પોલીસને જે 'દંડો' આપ્યો છે તેનો છૂટથી ઉપયોગ કરે, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જાહેરમાં કરી ટકોર

ગાંધીનગરમાં આજે એક કાર્યક્રમમાં ગુમ કે ચોરી થયેલા મોબાઈલો મૂળ માલિકોને પરત કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ સંબોધન દરમિયાન કહ્યું કે પોલીસને જે દંડો આપ્યો છે તેનો ઉપયોગ કરવો જોઈએ.
 

પોલીસને જે 'દંડો' આપ્યો છે તેનો છૂટથી ઉપયોગ કરે, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જાહેરમાં કરી ટકોર

ગાંધીનગરઃ ગાંધીનગરમાં આજે પોલીસ વિભાગ દ્વારા તેરા તુજકો અર્પણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમ અંતર્ગત ચોરી કે ગુમ થયેલા મોબાઈલ મૂળ માલિકોને પરત કરવામાં આવ્યા હતા. તેરા તુજકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત 340 મોબાઈલ મૂળ માલિકોને પરત કરવામાં આવ્યા હતા. ગાંધીનગર પોલીસે 73 લાખની કિંમતના મોબાઈલ પરત મેળવ્યા હતા. રાજ્યના ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીના હસ્તે મોબાઈલ અને મુદ્દામાલ પરત કરવામાં આવ્યો હતો.

પોલીસે પરત કર્યા મોબાઈલ
મોબાઈલ ચોરી કે ફોન ખોવાઈ જાય તેવી ઘટના હંમેશા બનતી હોય છે. ત્યારે આરોપીઓ પાસેથી આ ફોન ગાંધીનગર પોલીસે રિકવર કર્યાં હતા. ત્યારબાદ જે વ્યક્તિઓના ફોન હતા તેને પરત આપવા માટે આજે એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં હર્ષ સંઘવીના હસ્તે 430 મૂળ માલિકોને મોબાઈલ પરત કરવામાં આવ્યા હતા. ગાંધીનગર ટાઉનહોલ ખાતે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સિવાય મંદિરોમાં ચોરી થઈ હોય તેના 47 લાખ રૂપિયા પણ મૂળ માલિકોને પરત કરવામાં આવ્યા હતા.

હર્ષ સંઘવીએ પોલીસને આપી સલાહ
આ કાર્યક્રમમાં સંબોધન કરતા હર્ષ સંઘવીએ કહ્યુ કે ગુનેગાર જે ભાષામાં સમજે તે ભાષામાં સમજાવવા જોઈએ. હર્ષ સંઘવીએ કહ્યું કે પોલીસને ડંડો આપ્યો છે તો તેનો છુટથી ઉપયોગ કરવાનું જાહેર મંચ પરથી કહું છું. હર્ષ સંઘવીએ કહ્યું કે જે ગુનેગાર હશે તેનો વરઘોડો તો નિકળશે જ. હર્ષ સંઘવીએ પોલીસકર્મચારીઓને કહ્યું કે રાજ્યના નાગરિકોને પોલીસે માન-સન્માન આપવું પડશે. જો કોઈ વડીલ ફરિયાદ કરવા આવે તો પોલીસે પાણીનો ગ્લાસ આપવો જોઈએ.

ત્યારબાદ રાજ્યના ગૃહરાજ્યમંત્રીએ ટકોર કરતા કહ્યું કે જો કોઈ ગુનેગાર હોય તો ભૂલમાં પણ પાણીનો ગ્લાસ ન આપતા. હર્ષ સંઘવીએ કહ્યું કે જો કોઈ નિર્દોષ વ્યક્તિઓને પરેશાન કરશે તો તેને છોડવામાં આવશે નહીં. આ સિવાય હર્ષ સંઘવીએ જામનગર એસપી અને ટીમને અભિનંદન આપ્યા હતા. હર્ષ સંઘવીએ કહ્યું કે જામનગર જિલ્લાના બળાત્કાર અને ડ્રગ્સ કેસના આરોપીનું 11 વિઘાનું ફાર્મહાઉસ ધરાશાયી કરી દેવામાં આવ્યું છે તે અભિનંદનને પાત્ર છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news