હવે, SPG ના અધ્યક્ષ લાલજી પટેલે સરકારને આપ્યું 72 કલાકનું અલ્ટીમેટમ

SPGના ગ્રુપમાં લાલજી પટેલે વિડિઓ પોસ્ટ કરીને કહ્યું કે, જો સરકાર 8 મુદ્દાનું નિરાકરણ નહીં લાવે તો સરકાર વિરુદ્ધ આશ્ચર્યજનક કાર્યક્રમ અપાશે

 હવે, SPG ના અધ્યક્ષ લાલજી પટેલે સરકારને આપ્યું 72 કલાકનું અલ્ટીમેટમ

મહેસાણાઃ એક તરફ હાર્દિક પટેલનું ઉપવાસ આંદોલન ચાલી રહ્યું છે અને હાર્દિક ત્રણ મુદ્દાઓ પર અડગ છે ત્યારે હવે સરદાર પટેલ ગ્રુપ (એસપીજી)ના લાલજી પટેલ પણ મેદાનમાં આવ્યા છે. તેમણે એસપીજીના ગ્રુપમાં એક વીડિયો પોસ્ટ કરીને સરકારને 72 કલાકનું અલ્ટીમેટમ આપ્યું છે. 

SPG અધ્યક્ષ લાલજી પટેલે વીડિયોમાં સરકારને પાટીદાર સમાજના 8 મુદ્દાનું વહેલામાં વહેલી તકે નિરાકરણ માટેની ચીમકી આપી છે. તેમણે જણાવ્યું કે, જો આ 8 મુદ્દાનું નિરાકરણ નહીં આવે તો એસપીજી દ્વારા સમગ્ર રાજ્યમાં ઉગ્ર આંદોલન ચલાવવામાં આવશે અને આ આંદોલનને કોઈ પણ રોકી શકશે નહીં. 

લાલજી પટેલે રજુ કરેલા 8 મુદ્દા

1.પાટીદાર સમાજને બંધારણીય અનામત આપવામાં આવે.
2.પાટીદાર સમાજના આંદોલનમાં શહીદ થયેલા 14 યુવાનોના પરિવારના એક સભ્યને કાયમી સરકારી નોકરી તથા શહીદ યુવાનોના પરિવારના સભ્યોને વિશેષ નાણાકીય સહાય આપવામાં આવે.
3. જી.એમ.ડી.સી. ગ્રાઉન્ડ તથા રાજ્યના અન્ય સ્થળોએ પોલીસના દમનકારી વલણ સામે પગલા ભરવામાં આવે.
4. ગુજરાતના ખેડૂતોનું તમામ દેવું માફ કરવામાં આવે.
5. ઉપવાસ ઉપર બેઠેલા હાર્દિક તથા અન્ય પાટીદાર યુવાનોને લેખીત ખાત્રી આપી પારણાં કરાવવામાં આવે.
6.પાટીદાર સમાજ તથા પાટીદાર સમાજના યુવાનોની તમામ માંગણીઓ લેખીતમાં સ્વીકારવામાં આવે.
7. પાટીદાર અનામતનો મુદ્દો ગુજરાત સરકાર કેન્દ્ર સરકારને લેખીતમાં રજુઆત કરે.
8.અલ્પેશ કથીરીયા તથા અન્ય પાટીદાર યુવાનોના વિરુદ્ધ કરેલા કેસો પાછા ખેંચી જેલ મુક્ત કરવામાં આવે. અગાઉ સરકારે આપેલ વચન પ્રમાણે પાટીદારોના તમામ કેસો પાછા ખેંચ્યા નથી તે પાછાં ખેંચવામાં આવે.

લાલજી પટેલે પાટીદાર સમાજના ઉપરોક્ત 8 મુદ્દાઓના નિરાકરણ માટે સરકારને 72 કલાકનો સમય આપ્યો છે. તેમણે જણાવ્યું કે,  જો તેમના 8 મુદ્દાનું સરકાર 72 કલાકમાં સમાધાન નહીં કરાય તો રાજ્યભરમાં એસપીજી ઉગ્ર આંદોલન ચલાવશે અને તેને કોઈ રોકી શકશે નહીં. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news