અમદાવાદના ચાંદખેડામાં દોઢ કરોડની લૂંટનો ભેદ ઉકેલાયો, એક કરોડ મળ્યા, પણ 50 લાખમાં કોકડું ગૂંચવાયું!

ચાંદખેડા ધનતેરસના દિવસે અંજલી જ્વેલર્સમાં થયેલી રૂપિયા 1.53 કરોડની નોકર લૂંટનો ભેદ ક્રાઇમ બ્રાન્ચે ઉકેલી કાઢ્યો છે. જેમાં ત્રણ આરોપીની ધરપકડ કરીને રૂપિયા 1.8 કરોડ નો મુદ્દામાલ કરવામાં આવ્યો છે.

અમદાવાદના ચાંદખેડામાં દોઢ કરોડની લૂંટનો ભેદ ઉકેલાયો, એક કરોડ મળ્યા, પણ 50 લાખમાં કોકડું ગૂંચવાયું!

ઉદય રંજન/અમદાવાદ: ચાંદખેડામાં ધનતેરસના દિવસે જ્વેલર્સના માલિકને બંધક બનાવીને 1.53 કરોડની નોકર લૂંટ કેસમાં ક્રાઇમ બ્રાન્ચે 3 આરોપીની ધરપકડ કરાઈ છે. આરોપી ઘરેણા વેચવા અમદાવાદ આવ્યા અને ક્રાઇમ બ્રાન્ચે ઝડપી લીધા હતા. ક્રાઇમ બ્રાન્ચે 1.08 કરોડનો મુદ્દામાલ જપ્ત કર્યો. પરંતુ હજુ 50 લાખનો મુદામાલ નહિ મળી આવતા શોધખોળ શરૂ કરાઇ છે.

ચાંદખેડા ધનતેરસના દિવસે અંજલી જ્વેલર્સમાં થયેલી રૂપિયા 1.53 કરોડની નોકર લૂંટનો ભેદ ક્રાઇમ બ્રાન્ચે ઉકેલી કાઢ્યો છે. જેમાં ત્રણ આરોપીની ધરપકડ કરીને રૂપિયા 1.8 કરોડ નો મુદ્દામાલ કરવામાં આવ્યો છે. પોલીસ કસ્ટડીમાં આરોપીમાં સુરેન્દ્રસિંહ ઉર્ફે સુનિલ ઝાલા, ચિરાગ નાયક અને જેન્તીજી ઉર્ફેદ જેડી ઝાલેરા એ ધનતેરસના દિવસે જ કરોડો રૂપિયાની લૂંટ કરીને ફરાર થઈ ગયા હતા.

આરોપીઓએ અંજલી જ્વેલર્સના માલિક સ્ટ્રોંગ રૂમમાં બંધક બનાવી લૂંટને અંજામ આપ્યું હતું. બનાસકાંઠાના રહેવાસી એવા આ લૂંટારા બે મહિના બાદ લૂંટ કરેલી દાગીના વેચવા માટે અમદાવાદ આવી રહ્યા હતા. ત્યારે ક્રાઈમ બ્રાન્ચને બાતમી મળતા સુરેન્દ્ર અને ચિરાગની ધરપકડ કરી હતી. આરોપીઓના દસ દિવસના રિમાન્ડ દરમિયાન મુખ્ય સૂત્રધાર જયંતિ હોવાનું ખૂલ્યું છે. ત્રીજા આરોપીની પણ ધરપકડ કરીને લૂંટના મુદ્દામાલ જપ્ત કર્યો હતો.

પકડાયેલા આરોપીમાં જયંતિ ઉર્ફે જેડી અને સુરેન્દ્રસિંહ ઝાલાનો ગુનાહિત ઇતિહાસ છે. જેન્તી બનાસકાંઠાના થરા વિસ્તારમાં જૈનમ શાહ નામના બાળકના અપહરણ અને હત્યા કેસમાં સાત વર્ષ સુધી પાલનપુર જેલમાં સજા ભોગવી હતી. જ્યારે સુરેન્દ્રસિંહ પણ થરા વિસ્તારમાં હર્ષદ પટેલ નામના વ્યક્તિના હત્યા કેસમાં બે વર્ષ સુધી પાલનપુર જેલમાં સજા ભોગવી હતી. આ જેલમાં જયંતિ અને સુરેન્દ્રસિંહ વચ્ચે મિત્રતા થઈ હતી. 

જેલમાંથી છૂટ્યા બાદ સુરેન્દ્ર અમદાવાદ આવી ગયો હતો અને જ્વેલર્સમાં કામ કરતો હતો. પૈસાની જરૂરિયાત પૂરી કરવા જયંતિ, સુરેન્દ્ર અને ચિરાગએ લૂંટ કરવા માટેનું ષડયંત્ર રચ્યું અને ધનતેરસના દિવસે જ્વેલર્સના માલિક ને બંધક બનાવીને લૂંટ કરીને ફરાર થઈ ગયા હતા. ક્રાઈમ બ્રાન્ચે આરોપીની ધરપકડ કરીને થરાના ભદ્રેવાડી ગામમાં પાસેથી લૂંટનો મુદ્દામાલ કબજે કર્યો છે.

ચાંદખેડામાં જ્વેલર્સમાં લૂંટ કેસમાં ક્રાઈમ બ્રાન્ચ આરોપી સુરેન્દ્રનગર અને ચિરાગના દસ દિવસના રિમાન્ડ પૂર્ણ થતાં કોર્ટમાં રજૂ કર્યા હતા. કોર્ટે આ બંને આરોપીઓને સેન્ટ્રલ જેલ મોકલ્યા છે, જ્યારે મુખ્ય આરોપી જયંતિ ઉર્ફે જેડીના દસ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. આ લૂંટ કેસમાં હજુ 50 લાખનો મુદ્દામાલ નહીં મળી આવતા ક્રાઈમ બ્રાન્ચે મુદ્દામાલ ની શોધખોળ શરૂ કરી છે.

મહત્વનું છે કે આરોપીઓએ લૂંટના પૈસાથી આઈ ફોન પણ ખરીદ્યો હતો. જેને પણ પોલીસે જપ્ત કર્યો છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news