વિદેશ મંત્રાલયની વાર્ષિક કોંફરન્સને લઇ PM મોદી સપ્ટેમ્બરમાં ગુજરાત પ્રવાસે
વડાપ્રધાન નરેન્દ્ર મોદી વધુ એક વાર ગુજરાત પ્રવાસે આવશે. આગામી સપ્ટેમ્બર મહિનામાં યોજાનારી વિદેશ મંત્રાલયની વાર્ષિક કોંફરન્સને લઈને પીએમ મોદી ગુજરાત આવશે. પહેલીવાર દિલ્હીની બહાર વિદેશ મંત્રાલયની વાર્ષિક કોંફરન્સ યોજાવા જઈ રહી છે.
Trending Photos
બ્રિજેશ દોશી, અમદાવાદ: વડાપ્રધાન નરેન્દ્ર મોદી વધુ એક વાર ગુજરાત પ્રવાસે આવશે. આગામી સપ્ટેમ્બર મહિનામાં યોજાનારી વિદેશ મંત્રાલયની વાર્ષિક કોંફરન્સને લઈને પીએમ મોદી ગુજરાત આવશે. પહેલીવાર દિલ્હીની બહાર વિદેશ મંત્રાલયની વાર્ષિક કોંફરન્સ યોજાવા જઈ રહી છે. ગુજરાતના કેવડિયા ખાતે આવેલા સ્ટેચ્યુ ઓફ યુનિટીની નિશ્રામાં અને ટેન્ટ સીટી ખાતે આ વાર્ષિક કોંફરન્સનું આયોજન થઈ રહ્યું છે. જેમાં પીએમ મોદી, વિદેશમંત્રી ડો એસ જયશંકર સંબોધન કરશે. જ્યારે તમામ દેશોમાં આવેલા ભારતીય દુતાવાસના ઉચ્ચ અધિકારીઓ હાજર રહેશે.
આ કોંફરન્સમાં ભારતીય વિદેશ મંત્રાલયની કામગીરીને વધુ મજબૂત બનાવવા પર ભાર મુકાશે તો સાથે જ વિદેશમાં વસતા ભારતીયો માટે મોદી સરકારના રોડમેપને લઈને પણ ચર્ચા થશે. પીએમ મોદી તમામ અધિકારીઓને માર્ગદર્શન આપશે. વિદેશ મંત્રાલય સામેના પડકારોને લઈને પણ ચર્ચા થશે. વિદેશમાં ભારતીય કમિશનરો દ્વારા થયેલા કામની પણ સમીક્ષા કરવામાં આવશે.
પીએમ મોદી સપ્ટેમ્બર મહિના યુએસ પ્રવાસે પણ જઈ રહ્યા છે. ત્યારે તેમના આયોજન અનુસાર આ બે દિવસીય કોંફરન્સની તારીખો નક્કી કરાશે. સામાન્ય રીતે એપ્રિલ કે મે મહિનામાં વિદેશ મંત્રાલયની આ વાર્ષિક કોંફરન્સ યોજાતી હોય છે પણ આ વખતે લોકસભા ચૂંટણીના કારણે આ કોંફરન્સ હવે સપ્ટેમ્બર મહિનામાં યોજાઈ રહી છે. નરેન્દ્ર મોદી પ્રધાનમંત્રી બન્યા બાદ અનેક કેન્દ્રીય અને રાષ્ટ્રીય બેઠકોનું યજમાન ગુજરાત બન્યું છે.
આ વખતે વધુ એક વાર ગુજરાતમાં કેન્દ્રીય મંત્રાલયનો કાર્યક્રમ યોજવા જઈ રહયો છે. આ પહેલા ગૃહમંત્રાલયની ડીજી કોંફરન્સ પણ ગુજરાતમાં યોજાઈ ચુકી છે. પીએમ બન્યા બાદ નરેન્દ્ર મોદીએ પહેલા કચ્છના રણને પ્રવાસન ક્ષેત્રે નવી ઓળખ આપી. ત્યારે હવે સ્ટેચ્યુ ઓફ યુનિટીને પણ વૈશ્વિક સ્તરે નવી ઓળખ આપવાની દિશામાં આ પહેલ ગણાઈ રહી છે.
વિદેશમાં આવેલા તમામ ભારતીય દુતાવાસ ના અધિકારીઓ જ્યારે કેવડિયા ખાતે મહેમાન બનશે ત્યારે આંતરરાષ્ટ્રીય સ્તરે સ્ટેચ્યુ ઓફ યુનિટી નો પ્રચાર પ્રસાર પણ થશે. આ પહેલા સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે તમામ પોલીસ વડાઓની ડીજી કોંફરન્સ પીએમ મોદીની હાજરીમાં યોજાઈ ચુકી છે. આમ વધુ એકવાર કેન્દ્રીય મંત્રાલયનો કોઈ કાર્યક્રમ ગુજરાત અને એ પણ કેવડીયામાં યોજવા જઇ રહ્યો છે.
પીએમ મોદીના આ પ્રવાસ દરમિયાન ગુજરાત સરકાર પણ પોતાનો કોઈ કાર્યક્રમ ગોઠવે તેવી શક્યતાઓ છે પણ હજુ સુધી તેની કોઈ સત્તાવાર જાહેરાત થઈ નથી. વિદેશ મંત્રાલય દ્વારા કાર્યક્રમની સત્તાવાર જાહેરાત બાદ ગુજરાત સરકાર પણ કોઈ નિર્ણય લઈ શકે છે. વિદેશ મંત્રાલયના આ કાર્યક્રમ દરમિયાન પ્રવાસીઓ માટે સ્ટેચ્યુ ઓફ યુનિટી બંધ રહેશે.
જુઓ Live TV:-
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે