PM મોદીનું સપનુ નવસારીમાં સાકાર થશે, ફાઈવ સ્ટાર હોટલને પણ ટક્કર મારે તેવી હોસ્પિટલનું ભૂમિપૂજન કરશે

PM Modi In Gujarat : આવતીકાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે ૧૦ મી જૂનના રોજ નવસારી ખાતે વિવિધ વિકાસકાર્યોનું લોકાર્પણ, ખાતમૂહૂર્ત અને ભૂમિપૂજન થનાર છે. તેઓ નવસારી ખાતે નવીન સરકારી મેડિકલ કૉલેજ અને હોસ્પિટલનું ભૂમિપૂજન કરશે

PM મોદીનું સપનુ નવસારીમાં સાકાર થશે, ફાઈવ સ્ટાર હોટલને પણ ટક્કર મારે તેવી હોસ્પિટલનું ભૂમિપૂજન કરશે

ગાંધીનગર :વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે આજે આવતીકાલે 10 જૂને નવસારી ખાતે નવીન સરકારી મેડિકલ કૉલેજ અને હોસ્પિટલનું ભૂમિપૂજન કરાશે. તેઓ નવસારી ખાતે રૂપિયા 3050 કરોડના વિવિધ વિકાસકાર્યોનું લોકાર્પણ,ખાતમૂહુર્ત અને ભૂમિપુજન કરાશે. રૂપિયા 542.50 કરોડના ખર્ચે નિર્માણ પામનારી નવીન મેડિકલ કૉલેજ અને હોસ્પિટલ અત્યાધુનિક માળખાકીય સુવિધાઓ અને ડિજીટલ સેવાઓથી સજ્જ હશે. રાજ્યમાં નવસારી, નર્મદા, પંચમહાલ, મોરબી અને પોરબંદર ખાતે ગણતરીના દિવસોમાં રૂપિયા 2250 કરોડના ખર્ચે નવીન સરકારી મેડિકલ કૉલેજ નિર્માણ પામશે. પ્રત્યેક મેડિકલ કૉલેજ દીઠ ૧૦૦ સીટ ઉપલબ્ધ બનશે તેવુ આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું. 

નવસારી મેડિકલ કૉલેજમાં ઉપલબ્ધ થનારી સુવિધાઓ

  • 660 કેપેસીટીની અલાયદી બોય્સ અને ગર્લ્સ હોસ્ટેલ
  • ઓડિયો-વીડિયો ડિજીટલ સેવાઓથી સજ્જ લેક્ચર થીયેટર્સ
  • સ્કીલ લેબોરેટરી, મલ્ટીપર્પસ હોલ, વિવિધ સ્પોર્ટસ સુવિધાઓ, અલાયદા ચાઇલ્ડ કેર સેન્ટર, સ્ટુડન્ટસ કાઉન્સીલની સેવાઓ

આ પણ વાંચો : એક દાયકાના લગ્ન જીવન પર દોઢ વર્ષનો પ્રેમ ભારે પડ્યો, પ્રેમી-પ્રેમિકાએ મળીને પતિનો કાંટો કાઢી નાંખ્યો

નવી હોસ્પિટલમાં ઉપલબ્ધ સુવિધાઓ

  • 450 બેડની કેપેસીટી
  • 4 મોડ્યુલર ઓપરેશન થીયેટર સાથે કુલ 8 ઓપરેશન થીયેટર
  • 22 ઓ.પી.ડી. ક્લીનીક સેવાઓ ઉપલબ્ધ થશે

આવતીકાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે ૧૦ મી જૂનના રોજ નવસારી ખાતે વિવિધ વિકાસકાર્યોનું લોકાર્પણ, ખાતમૂહૂર્ત અને ભૂમિપૂજન થનાર છે. પાણી પુરવઠા, આરોગ્ય સેવાઓ, માર્ગ અને મકાન, ઉર્જા અને શહેરી વિકાસ વિભાગના કુલ રૂ. 3050 કરોડના વિકાસ કાર્યોમાં અંદાજીત 900 કરોડના વિકાસ પ્રકલ્પોનું લોકાર્પણ, 650 કરોડના વિકાસ કાર્યોનું ખાતમૂહુર્ત અને અંદાજીત ૧૫૦૦ કરોડના વિવિધ વિકાસ કાર્યોનું ભૂમિપૂજન વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે કરવામાં આવશે.

સાથે જ તેઓ નવસારી ખાતે અંદાજીત રૂપિયા 542 કરોડના ખર્ચે નિર્માણ પામનારી સરકારી મેડિકલ કૉલેજ અને હોસ્પિટલનું પણ ભૂમિપૂજન પણ કરશે. આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત વડાપ્રધાને દેશના પ્રત્યેક જિલ્લામાં મેડિકલ કૉલેજ કાર્યરત કરીને ઘરઆંગણે જ મેડિકલ શિક્ષણ ઉપલબ્ધ કરાવવાની નેમ વ્યક્ત કરી છે. જેના પરિણામ સ્વરૂપ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલના સબળ નેતૃત્વ અને આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલના સક્ષમ માર્ગદર્શન હેઠળ રાજ્ય સરકારે પણ દરેક જિલ્લામાં મેડિકલ કૉલેજ ઉપલબ્ધ કરાવીને ઘરઆંગણે જ શ્રેષ્ઠ શિક્ષણ અને ઉત્તમ સ્વાસ્થ્ય સેવાઓ ઉપલબ્ધ કરાવવા પ્રયત્નો હાથ ધર્યા છે. જેમાં નવસારી મેડિકલ કૉલેજ અને હોસ્પિટલ યશ કલગી ઉમેરશે. જેના થકી દક્ષિણ ગુજરાતના નાગરિકોને સ્થાનિક સ્તરે આરોગ્યલક્ષી સેવાઓ અને સુવિધાઓ ઉપલબ્ધ બનશે. 

નવસારી ખાતે નિર્માણ પામનારી સરકારી મેડિકલ કૉલેજ અને હોસ્પિટલ કેમ્પસ વિશાળકાય જગ્યામાં અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ બનાવવામાં આવશે. અંદાજીત 1.50 લાખ સ્કેવર મીટર વિસ્તારમાં સમગ્ર કેમ્પસ નિર્માણ પામશે. જેમાં 23 હજાર સ્કેવર મીટરમાં મેડિકલ કૉલેજ જ્યારે 65 હજાર સ્કેવર મીટર વિસ્તારમાં હોસ્પિટલ કેમ્પસ કાર્યરત થનાર છે. અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ થનારી મેડિકલ કૉલેજમાં ૪ લેક્ચર થિયેટર હશે. જે ઓડિયો-વીડિયો ડિજીટલ સેવાઓથી સજ્જ હશે. જેમાં રૂઢિગત પ્રણાલી ઉપરાંત ડિજીટલ શિક્ષણ મેળવવામાં સરળતા રહશે. સ્કીલ લેબોરેટરીના પરિણામે સ્ટુડન્ટસની સંશોધન ક્ષેત્રની પ્રવૃતિઓને વેગ મળશે. 

શિક્ષણ સાથે સ્પોર્ટ્સના અભિગમ સાથે મલ્ટીપર્પસ હોલ, વિવિધ સ્પોર્ટસ સુવિધાઓ, અલાયદા ચાઇલ્ડ કેર સેન્ટર, સ્ટુડન્ટસ કાઉન્સીલની પણ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવશે. મેડિકલ કૉલેજ કેમ્પસમાં શિક્ષણ મેળવતા વિદ્યાર્થીઓને રહેવાની સુવિધા ઉપલબ્ધ કરાવવા 330 કેપેસીટીની બોય્સ અને 330 કેપેસીટીની ગર્લ્સ હોસ્ટેલ પણ કેમ્પસમાં જ નિર્માણ પામશે. કેમ્પસમાં નિર્માણ પામનાર નવીન હોસ્પિટલમાં 450 પથારીની સુવિધા ઉપલબ્ધ બનતા હોસ્પિટલની કુલ બેડ ક્ષમતા 511 થશ. જેમાં 4 મોડ્યુલર ઓપરેશન થિયેટર સાથેના કુલ 8 ઓપરેશન થિયેટર કાર્યરત થશે. 22 ઓ.પી.ડી. ક્લીનીક સેવાઓ ઉપલબ્ધ થશે. 

તદ્ઉપરાંત નવીન હોસ્પિટલ સંપૂર્ણપણે સી.સી.ટી.વી. સુવિધાથી સજ્જ, અલાયદુ ઇમરજન્સી કેર સેન્ટર, સાથેની તમામ માળખાગત અને જરૂરી સેવાઓ અને સુવિધાઓ નવીન હોસ્પિટલમાં કાર્યરત થનાર છે. ઉલ્લેખનીય છે કે, વર્ષ 2002 પહેલા ગુજરાતમાં ફક્ત 8 મેડિકલ કૉલેજ હતી. મેડિકલ ક્ષેત્રે કારકિર્દી ઘડતરનું સ્વપ્ન સેવતા વિદ્યાર્થીઓને ગુજરાત અને દેશબહાર શિક્ષણાર્થે જવું પડતુ. નરેન્દ્રની દિર્ધદ્રષ્ટિ અને સક્ષમ નેતૃત્વના પરિણામ સ્વરૂપ આજે ગુજરાતમાં 31 જેટલી સરકારી અને ખાનગી મેડિકલ કૉલેજ કાર્યરત બની છે. આ વર્ષે સમગ્ર રાજ્યમાં નવસારી, રાજપીપળા(નર્મદા), ગોધરા(પંચમહાલ), મોરબી અને પોરબંદર ખાતે નવીન મેડિકલ કૉલેજ ટૂંક સમયમાં નિર્માણ પામનાર છે. જેમાં પ્રત્યેક કૉલેજ દીઠ 100 બેઠકની ફાળવણી કરવામાં આવશે. જે માટે અંદાજીત રૂ. 2250 કરોડનું આયોજન હાથ ધરાયું છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news