PMJAY યોજના ખાનગી હોસ્પિટલ માટે કમાઉ દીકરો સાબિત થઈ, 3 વર્ષમાં સરકારને આટલી લૂંટી
PMJAY Scam : અમદાવાદની ખ્યાતી હોસ્પિટલમાં v યોજના હેઠળ કરવામાં આવેલા ઓપરેશનના કૌભાંડો ખૂલતા હવે ખાનગી હોસ્પિટલોનું વધુ એક ભોપાળું બહાર આવ્યું છે, આ યોજનામાં સરકારને ખાનગી હોસ્પિટલો લૂંટી રહી છે
Trending Photos
Ahmedabad News : PMJAY એટલે કે પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના મામલે ગુજરાતમાંથી એક પછી એક મોટા ગરબડ ગોટાળા સામે આવી રહ્યાં છે. સમગ્ર ભારતમાં મધ્યમા વર્ગના દર્દીઓને સારી સારવાર માટે તે માટે કેન્દ્ર સરકારે PMJAY યોજના અમલમાં મુકેલ છે જો કે, તેની અમલવારીમાં યેનકેન પ્રકારે કૌભાંડ કરવામાં આવે તેવું ગુજરાતમાં સામે આવ્યું છે. રાજ્યમાં PMJAY યોજનાનો ખાનગી હૉસ્પિટલોએ પોતાના ફાયદા માટે મોટાપાયે લાભ લીધો હોવાનો ખુલાસો થયો છે. PMJAY યોજના ખાનગી હૉસ્પિટલ માટે કમાઉ દીકરો સાબિત થઈ છે. ખાનગી હૉસ્પિટલોએ છેલ્લા 3 વર્ષમાં કરી 7874 કરોડની જંગી કમાણી કરી છે. જેમાં એકલા અમદાવાદની હોસ્પિટલોએ 1008 કરોડનો કારોબાર કર્યો છે.
ત્રણ વર્ષમાં ખાનગી હોસ્પિટલોને કેટલી કમાણી
- વર્ષ 2021-22માં 1 હજાર 620 કરોડની કમાણી..
- વર્ષ 2022-23માં 2 હજાર 647 કરોડની કમાણી..
- વર્ષ 2023-24માં 3 હજાર 607 કરોડની કમાણી..
ગુજરાત માં PMJAY યોજના હેઠળ ૨.૬૧ કરોડ કાર્ડ ધારકો
ગુજરાતમાં PMJAY યોજના હેઠળ 2 કરોડ 61 લાખ કાર્ડધારકો નોંધાયેલા છે. આ ગ્રાહકોને ખબર પણ નથી કે તેમના કાર્ડ ખાનગી હોસ્પિટલો માટે કમાણીનું સાધન છે. ઉપરથી આવા ગ્રાહકોને પોતાનો જીવ પણ ગુમાવવાનો વારો આવે છે. ખ્યાતિ મોતકાંડ, કેટલીક હોસ્પિટલોની બોગસ સારવાર વચ્ચે લેટેસ્ટ આંકડા ચોંકાવી દે તેવા છે. આ હોસ્પિટલો માત્ર સરકારી રૂપિયા માટે દર્દીઓને બેવકૂફ બનાવી રહી છે. તેમના માટે દર્દીઓ કમાણીનું સાધન બન્યા છે. PMJAY યોજના ખાનગી હોસ્પિટલ માટે કમાઉ દીકરો સાબિત થઈ રહી છે. PMJAY યોજનામાં ખાનગી હોસ્પિટલોને બખ્ખા પડી રહ્યા છે. એક આંકડા અનુસાર, ખાનગી હોસ્પિટલોએ છેલ્લા ત્રણ વર્ષમાં PMJAY યોજના માં રૂપિયા ૭,૮૭૪ કરોડની જંગી કમાણી કરી છે. ગુજરાતમાં વર્ષ ૨૦૨૩-૨૪ માં ૩,૬૦૭ કરોડ રૂપિયા PMJAY હેઠળ ખર્ચ થયો છે.
- અમદાવાદમાં જ સૌથી વધુ ૪૫૦ કરોડનો કારોબાર થયો છે જવાં ૧.૪૯ લાખ દર્દીઓને સારવાર અપાઈ છે.
- બીજા ક્રમે સુરતમાં સૌથી વધુ ૩૩૧.૪ કરોડ વપરાયા છે જ્યાં ૯૪૭૭૯ દર્દીને સારવાર અપાઈ છે.
- ત્રીજા ક્રમે રાજકોટમાં છેલ્લાં એક વર્ષમાં ૨૭૫.૯ કરોડનો ખર્ચ થયો છે.
અન્ય શહેરોની હોસ્પિટલો પણ લાભ લે છે
અમદાવાદની ખ્યાતિ હૉસ્પિટલના કાંડ બાદ હવે PMJAY યોજનાનો લાભ લેતી તમામ હૉસ્પિટલ શંકાના દાયરામાં આવી રહી છે. તેવામાં મોરબીમાં આવેલી આયુષ હૉસ્પિટલે છેલ્લા 21 મહિનામાં 11 હજાર 393 ક્લેઈમ કર્યા છે. સાથે જ તેને કરોડોની રકમ ચૂકવવામાં આવી હોવાથી કૌભાંડની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. જો કે, હૉસ્પિટલના સત્તાધીશોએ સ્પષ્ટતા કરી છે કે, તેમની હૉસ્પિટલમાં વધુ સુવિધા હોવાથી દર્દીઓની સંખ્યા વધુ રહે છે, એટલે વધુ ક્લેઈમ થયા છે. મોરબી જિલ્લામાં કુલ મળીને 14 હજાર 57 જેટલા ક્લેઈમ અત્યાર સુધીમાં પાસ કરવામા આવેલ છે. જો કે, 6100 જેટલા કલેઈમ હજુ પેન્ડિંગ છે. અને જે રકમ ચૂકવવામાં આવી છે તેમાં જુદી જુદી પાંચ ખાનગી હોસ્પિટલને 37.24 કરોડ જેટલી રકમ ચૂકવવામાં આવેલ છે. જે પાંચ ખાનગી હોસ્પિટલને રકમ ચૂકવવામાં આવેલ છે તેમાં વેદાંત ચિલ્ડ્રન હોસ્પિટલ, આયુષ મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ, સદભાવના હોસ્પિટલ અને જે.આર. હોસ્પિટલ સહિતનો સમાવેશ થાય છે. વધુ ક્લેઈમના આંકડા જોતા કૌભાંડની શક્યતા વ્યક્ત થઈ રહી છે ત્યારે જિલ્લાના આરોગ્ય અધિકારી અને કલેક્ટરે તપાસ કરવાની ખાતરી આપી છે. જો કોઈ દોષિત જણાશે તો કડક પગલાં લેવાની ખાતરી પણ આપવામાં આવી છે.
આમ, ખ્યાતિ મોતકાંડ બાદ સરકારની આંખો ખુલી રહી છે. જેના કારણે કાર્ડિયોલોજી અને રેડિયોલોજીની સારવાર માટેની એસઓપી તૈયાર કરીને કેન્દ્ર સરકારને મોકલી છે. સરકાર માને છે કે, કેટલીક હોસ્પિટલો પૈસા કમાવવા માટે ખોટી રીતે સારવાર કરી રહી છે, અલબત્ત, આ નવી એસઓપી કૌભાંડ પર લગામ કસી શકશે કે કેમ તે પણ એક મોટો સવાલ છે.
આ ઘટનાઓ બતાવે છે કે, આરોગ્ય વિભાગ પણ સક્રિય રીતે કામ કરી રહ્યુ નથી. અથવા તો ક્યાંક ને ક્યાંક ભ્રષ્ટાચાર અને મિલીભગત ચાલી રહી છે. ગુજરાતમા બીમાર દર્દીઓના આંકડા પર પણ હવે સવાલો પેદા થઈ રહ્યાં છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે