દ્રષ્ટિને સતત બે દિવસ પીઠ પર સોળ પડી જાય એ રીતે આચાર્ય અને તેના પતિએ માર્યો હતો માર: માતા

શરૂઆતથી જ અભ્યાસમાં હોશિયાર ચીખલી તાલુકાના મલવાડા ગામના માતા ફળિયામાં રહેતી દ્રષ્ટિ પટેલ બાજુના જ મજીગામમાં આવેલી નયનાબેન મકનભાઈ પટેલ હાઈસ્કૂલમાં ભણતી હતી.

દ્રષ્ટિને સતત બે દિવસ પીઠ પર સોળ પડી જાય એ રીતે આચાર્ય અને તેના પતિએ માર્યો હતો માર: માતા

ધવલ પરીખ/નવસારી: શાળાઓમાં સારૂ પરિણામ મેળવવાની લ્હાય એટલી વધી છે, કે સામાન્ય પરીક્ષા માટે પણ શિક્ષક પિત્તો ગુમાવી બેસે છે અને એનું કારમું પરિણામ વિદ્યાર્થીના વાલીએ ભોગવવું પડે છે. આવું જ નવસારીના ચીખલી તાલુકાના મલવાડા ગામની વિદ્યાર્થીની દ્રષ્ટિ પટેલ સાથે થયુ છે. એક કે બે પાઠ માટે વર્ગમાં જ લેવાતી એકમ કસોટીની નોટબુક દ્રષ્ટિએ ન આપી અને એણે આચાર્યાના રોષનો ભોગ બનવું પડયું. ઢોર માર બાદ પણ માતાને બોલાવી ઠપકો આપતા દ્રષ્ટિને માઠુ લાગી આવ્યુ અને ઘરે પહોંચતાની સાથે જ તેણે ફાંસો ખાઈ જીવન ટૂંકાવી લીધુ હતુ.

શરૂઆતથી જ અભ્યાસમાં હોશિયાર ચીખલી તાલુકાના મલવાડા ગામના માતા ફળિયામાં રહેતી દ્રષ્ટિ પટેલ બાજુના જ મજીગામમાં આવેલી નયનાબેન મકનભાઈ પટેલ હાઈસ્કૂલમાં ભણતી હતી. વિજ્ઞાનપ્રવાહની વિદ્યાર્થીની દ્રષ્ટિના વર્ગમાં એકમ કસોટી ચાલી રહી હતી અને ગત રોજ દ્રષ્ટિ શાળાએ કસોટીની નોટબુક લઈ જવાની ભુલી ગઈ હતી. જેથી શાળાના આચાર્યા સમતાબેન અક્ષય પટેલ દ્વારા નોટબુક ન આપતા દ્રષ્ટિને ઠપકો આપવા સાથે માર પણ માર્યો હતો. 

એટલું ઓછું હતુ ત્યાં સમાતાબેનના પતિ અક્ષય પટેલે પણ દ્રષ્ટિને કસોટીની નોટબુક ન લાવવા જેવી ક્ષુલ્લક બાબતે માર માર્યો હતો. ત્યારબાદ દ્રષ્ટિના માતા હર્ષાબેન પટેલને ફોન કરીને બોલાવ્યા અને એમની સામે દ્રષ્ટિ કસોટીની નોટબુક ન લાવી હોવા સાથે જ તેના સહઅધ્યાયીની નોટબુક આપી હોવાનું જણાવી ખખડાવી હતી. સાથે જ માતાને પણ દ્રષ્ટિને પનીશમેન્ટ આપવાની વાત કરી હતી. જોકે માતાએ દ્રષ્ટિને કસોટીની નોટબુક કેમ ન આપી, લખ્યું હોય કે ન લખ્યુ હોય નોટબુક આપી દેવાની વાત કરી તેને સમજાવી હતી. પણ સતત બે દિવસ આચાર્યા દ્વારા ખીજવવા સાથે જ માર મારવાની ઘટનાથી ભાંગી પડેલી દ્રષ્ટિ ગત રોજ માતા સાથે ઘરે પહોંચ્યા બાદ ઘરના પાછળના સ્ટોર રૂમમાં ગઈ અને નાયલોનના દુપટ્ટા સાથે ફાંસો ખાઈ જીવન ટૂંકાવી લીધુ હતુ. ફાંસો ખાતા જ છેલ્લે દ્રષ્ટિના મોંઢે માતાના નામની ચીખ નિકળી ગઈ હતી. જેથી તરત દોડી દ્રષ્ટિને બચાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો પણ નિરર્થક રહ્યા હતા. 

દ્રષ્ટિના મોત અને એના પાછળ શાળાના આચાર્યા તેમજ તેના પતિ દ્વારા માર મારવાની ઘટના ગામમાં ફેલાતા જ ગ્રામજનોના રોષનો જ્વાળામુખી ફાટી નીકળ્યો હતો. આજે સવારે શાળા શરૂ થાય એ પૂર્વે જ લોકો શાળાએ પહોંચ્યા હતા અને વિદ્યાર્થીઓ તેમજ શિક્ષકોને શાળામાં જતા રોક્યા હતા. સાથે જ આક્રોષિત લોકોએ શાળામાં ઘુસીને તોડફોડ પણ કરી હતી. જ્યારે શાળાના આચાર્યા અને તેના પતિ પણ ભીડના હાથે ચઢતા લોકોએ તેમને પણ ઢીબી નાંખ્યા હતા. 

જોકે ઘટના સ્થળે પહોંચેલી પોલીસે બંનેને બચાવી તેમની અટક કરી પૂછપરછ માટે પોલીસ મથકે લઈ આવી હતી. સમગ્ર મુદ્દે હાલ ચીખલી પોલીસે તપાસને વેગ આપ્યો છે. સમગ્ર મુદ્દે માતાએ આક્ષેપ કર્યા કે, આચાર્યા સમતાબેન દ્રષ્ટિને બે દિવસથી મારી રહી હોવા સાથે જ તેની પીઠ પર મારના સોળ પણ ઉપસી આવ્યા હતા, જેને કારણે દ્રષ્ટિએ આત્મહત્યા કરી, જેથી ન્યાયની માંગ કરી છે.

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news