જામનગરની એમ.પી.શાહ મેડિકલ કોલેજમાં ફરી એકવાર રેગિંગની ઘટનાથી ખળભળાટ

હાલના સમયમાં કોલેજના વિદ્યાર્થીઓની રેગિંગની ઘટના છાશવારે બની રહી છે, ત્યારે ફરીથી આવી જ એક ચકચારી ઘટના જામનગરની વિખ્યાત એમ.પી. શાહ મેડિકલ કોલેજમાં બની છે.

જામનગરની એમ.પી.શાહ મેડિકલ કોલેજમાં ફરી એકવાર રેગિંગની ઘટનાથી ખળભળાટ

મુસ્તાક દલ/જામનગર :હાલના સમયમાં કોલેજના વિદ્યાર્થીઓની રેગિંગની ઘટના છાશવારે બની રહી છે, ત્યારે ફરીથી આવી જ એક ચકચારી ઘટના જામનગરની વિખ્યાત એમ.પી. શાહ મેડિકલ કોલેજમાં બની છે. જેમાં મેડિકલ કોલેજના ત્રીજા વર્ષમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીને સિનીયરો દ્વારા રેગિંગ કરાતા સમગ્ર ઘટનાને લઈને જામનગરમાં ચકચાર મચી છે. જ્યારે અગાઉ પણ આ પ્રકારની ઘણી ઘટનાઓ એમ.પી શાહ મેડિકલ કોલેજમાં બની છે, ત્યારે હાલ આ ઘટનાને લઈને કોલેજના ડીન દ્વારા તપાસના આદેશ આપી દેવાયા છે.

જામનગરની એમ.પી. શાહ મેડિકલ કોલેજ રેગિંગની ઘટનાને લઈને વારંવાર વિવાદમાં સપડાઇ રહી છે. ત્યારે જામનગરમાં જ રહેતા અને મેડિકલ કોલેજના ત્રીજા વર્ષમાં અભ્યાસ કરતા તથા મધ્યમ વર્ગના પરિવારમાંથી આવતા અને સ્કોલરશિપમાં અભ્યાસ કરતા પાર્થ રાઠોડ સાથે રેગિંગ થયું છે. ચોથા વર્ષમાં અભ્યાસ કરતાં સિનિયર ત્રણથી ચાર વિદ્યાર્થીઓ દ્વારા મેડિકલ કોલેજના હોસ્ટેલમાં રહેતા પાર્થના રૂમને તાળું મારી દેવાયું હતું. તથા તેનો સામાન બહાર ફેંકી દઇ ઢોર માર માર્યો હતો. આખરે રેગિંગની ઘટના પ્રકાશમાં આવી છે. આ ઘટનામાં હદ તો ત્યારે વધી કે, મેડિકલ કોલેજ હોસ્ટેલનું કેમ્પસ છોડીને પાર્થ ઘરે હતો ત્યારે પણ તેને ધમકી ભર્યા ફોન સિનિયર વિદ્યાર્થીઓ દ્વારા કરાયા હતા. રેગિંગની ઘટનાથી ભયભીત બનેલા પાર્થે હાલ મીડિયા સમક્ષ આવવાનો ઇન્કાર કર્યો છે અને જિલ્લા પોલીસ વડા પાસે રક્ષણ પણ માંગ્યું છે. સમગ્ર ઘટનાની એન્ટી રેગિંગ કમિટી પાસે તપાસની માંગ કરી છે.

વિદ્યાથીઓ વચ્ચે મારામારીની ઘટના બની હોવાનું ડીન નંદીની દેસાઈએ નકાર્યું હતું. તેમણે કહ્યું કે, રેગિંગ થયું છે કે નહીં તે તપાસનો વિષય છે. હાલ પૂરતું ઘટના બની છે તેને સમર્થન અપાયું હતું પરંતુ રેગિંગ થયું છે તેને સમર્થન ડીન દ્વારા ન આપ્યું. મેડિકલ કોલેજની એન્ટી રેગિંગ સ્કવોડને તપાસ સોંપી દેવામાં આવી છે. જ્યારે સમગ્ર ઘટનાને લઈને ભોગ બનનાર વિદ્યાર્થી તેમજ રેગિંગ કરનારા વિદ્યાર્થીઓ અને વાલીઓના નિવેદન લઇ સમગ્ર ઘટનાનો અહેવાલ તૈયાર કરવામાં આવશે અને ખાસ જિલ્લા કલેકટરના વડપણ હેઠળની એન્ટી રેગિંગ કમિટીમાં સમગ્ર ઘટનાને લઈને ખુલાસો કરવામાં આવશે અને જો કસૂરવાર જણાશે તો વિદ્યાર્થીઓ પર કાર્યવાહી પણ કરવામા આવશે તેવુ ડીન દ્વારા જણાવાયું છે.

આગામી 6 તારીખના રોજ અહેવાલ સુપરત કરવામાં આવશે. પરંતુ અહીં સવાલ એ ઉભો થાય છે કે, આ પ્રકારે છાશવારે વિદ્યાર્થીઓની રેગિંગની બનતી ઘટના ખરેખર ક્યારે અટકશે ??? જોકે હાલ તો રેગિંગની ઘટનાને લઇને હોબાળો મચી ગયો છે, પરંતુ તપાસના અંતે જ ખબર પડશે કે ખરેખર આ ઘટનામાં રેગિંગ થયું છે કે પછી વિદ્યાર્થીઓની અંદરોઅંદરની માથાકૂટ કારણભૂત છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news