PM મોદી 'સ્ટેચ્યુ ઓફ યુનિટી'નું ઉદ્ઘાટન કરવા માટે સી પ્લેનમાં આવે તેવી સંભાવના
અગાઉ ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં વડા પ્રધાન મોદીએ અમદાવાદના રિવરફ્રન્ટ ખાતેથી સી પ્લેનમાં બેસીને ધરોઈ ડેમમાં ઉતરાણ કર્યું હતું, મંગળવારે CM રૂપાણી સહિત ઉચ્ચ અધિકારીઓએ સંભવિત સ્થળનું નિરિક્ષણ કર્યું
Trending Photos
જયેશ દોશી/નર્મદાઃ વડાપ્રધાન મોદીના ડ્રીમ પ્રોજેકટ એવા 'સ્ટેચ્યુ ઓફ યુનિટી'ના લોકાર્પણ કાર્યક્રમને આડે હવે ગણતરીના દિવસો જ બાકી છે. લોકાર્પણ કાર્યક્રમના આયોજનમાં ફેરફાર કરાયા બાદ હવે પીએમ મોદી સી પ્લેન દ્વારા 'સ્ટેચ્યુ ઓફ યુનિટી'નું લોકાર્પણ કરવા આવે તેવી સંભાવનાઓ જોવામાં આવી રહી છે. સરદાર સરોવરમાં સીપ્લેન મારફતે PMના ઉતરાણ કરવાની શક્યતા ચકાસવા માટે મંગળવારે ઉચ્ચ અધિકારીઓ દ્વારા સરદાર સરોવર ખાતે નિરીક્ષણ કરવામાં આવ્યુ હતું.
રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી, અગ્રસચિવ કે.કૈલાશનાથન, મહેસુલ અગ્રસચિવ પંકજ કુમાર અને IGP અભય ચુડાસમા સહિતના અધિકારીઓએ સરદાર સરોવર ડેમ અને સરદાર સરોવરના તળાવ નં-3ની મુલાકાત લીધી હતી અને સી પ્લેન ઉતારવા અંગેની સમગ્ર પરિસ્થિતિનું નિરીક્ષણ કર્યું હતું.
સ્ટેચ્યુ ઓફ યુનિટીના લોકાર્પણ કાર્યક્રમમાં વડા પ્રધાન મોદીના સી પ્લેનને સરદાર સરોવરમાં અથવા તો સરદાર સરોવરના તળાવ નંબર-3માં ઉતારવાની સંભાવના ચકાસવામાં આવી હતી અને સાથે સુરક્ષા વ્યવસ્થા અંગે તંત્ર સાથે ચર્ચા વિચારણા કરાઈ હતી. જો પીએમ મોદીને સી પ્લેન દ્વારા લાવવાનું નક્કી કરવામાં આવશે તો યુદ્ધના ધોરણે સરદાર સરોવરમાં પ્લેટફોર્મ તૈયાર કરવાની કામગીરી હાથ ધરાશે.
અત્યારે સરદાર પટેલની વિશ્વની સૌથી ઊંચી 182 મીટરની પ્રતિમાની કામગીરી અંતિમ તબક્કામાં પહોંચી છે. તેની સાથે જ પ્રતિમા સ્થળ, મેમોરીયલ એન્ડ વીઝીટર્સ સેન્ટર, હેલિપેડ સહિતના સ્થળોનું કામ પણ યુદ્ધના ધોરણે ચાલી રહ્યું છે.
ગુજરાતના મહેસૂલ વિભાગના અધિક મુખ્ય સચિવ પંકજકુમાર તથા મુખ્યમંત્રીના અધિક અગ્ર સચિવ કે. કૈલાસનાથન અને વડોદરા રેન્જ આઇ.જી. અભય ચુડાસમાએ સ્ટેચ્યુ ઓફ યુનિટી પ્રતિમા સ્થળ, મેમોરીયલ એન્ડ વીઝીટર્સ સેન્ટર, હેલીપેડ, ડેમ સાઇટ ખાતેની “એ” ફ્રેમ તેમજ ટેન્ટ સીટી વગેરેની મુલાકાત પણ લીધી હતી. તેમણે અંતિમ તબક્કામાં પહોંચેલી કામગીરીનું નિરીક્ષણ કરી નર્મદા નિગમ અને જિલ્લા પ્રશાસનના વરિષ્ઠ અધિકારીઓને જરૂરી સૂચનાઓ આપી હતી.
ઉલ્લેખનીય છે કે, વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં સી પ્લેનનો ઉપયોગ કર્યો હતો. તેઓ અમદાવાદના રિવરફ્રન્ટ ખાતેથી સી પ્લેનમાં બેસીને સાબરમતી નદી પર જ બનેલા ધરોઈ ડેમમાં ઉતર્યા હતા. ત્યાંથી તેઓ સડકમાર્ગે અંબાજી મંદિર ગયા હતા અને ત્યાં માતાજીની પૂજા-અર્ચના કરી હતી.
હવે, વડા પ્રધાન ફરી એક વખત તેમના ડ્રેમ પ્રોજેક્ટના લોકાર્પણમાં સી પ્લેનનો ઉપયોગ કરે તેવી સંભાવનાઓ જોવા મળી રહી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે