ઉઠા ભણાવે શિક્ષકો તો ક્યાંથી ભણે ગુજરાત? પેપરમાં એક અક્ષર પણ ન પાડ્યો, છતાં 12 માર્ક્સ, નોંધમાં લખ્યું - ‘અક્ષર સારા કરો’

રાજકોટના લોધિકા તાલુકાની બાલસર સરકારી પ્રાથમિક શાળાના ધો.4ના શિક્ષક હસમુખભાઈ નાથાભાઈ કમાણી અને ધો.1-2ના વર્ગ શિક્ષક ભાવેશભાઈ ઘેલાભાઈ શિંગાળાએ વિદ્યાર્થીઓને માર્ક્સ આપ્યા છે અને સમગ્ર મામલો સામે આવ્યો છે.

 ઉઠા ભણાવે શિક્ષકો તો ક્યાંથી ભણે ગુજરાત? પેપરમાં એક અક્ષર પણ ન પાડ્યો, છતાં 12 માર્ક્સ, નોંધમાં લખ્યું - ‘અક્ષર સારા કરો’

ગૌરવ દવે/રાજકોટ: ઉઠા ભણાવે શિક્ષકો તો ક્યાંથી ભણે ગુજરાત? હાલ આવી સ્થિતિ ગુજરાતમાં જોવા મળી રહી છે. રાજકોટના લોધિકા તાલુકાની બાલસર સરકારી પ્રાથમિક સ્કૂલના શિક્ષકોની વિદ્યાર્થીઓ અભણ રહે તેવી હરકતો બહાર આવતા ખળભળાટ મચ્યો છે. અહીં એકમ કસોટીમાં વિદ્યાર્થીએ પેપરમાં એક અક્ષર પણ ન લખ્યો છતાં શિક્ષકે 12 માર્ક આપ્યા હતા. અને શિક્ષકે પુરવણીમાં નોંધ પણ લખી હતી કે ‘અક્ષર સારા કરો’... આ અહેવાલ પ્રકાશિત થયા બાદ સીઆરસી સહિતના ઉપરી અધિકારીઓએ તપાસ કરી નોંધ લખી પરંતુ કોઈ પગલાં લીધા નહોતા. આખરે સમગ્ર મામલો શિક્ષણ સચિવ વિનોદ રાવ પાસે પહોંચ્યો છે. 

આ વિશે મળતી માહિતી પ્રમાણે, રાજકોટના લોધિકા તાલુકાની બાલસર સરકારી પ્રાથમિક શાળાના ધો.4ના શિક્ષક હસમુખભાઈ નાથાભાઈ કમાણી અને ધો.1-2ના વર્ગ શિક્ષક ભાવેશભાઈ ઘેલાભાઈ શિંગાળાએ વિદ્યાર્થીઓને માર્ક્સ આપ્યા છે અને સમગ્ર મામલો સામે આવ્યો છે. આ કિસ્સામાં સ્કૂલ દ્વારા લેવાયેલી એકમ કસોટીમાં વિદ્યાર્થીઓએ પેપરમાં એક અક્ષર પણ લખ્યો નહોતો છતાં 25માંથી 15 અને 25માંથી 12 જેવા માર્ક આપી વિદ્યાર્થીઓને પાસ કરી દીધા હોવાનું બહાર આવ્યું છે. આશ્ચર્યની વાત એ છે કે બાળકોએ પેપરમાં કશું લખ્યું જ નથી છતાં વર્ગશિક્ષકોએ પેપર તપાસી છેલ્લે સૂચના પણ લખી છે કે અક્ષર સારા, યોગ્ય વળાંકવાળા કરો, શબ્દોની જોડણી સાચી અને વાક્ય રચના બરાબર લખો!

આ ઘટનામાં ભારે હોબાળા બાદ તાલુકાના સીઆરસી (ક્લસ્ટર રિસર્ચ કો-ઓર્ડિનેટર), બીઆરસી, તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી સહિતના અધિકારીઓએ તપાસ કરી હતી. તપાસમાં પણ સ્પષ્ટ બહાર આવ્યું કે વિદ્યાર્થીઓએ કશું લખ્યું નહીં હોવા છતાં શિક્ષકે માર્ક આપી પાસ કરી દીધા છે, પરંતુ એકપણ અધિકારીઓએ આ મામલે કોઈ કડક કાર્યવાહી કરી નહોતી. 

તમને જણાવી દઈએ કે, સરકારી સ્કૂલના શિક્ષકે વિદ્યાર્થીઓના પેપરમાં માર્ક મૂકી ‘સરલ’ પોર્ટલ પર અપલોડ પણ કરી દીધા હતા. શિક્ષકનું પર્ફોર્મન્સ ખરાબ ન દેખાય તેથી પાસ કરી દીધા હોય તેવા પ્રશ્નો હાલ ઉદ્દભવી રહ્યા છે. અગાઉ પણ ઓછા વિદ્યાર્થીઓ હોવા છતાં સ્કૂલ મર્જ કરાઈ નહોતી અને બાલસરમાં ધોરણ 8 મંજૂર કરી દેવાયું હતું.

પરંતુ આવી એક સ્કૂલનું નથી. મોટા ભાગની શાળાઓમાં કોઈને કોઈ પ્રકારની લાલિયાવાડી ચલાવવામાં આવી રહી હોવાની અને શિક્ષણનો સ્તર કથળી રહ્યો હોવાની સ્થિતિ છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news