સાપે છછુંદર ગળ્યા જેવી સ્થિતિ : કરોડોના ખર્ચે બનાવેલી SVP હોસ્પિટલમાં આંગળીના વેઢે ગણાય તેટલા દર્દી આવે છે

SVP Hospital Ahmedabad : એસવીપીને તૈયાર કરવા માટે રૂા. 700 કરોડ કરતા પણ વધુ ખર્ચ થયો છે તથા એસવીપી હોસ્પિટલમાં પેશન્ટોની સંખ્યા ઓછી રહેવાના કારણે તેમાં ખૂબ જ મોટાપાયે નુકસાન થઈ રહયું છે
 

સાપે છછુંદર ગળ્યા જેવી સ્થિતિ : કરોડોના ખર્ચે બનાવેલી SVP હોસ્પિટલમાં આંગળીના વેઢે ગણાય તેટલા દર્દી આવે છે

Ahmedabad News : રાજ્ય સરકારની ગ્રાંટમાંથી તૈયાર કરવામાં આવેલી સરદાર વલ્લભભાઇ પટેલ એટલે કે એસવીપી હોસ્પિટલના કારણે અમદાવાદ મ્યુનિસિપલ શાસકોની સ્થિતિ સાપે છછુંદર ગળ્યા જેવી થઈ ગઈ છે. એસવીપી હોસ્પિટલને ચલાવવા માટે ગરીબ અને મધ્યમવર્ગના નાગરિકો માટે આર્શિવાદરૂપ શેઠ વાડીલાલ સારાભાઈ હોસ્પિટલને લગભગ નામશેષ કરવામાં આવી છે. તેમ છતાં એસવીપી હોસ્પિટલ ચાલતી નથી તે બાબત વખતોવખત સાબિત થઈ ચૂકી છે. ચોંકાવનારી અને શરમજનક બાબત એ છે કે મ્યુનિસિપલ કોર્પોરશન સંચાલિત અન્ય હોસ્પિટલો કરતા એસવીપી હોસ્પિટલમાં ઓપીડી અને ઈન્ડોર દર્દીની સંખ્યા માત્ર ર૦થી રપ ટકા જેટલી જ રહે છે જેની સામે તેના ખર્ચા સફેદ હાથી જેવા છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે 2019 મા ખુલ્લી મુકવામાં આવેલ એસવીપી હોસ્પિટલમાં પેશન્ટોની સંખ્યા તદ્દન ઓછી રહે છે. જેના કારણે મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓને પણ પુરો અભ્યાસ મળતો નથી. મળતી માહિતી મુજબ 1 એપ્રિલ 2022 થી ડિસેમ્બર 2022 સુધી એસવીપી હોસ્પિટલમાં ઈન્ડોર પેશન્ટ્‌સની સંખ્યા માત્ર 11564 રહી છે. જેને માસિક ધોરણે ગણવામાં આવે તો દર મહિને એસવીપી હોસ્પિટલમાં 1284 અને દૈનિક ધોરણે ગણવામાં આવે તો સરેરાશ 45 દર્દીઓ જ હોસ્પિટલમાં દાખલ થયા હતા. જ્યારે તેની ક્ષમતા 1200 બેડની છે. 

આ પણ વાંચો : 

મ્યુનિ. કોર્પો.ના માથે દર વર્ષે વધુ રૂા. 204 કરોડનો બોજ
એસવીપીને તૈયાર કરવા માટે રૂા. 700 કરોડ કરતા પણ વધુ ખર્ચ થયો છે તથા એસવીપી હોસ્પિટલમાં પેશન્ટોની સંખ્યા ઓછી રહેવાના કારણે તેમાં ખૂબ જ મોટાપાયે નુકસાન થઈ રહયું છે. મ્યુનિ. કોર્પોરેશન દ્વારા એસવીપી હોસ્પિટલને ચલાવવા માટે દર મહિને રૂા.17 કરોડ અલગથી ગ્રાન્ટ આપવામાં આવે છે. આમ મ્યુનિ. કોર્પો.ના માથે દર વર્ષે વધુ રૂા. 204 કરોડનો બોજ આવે છે. તેમ છતાં એસવીપી કે મેટ માં મ્યુનિ. શાસકોની સત્તા શૂન્ય બરાબર છે. એસવીપી કરતા લગભગ 20 ટકા ખર્ચમાં ચાલતી શારદાબેન, વીએસ કે એલ.જી. હોસ્પિટલમાં પેશન્ટોની સારવાર વધુ વ્યવસ્થિત થાય છે, તેમજ સંખ્યા પણ વધારે રહે છે. એપ્રિલ 2022 થી ડિસેમ્બર 2022 સુધી વીએસ હોસ્પિટલમાં 217045 દર્દીઓની ઓપીડી હતી. જ્યારે ઈન્ડોર પેશન્ટની સંખ્યા 7624 હતી. 

અત્રે નોંધનીય છે કે મ્યુનિ. શાસકોએ વીએસ હોસ્પિટલની ક્ષમતા 1120 બેડથી ઘટાડી માત્ર 120 બેડ કરી હતી. જોકે ચેરિટી કમિશ્નરના હુકમ બાદ વીએસ હોસ્પિટલમાં 500 બેડની ક્ષમતા કરવામાં આવી છે. આમ એસવીપી કરતા 50 ટકા ક્ષમતા હોવા છતાં પણ વીએસ હોસ્પિટલમાં દર્દીઓનો ભારે ધસારો રહે છે. તેવી જ રીતે એલ.જી. હોસ્પિટલમાં ઉપરોક્ત સમયગાળા દરમિયાન 771911 દર્દીઓને ઓપીડી સારવાર આપવામાં આવી હતી. જ્યારે 76524 દર્દીઓને ઈન્ડોર સારવાર આપી છે. આમ એલ.જી. હોસ્પિટલમાં માસિક સરેરાશ 80505 દર્દીઓને ઈન્ડોર ટ્રીટમેન્ટ મળી રહી છે. જ્યારે શારદાબહેન હોસ્પિટલમાં 442565 દર્દીઓને ઓપીડી અને 95734 દર્દીઓને ઈન્ડોર સારવાર આપવામાં આવી છે. 

આ પણ વાંચો : 

નોંધનીય બાબત એ છે કે આ સમયગાળા દરમિયાન શારદાબેન હોસ્પિટલમાં 11 લાખ અને એલ.જી. હોસ્પિટલમાં 35 લાખ લેબોરેટરી પરીક્ષણ કરવામાં આવ્યા હતા. જેની સામે એસવીપીમાં માત્ર 4.70 લાખ દર્દીઓના લેબોરેટરી પરીક્ષણ થયા હતાં. એસવીપી હોસ્પિટલને ચલાવવા માટે મનપા તરફથી દર વર્ષે 204 કરોડ રૂપિયા ગ્રાન્ટ પેટે આપવામાં આવે છે. જેની સામે શારદાબહેન હોસ્પિટલમાં 2022-23 માં માત્ર રૂ.59.74 કરોડનો રેવન્યુ ખર્ચ થવાનો અંદાજ છે. જ્યારે 2023-24 રૂા.67.40 કરોડની ફાળવણી કરવામાં આવી છે. 

તેવી જ રીતે એલ.જી. હોસ્પિટલમાં પણ વર્તમાન નાણાંકીય વર્ષમાં રૂ.94.38 કરોડનો ખર્ચ થવાનો અંદાજ છે. જ્યારે 2023-24 રૂા.104.36 કરોડની ફાળવણી કરી છે. નવા બિલ્ડિંગ માટે એલ.જી. હોસ્પિટલને રૂા.16 કરોડ જયારે શારદાબહેન હોસ્પિટલને રૂા.15 કરોડ આપવામાં આવશે, જે અલગ બાબત છે. તેવી જ રીતે શાસકો દ્વારા નામશેષ કરવામાં આવેલી વી.એસ. હોસ્પિટલને 2022-23 માં રૂા.130 કરોડનો ખર્ચ થાય તેવો અંદાજ મુકવામાં આવ્યો છે. વી.એસ. હોસ્પિટલમાં રેવન્યુ ખર્ચ વધારે થવા માટેનું મુખ્ય કારણ મેડીકલ કોલેજની જે આવક હતી, તે આવક હવે મેટ (મેડીકલ એજ્યુકેશન ટ્રસ્ટ) માં જમા થઈ રહી છે. તદ્‌ઉપરાંત બેડની સંખ્યા 50 ટકા થવાના કારણે પણ વી.એસ.હોસ્પિટલની આવકમાં ઘટાડો થયો છે.

આ પણ વાંચો : 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news