સફાઈ કર્મચારીઓના વર્ષો જૂના પ્રશ્નો ઉકેલો, નહિ તો બદલી માટે રહેજો તૈયાર : અંજના પવાર
Trending Photos
- સફાઈ કર્મચારીઓના પ્રશ્નોનુ યોગ્ય નિરાકરણ લાવવાની રાષ્ટ્રીય સફાઇ કર્મચારી આયોગના સભ્ય અંજના પવારની ખાતરી
- કલેક્ટર કચેરી ખાતે સફાઇ કર્મચારી આયોગના સભ્યો સાથે અંજનાબેને કર્યો વિચાર વિમર્શ
ગૌરવ દવે/રાજકોટ :સફાઇ કર્મચારી આયોગના સભ્ય અંજનાબેન પવારે સફાઈ કર્મચારીઓના પ્રશ્નોનો યોગ્ય નિરાકરણ લાવવાની ખાતરી ઉચ્ચારી હતી. કલેક્ટર કચેરી ખાતે યોજાયેલી સફાઈ કર્મચારી આયોગના અધિકારીઓ અને સભ્યો સાથેની બેઠકમાં અંજનાબેને સફાઈ કર્મચારીઓના પ્રશ્નો વિગતવાર સાંભળ્યા હતા અને છેવાડાના નાગરિકોનું ઉત્થાન કરવા તથા તેમને પાયાની જરૂરીયાતો પુરી પાડવા માટેના વડાપ્રધાનના પ્રયત્નોની સરાહના કરી હતી. સફાઈ કર્મચારીઓને ગણવેશ તથા સફાઈ સંદર્ભના જરૂરી સાધનો પુરા પાડવા, લઘુત્તમ વેતન આપવા, સફાઇ કર્મચારીઓની ભરતી કરવા, વગેરે બાબતો અંગેની સફાઈ કર્મીઓની રજૂઆતો અંજનાબેને પૂરી સહ્રદયતાથી સાંભળી હતી. તેમણે ઉપસ્થિત અધિકારીઓને જણાવ્યું હતું કે સફાઈ કર્મચારીઓ તથા અધિકારીઓ એકબીજાના પૂરક છે, તેઓએ પરસ્પર સંતુલન સાધીને કામગીરી કરવી જોઈએ.
જિલ્લા કલેકટર અરુણ મહેશ બાબુએ રાષ્ટ્રીય સફાઈ કર્મચારી આયોગના સભ્ય અંજના પવારને આ મિટિગમાં આવકાર્યા હતા. જ્યારે મ્યુનિસિપલ કમિશનર અમિત અરોરાએ કોરોના કાળમાં સફાઈ કામદારોએ કરેલી કામગીરીની સરાહના કરી હતી. અનુસૂચિત જાતિ કલ્યાણ વિભાગના નાયબ નિયામક સી.એન.મિશ્રાએ રાજકોટ જિલ્લામાં સફાઈ કામદારોને અપાયેલી રાજ્ય સરકારની વિવિધ કલ્યાણ યોજનાઓની આંકડાકીય વિગતો રજૂ કરી હતી.
રાજકોટ મનપા સામે સફાઈ કર્મચારીઓનો રોષ
રાજકોટ મનપાના સફાઈ કર્મચારી મંડળોના આગેવાનોએ અંજના પવાર સામે જ અધિકારીઓને ઉધડા લીધા હતા. ચાર વર્ષ બાદ રાષ્ટ્રીય સફાઇ કર્મચારી આયોગ રાજકોટ આવતા અનેક રજૂઆતો કરવામાં આવી હતી. બીજી તરફ રાજકોટ મનપા કર્મચારીઓને કાયમી કરતી ન હોવાની ફરિયાદો ઉઠી હતી. આયોગના સભ્ય અંજના પવારે કહ્યું હતું કે, અંદાજિત 414 જગ્યા ખાલી છે, જે સત્વરે ભરવા માટે અધિકારીઓને સૂચના આપી હતી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે