વ્હાલાદવલાના રાજકારણમાં ભાજપે PM Modi ની ભત્રીજીને ન આપી ટિકિટ
Trending Photos
ઝી મીડિયા/બ્યૂરો :હાલ સમગ્ર ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી (Local Body Polls) નો ધમધમાટ ચાલી રહ્યો છે. ભાજપે 6 મહાનગરપાલિકામાં ઉમેદવારોના નામની જાહેરાત કરી દીધી હતી. પીએમ મોદી (narendra modi) ના ભાઈ પ્રહલાદ મોદી (prahlad modi) ના પુત્રી સોનલ મોદીએ કોર્પોરેશનની ટિકિટ માંગી હતી. પરંતુ તેમને ટિકિટ આપવામાં આવી નથી. સોનલ મોદીએ બોડકદેવ વોર્ડમાંથી ટિકિટ માંગી હતી. ઉલ્લેખનીય છે કે, પીએમ મોદીના ભાઈ અને સોનલ મોદી (sonal modi) ના પિતા પ્રહલાદ મોદી રેશનિંગ દુકાનોના સંચાલક મંડળના પ્રમુખ છે.
પ્રદેશ ભાજપ અધ્યક્ષ સીઆર પાટીલે (cr patil) જાહેરાત કરી હતી કે, પાર્ટી નેતાના એકેય સંબંધીને સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ટિકિટ નહિ મળે. આ ચૂંટણીઓમાં પક્ષ 60 વર્ષથી મોટી વયના સાંસદો-ધારાસભ્યો, ત્રણ ટર્મથી જીતતા ઉમેદવારો તેમજ નેતાઓનાં સગાંને ટિકિટ નહીં આપે. પરંતુ તેમ છતા આ નિયમોથી ઉપરવટ જઈને અનેક નેતાઓના સંબંધીને ટિકિટ આપવામાં આવી છે. ભાજપે (BJP) અનેક બેઠકો પર આ નિયમને નેવે મૂકીને ટિકિટ ફાળવી છે. તો કેટલાક વિસ્તારોમાં 60 વર્ષની વય વટાવી ચૂકેલા નેતાઓને પણ ટિકિટ ફાળવાઈ છે. અનેક નેતાઓના સગાવ્હાલાઓને પણ સાચવી લેવાયા છે.
આ પણ વાંચો : આજે વિજય મુહૂર્તમાં ભાજપના 575 ઉમેદવારો ફોર્મ ભરશે
પૂર્વ મેયર અમિત શાહના પુત્ર અને ખાડિયાના પૂર્વ ધારાસભ્યના પુત્રને ટિકિટ આપવામાં આવી નથી. બંનેએ ટિકિટ માંગી હતી. જ્યારે વડાપ્રધાન મોદીની ભત્રીજી સોનલ મોદીએ પણ ટિકિટ માંગી હતી. છતાં ટિકિટ આપવામાં આવી નથી. તો બીજી તરફ ગત ટર્મના કોર્પોરેટર અતુલ પટેલના પુત્રને તેમજ પૂર્વ મેયર કાનાજી ઠાકોરના ભત્રીજાને ટિકિટ અપાઈ છે. તેમજ અમિત શાહના ખાસ મનાતા હિતેશ બારોટને થલતેજમાંથી ટિકિટ મળી છે. આમ અનેક બેઠકો પર પાર્ટીનો પક્ષપાત દેખાઈ રહ્યો છે.
સોનલ મોદીએ બોડકદેવમાં બક્ષીપંચ મહિલા અનામત બેઠક માટે દાવેદારી કરી હતી. સોનલ મોદીએ અમદાવાદ શહેરમાં મહાનગરપાલિકાનું ઈલેક્શન લડવા માટે ગુજરાતમાં સત્તારુઢ ભાજપ (BJP) માંથી ટિકિટ માંગી હતી. સોનલ મોદીએ આ વિશે કહ્યું હતું કે, ભાજપા કાર્યકર્તા હોવાના નેતા તેમણે આ ટિકિટ માંગી છે. પ્રધાનમંત્રી (Prime Minister) ના સંબંધી હોવાના નાતે તેમણે ટિકિટ નથી માંગી. સોનલ મોદીએ દાવો કર્યો હતો છે કે, તેઓ નામાંકનના તમામ માપદંડોને પૂરા કરે છે. તેમ છતાં તેઓને ટિકિટ અપાઈ નથી.
સોનલ મોદી ગૃહિણી છે. તેઓ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (PM Modi) ના ભાઈના પુત્રી છે. પ્રહલાદ મોદીએ તેમની પુત્રી સોનલ મોદીએ માગેલી ટિકિટ અંગે જણાવ્યું હતુ કે, દીકરી લોહશાહીમાં જીવે છે અને ટિકિટ માગવા માટે સ્વતંત્ર છે. એના મનમાં કેવી ભાવના હશે કે વડાપ્રધાન તેના મોટા બાપા છે એટલે લાભ મળી શકે. મારા મતે મારી દીકરીને કેટલું મહત્ત્વ અપાય છે તેને આધારે પાર્લામેન્ટરી બોર્ડ નરેન્દ્રભાઈની કેટલી ઈજ્જત કરે છે તેનો ખ્યાલ આવી જશે.
ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી (Local Body Polls) જાહેર થઈ ચૂકી છે. ત્યારે 6 મહાનગર પાલિકાઓના ઉમેદવારોના નામની યાદી જાહેર કરવામાં આવી છે. ભાજપે (BJP) પોતાની યાદી જાહેર કરી દીધી છે. તો બીજી તરફ, કોંગ્રેસ (congress) ના ઉમેદવારો પોતાની યાદી જાહેર કરી રહ્યા છે. ભાજપે અમદાવાદ, સુરત, વડોદરા, ભાવનગર, જામનગર, રાજકોટના ઉમેદવારોના નામની યાદી જાહેર કરી છે. અમદાવાદ મહાનગરપાલિકાના 48 વોર્ડના કુલ 192 ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવી છે. 6 મહાનગરપાલિકાની ચૂંટણી માટે ભાજપના તમામ ઉમેદવારો આજે વિજય મુહૂર્તમાં ફોર્મ ભરશે. ફોર્મ ભરવાનો આવતી કાલે અંતિમ દિવસ છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે