સરકારી બાબુઓને છેલ્લાં 4 વર્ષથી આંખોમાં મોતિયો આવી ગયો હતો? શું બાળકોના રમકડાં તપાસવાનો લો છો પગાર

Rajkot Game zone Fire: રાજકોટ આગકાંડમાં રાજ્ય સરકારે પોલીસ વિભાગ અને મહાનગર પાલિકાના વહીવટી વિભાગ પર દંડો ઉગામ્યો પરંતુ હજુ સુધી એક પણ વિભાગના ઉચ્ચ અધિકારીઓ પર ઉની આંચ પણ આવી નથી. જી હા, રાજકોટ મહાનગર પાલિકાના ફાયર વિભાગના ઉચ્ચ અધિકારી સામે કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવી નથી.

સરકારી બાબુઓને છેલ્લાં 4 વર્ષથી આંખોમાં મોતિયો આવી ગયો હતો? શું બાળકોના રમકડાં તપાસવાનો લો છો પગાર

Game zone Fire: રાજકોટના અગ્નિકાંડ પછી કેટલાક અધિકારીઓને સસ્પેન્ડ અને કેટલાકની બદલી કરીને સરકારે જાણે સંતોષ માની લીધો છે. સરકારે એવી કોઈ નક્કર કાર્યવાહી નથી કે જેનાથી જે ભભૂકેલો આક્રોશ શાંત થાય. ફાયર, પોલીસ કે RMCના મોટા મગરમચ્છો સામે સસ્પેન્ડ કરવાની કોઈ જ કાર્યવાહી નથી કરવામાં આવી ત્યારે જુઓ સરકારની કાર્યવાહી પર સવાલ ઉઠાવતો અમારો આ ખાસ અહેવાલ.

રાજકોટ આગકાંડમાં રાજ્ય સરકારે પોલીસ વિભાગ અને મહાનગર પાલિકાના વહીવટી વિભાગ પર દંડો ઉગામ્યો પરંતુ હજુ સુધી એક પણ વિભાગના ઉચ્ચ અધિકારીઓ પર ઉની આંચ પણ આવી નથી. જી હા, રાજકોટ મહાનગર પાલિકાના ફાયર વિભાગના ઉચ્ચ અધિકારી સામે કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવી નથી. રાજ્ય સરકારે જાણે કે રીતસર ફાયર વિભાગને ક્લીન ચિટ આપી દીધી છે. પોલીસ વિભાગ ફાયર વિભાગને ખો આપી રહ્યું છે અને ફાયર વિભાગ પોલીસને ખો આપી રહ્યો છે. 

પરંતુ હકીકત એ છે કે આગ લાગે ત્યારે પહેલી જવાબદારી જે રીતે ફાયર વિભાગની હોય છે એ જ જવાબદારી પ્રમાણે વાર-તહેવારે અને નિયમિત રીતે લોકોની સલામતી માટેની જરૂરી ચકાસણી કરવાની જવાબદારી પણ ફાયર વિભાગની બને છે. પરંતુ ફાયર વિભાગને TRP ગેમ ઝોન કેમ નજરમાં આવ્યો ન હતો?. શું ફાયર વિભાગના ઉચ્ચ અધિકારીઓને છેલ્લાં 4 વર્ષથી આંખોમાં મોતિયો આવી ગયો હતો?,  શું ફાયર વિભાગે હપ્તા લઈને TRP ગેમિંગ ઝોનને ચાલુ રાખવાની મંજૂરી આપી હતી?, ફાયર NOC વગર ચાલતો ત્રણ માળનો આ ગેમિંગઝોન કેમ ફાયરના એક પણ અધિકારીને નજરે ન પડ્યો?

ફાયર વિભાગ સામે સવાલ 

  • ફાયર વિભાગને TRP ગેમ ઝોન કેમ નજરમાં આવ્યો ન હતો?
  • શું ફાયરના અધિકારીઓને 4 વર્ષથી આંખોમાં મોતિયો આવ્યો હતો?
  • શું ફાયર વિભાગે હપ્તા લઈને TRP ગેમિંગ ઝોનને મંજૂરી આપી હતી?
  • ફાયર NOC વગર ચાલતો ગેમિંગ ઝોન કેમ અધિકારીને નજરે ન પડ્યો?

ફાયર વિભાગ પાસે સ્વયં સંજ્ઞાન લઈને તપાસ કરવાની સત્તા છે. એટલું જ નહીં લોકોની સલામતી માટેની જરૂરી સુવિધાઓ ન હોય તો ફાયર વિભાગ જે તે સ્થળને સીલ કરી શકે છે પરંતુ છેલ્લાં 4 વર્ષમાં રાજકોટ મહાનગર પાલિકાના ફાયર વિભાગે માત્ર મફતનો પગાર લીધો છે, અને જનતાના પૈસે રોટલા તોડ્યા છે. ત્યારે ઝી 24 કલાક સવાલ પૂછે છે કે શા માટે 4 વર્ષમાં એક પણ વાર ફાયર વિભાગનો કોઈ અધિકારી કે કર્મચારી TRP ગેમ ઝોનમાં તપાસ માટે ગયો ન હતો?

એસી ચેમ્બરમાં બેસીને લોકોની સલામતીની મોટી મોટી વાતો કરતા ફાયર અધિકારી જવાબ આપે કે 28 લોકો જીવતા સળગી ગયા તેમના જીવનની સુરક્ષા માટે તમે છેલ્લાં 4 વર્ષમાં કયાં પગલાં લીધાં હતાં? જવાબ આપે ભ્રષ્ટ સરકારી તંત્ર કે શા માટે ફાયર વિભાગને રીતસર બચાવવામાં આવી રહ્યો છે? ફાયર વિભાગના ઉચ્ચ અધિકારીઓ જવાબ આપે કે કેમ 28 લોકોનો ભોગ લેવાયા પછી તેઓ પોતાની જવાબદારી સ્વીકારવાના બદલે પોલીસ વિભાગને ખો આપી રહ્યા છે? 

ZEE 24 કલાકના સવાલ 

  • કેમ 4 વર્ષમાં ફાયરનો અધિકારી TRP ગેમ ઝોનમાં તપાસ માટે ગયો ન હતો?
  • તમે છેલ્લાં 4 વર્ષમાં કયાં પગલાં લીધાં હતાં?
  • શા માટે ફાયર વિભાગને રીતસર બચાવવામાં આવી રહ્યો છે?
  • કેમ ફાયર વિભાગ જવાબદારી સ્વીકારવાના બદલે પોલીસને ખો આપી રહ્યા છે? 

28 લોકોને જીવતા અંતિમસંસ્કાર કરી દેનારા ઉચ્ચ અધિકારીઓને ઝી 24 કલાક પૂછી રહ્યું છે કે, જે જનતાના ટેક્સમાંથી પગાર લીધો તે જનતાને કેમ મરવા દીધી? શું ફાયર વિભાગને બાળકોનાં રમકડાંની તપાસ માટે રાખ્યો છે? 48 મહિના પગાર લીધો પણ કામ ન કર્યું તો સજા કેમ નહીં? રાજકોટ ફાયર વિભાગના ભ્રષ્ટ બાબુઓને કોણ બચાવી રહ્યું છે?, 28 લોકોને જીવતા સળગાવવામાં ફાયર વિભાગ મોટો અપરાધી નથી? શું નિર્દોષ લોકોને મારવાની ફાયર વિભાગે લીધી હતી સોપારી?

ZEE 24 કલાકના સવાલ 

  • જે જનતાના ટેક્સમાંથી પગાર લીધો તે જનતાને કેમ મરવા દીધી?
  • શું ફાયર વિભાગને બાળકોનાં રમકડાંની તપાસ માટે રાખ્યો છે?
  • 48 મહિના પગાર લીધો પણ કામ ન કર્યું તો સજા કેમ નહીં?
  • રાજકોટ ફાયર વિભાગના ભ્રષ્ટ બાબુઓને કોણ બચાવી રહ્યું છે?
  • 28 લોકોને જીવતા સળગાવવામાં ફાયર વિભાગ મોટો અપરાધી નથી?
  • શું નિર્દોષ લોકોને મારવાની ફાયર વિભાગે લીધી હતી સોપારી?

રાજકોટની દુઃખદ ઘટના માટે કોર્પોરેશન, પોલીસ અને PGVCLના અધિકારીઓ પણ જવાબદાર છે. PGVCLએ ઝી 24 કલાક સવાલ પૂછે છે કે, શું 28 જણ મર્યા તે મોલને તમે ઈઝ ઑફ ડુઈંગ બિઝનેસ ગણો છો?, ઈઝ ઑફ ડુઈંગ બિઝનેસ હેઠળ વીજ કનેક્શન આપ્યું એટલે શું? શું કોઈ બોમ્બની ફેક્ટરી નાખી દે તો પણ કનેક્શન આપશો? મંજૂરીની તપાસ વગર કેવી રીતે ગેમઝોનને મળ્યું કનેક્શન?

PGVCL સામે સવાલ 

  • શું 28 જણ મર્યા તે મોલને તમે ઈઝ ઑફ ડુઈંગ બિઝનેસ ગણો છો?
  • ઈઝ ઑફ ડુઈંગ બિઝનેસ હેઠળ વીજ કનેક્શન આપ્યું એટલે શું?
  • શું કોઈ બોમ્બની ફેક્ટરી નાખી દે તો પણ કનેક્શન આપશો?
  • મંજૂરીની તપાસ વગર કેવી રીતે ગેમઝોનને મળ્યું કનેક્શન?

આવા તો અનેક સવાલ દરેક વિભાગ સામે છે જેનો જવાબ જનતા માગી રહી છે. તમારે જવાબ તો આપવા જ પડશે નહીં તો અમે આ વખતે કોઈને છોડીશું નહીં, એક જાગૃત મીડિયા તરીકે અમે જનતાને પડખે હતા અને રહેવાના છીએ. જે જનતા તમારા પાપે મોતને ભેટી છે તેને અમે ન્યાય અપાવીને જ રહીશું. સરકાર પણ અમે કહેવા માગીએ છીએ કે નાના માછલીઓ સાથે એક પણ મગરમચ્છ છૂટી ન જાય તે જોજો. બાકી જનતા આ ઘટનામાં કોઈને નહીં છોડે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news