કોર્ટના સ્ટે વાળી જગ્યા પર તાણી દેવાયું બિલ્ડિંગ! સાગઠિયાએ આપી હતી પ્લાનને મંજૂરી

Rajkot: સ્ટે વાળી જગ્યામાં સાગઠિયાએ પ્લાન મંજૂર કરી દેતા શ્રીજી ડેવલપર્સની ભાગીદારી પેઢીએ ધ ડેસ્ટિની બિલ્ડિંગ ઉભું કરી દીધું હોવાની વાત સામે આવતા હડકંપ મચી ગયો છે. 

કોર્ટના સ્ટે વાળી જગ્યા પર તાણી દેવાયું બિલ્ડિંગ! સાગઠિયાએ આપી હતી પ્લાનને મંજૂરી

ગૌરવ દવે, રાજકોટઃ રાજકોટના ગેમઝોન અગ્નિકાંડના આરોપી મનસુખ સાગઠિયા ફરી આવ્યાં નવા વિવાદમાં. સાગઠિયાનું વધુ એક પોત પ્રકાશ્યું અને સામે આવ્યું નવું કારસ્તાન. કોર્ટે જે જગ્યા પર સ્ટે આપ્યો હતો એ જગ્યા પર કોર્ટનો અનાદર કરીને તત્કાલિન ટીપીઓ સાગઠિયાએ આપી દીધી હતી પ્લાનને મંજૂરી. આજે એ જ સ્ટે વાળી જગ્યા પર સાગઠિયાએ આપેલી મંજૂરીને પગલે તાણી દેવાયું છે બિલ્ડિંગ.

જેને કારણે રાજકોટના સસ્પેન્ડેડ TPO મનસુખ સાગઠિયા ફરી ચર્ચામાં આવ્યાં છે. 150 ફૂટ રિંગ રોડ પર આંબેડકર ચોકમાં આવેલું ધ ડેસ્ટિની બિલ્ડિંગ વિવાદમાં ફસાયું છે. સોરઠિયા પરિવારની વારસાઈ મિલકત પર બાંધકામ કરાયાનો આરોપ લાગ્યો છે. આ પ્લાન ગેરકાયદે રીતે સાગઠિયાએ મંજૂર કર્યો હોવાનું પણ ખુલ્યું છે. 

મવડીના રેવન્યૂ સર્વે નંબર 95 પૈકીના પ્લોટ નંબર 39થી 42 અને 50 થી 54માં ગેરકાયદે દસ્તાવેજો કરી બાંધકામ ખડકી દેવાયું હોવાનું સામે આવ્યું છે. વર્ષ 2015-16માં તત્કાલિન TPO મનસુખ સાગઠિયાએ કોર્ટના સ્ટેનો અનાદર કરી પ્લાન મંજૂર કર્યાનો આરોપ લાગ્યો છે. 2007માં કોર્ટે આપેલા સ્ટેનો અનાદર કરી પ્લાન મંજૂર કરાયાનો દાવો કરવામાં આવ્યો છે. સ્ટે વાળી જગ્યામાં સાગઠિયાએ પ્લાન મંજૂર કરી દેતા શ્રીજી ડેવલપર્સની ભાગીદારી પેઢીએ ધ ડેસ્ટિની બિલ્ડિંગ ઉભું કરી દીધું હોવાની વાત સામે આવતા હડકંપ મચી ગયો છે. 

કોર્ટના સ્ટે વાળી જગ્યા પર શ્રીજી ડેવલપર્સના ભાગીદાર કંડોરીયા અને ગ્રીષ્મા ઇન્ફ્રા પ્રા. લી. કંપનીના ભાગીદાર ભરત ડઢાણીયા વગેરેએ કબજો કરી બાંધકામ કર્યું હોવાનો આરોપ લાગ્યો છે. જાન્યુઆરી 2018માં RMCના લીગલ એડવોકેટે પણ બાંધકામ પરવાનગી અને રિવાઈઝ્ડ પ્લાન મંજૂર ન કરી શકાય તેવો કાયદાકીય અભિપ્રાય આપ્યો હતો. સોરઠિયા પરિવારે અનેક સ્થળે અરજી કરી હોવા છતાં નિરાકરણ નથી આવ્યું. અરજદારના પુત્ર મિત સોરઠિયાએ મનસુખ સાગઠિયાએ ડેવલપર્સ સાથે કરોડોનું વહીવટ કર્યો હોવાનો આરોપ લગાવ્યો છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news