાને કાંઇ થયું છે. તેના વર્તનમાં અચાનક પરિવર્તન આવે છે. ભણવાની સીધી ના, મિત્રો સાથે બહાર જવાની ના, ટ્યૂશનની ના, ખૂબ જ ગુસ્સો કરે, ક્યારેક આખો દિવસ પથારીમાંથી ઊભો જ ન થાય, ક્યારેક પગ વાળીને બેસે નહીં. પહેલા તો આવું નહોતો કરતો પણ સ્કૂલ ચાલુ થયા પછી બંધ થઇ ત્યારથી આવું વર્તન કરે છે.
કાઉન્સેલિંગ દરમિયાન આવા અનેક કિસ્સા આવી રહ્યાં છે, જેમાં વાલીઓ અને બાળકો બંને કન્ફ્યૂઝ જોવા મળી રહ્યાં છે. એક વર્ષ દરમિયાન બાળકોના વર્તનમાં ઘરમૂળ પરિવર્તન જોવા મળી રહ્યું છે. બાળકોને લખવા વાંચવામાં તકલીફ પડી રહી છે. તો સાથે જ તેમનામાં એકાગ્રતાનો અભાવ પણ જોવા મળી રહ્યો છે. આવી અનેક સમસ્યાઓ સાથે બાળકો અને વાલીઓ આવી રહ્યાં છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે