ગુજરાતમાં ક્યાં આવી શકે પૂર? આ વિસ્તારોમાં પડશે ભારેથી અતિભારે વરસાદ, નવી આગાહીથી લોકો ચિંતામાં!

Gujarat Forecast: ગુજરાતમાં હજુ પણ હવામાન વિભાગે ભારેથી અતિભારે વરસાદની આગાહી આગામી દિવસો દરમિયાન કરી છે. હવે સાંબેલાધાર વરસાદ સૌરાષ્ટ્રના જૂનાગઢમાં આફત લઈને આવી શકે તેમ છે. તો દક્ષિણ ગુજરાતના પણ અનેક જગ્યાએ હજુ વધુ વરસાદ પડ્યો તો આગામી સમયમાં મોટી મુશ્કેલી થઈ શકે છે. જોવાનું રહેશે કે વધુ વરસાદ કેવી મુશ્કેલી અને ખેડૂતો માટે શું રાહત લઈને આવે છે. 

1/6
image

સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં મેઘો મંડાતા અત્ર, તત્ર, સર્વત્ર પાણી પાણી થઈ ગયું. ક્યાંક આફતનો વરસાદ વરસ્યો તો ક્યાંક મુશળધાર વરસાદને કારણે નદી-નાળા અને ડેમ છલકાઈ ગયાં. જેના કારણે પાણીની સમસ્યાનું સમાધાન થઈ ગયું. તો સારા વરસાદથી ક્યાંક પ્રકૃતિ પણ સોળે કળાએ ખીલી ઉઠતાં નયનરમ્ય નજારો જોવા મળ્યો.

2/6
image

ગુજરાતમાં છેલ્લા બે-ત્રણ દિવસથી મેઘો એવો મંડાયો છે કે જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી જોવા મળી રહ્યું છે. ગુજરાતના તમામ ઝોનમાં મેઘરાજા તોફાની બેટિંગ કરી રહ્યા છે. જે ઉત્તર ગુજરાતમાં મેઘરાજા રિસાયેલા હતા ત્યાં પણ મહેર વરસાવવાની શરૂઆત કરી દીધી છે. પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણામાં મુશળધાર વરસાદ વરસ્યો. તો દક્ષિણ ગુજરાતમાં તો સતત પડી રહેલા વરસાદને કારણે જળબંબાકારની સ્થિતિ જોવા મળી. સુરત, ડાંગ, વલસાડ, નવસારીમાં મેઘરાજા જમાવટ કરી. તો સૌરાષ્ટ્રમાં વરસેલા સાંબેલાધાર વરસાદથી જૂનાગઢનો ઘેડ પંથક પાણી પાણી થઈ ગયો.

3/6
image

રાજ્યમાં સારા વરસાદની શરૂઆતને પ્રકૃતિએ વધાવી લીધું છે. પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઉઠી છે. ગીરમાં જંગલમાં વરસાદને મજા માણતાં જંગલના રાજા જોવા મળ્યા. ગુજરાતની ઓળખ એવા ગીરના સિંહો આનંદ કરતાં જોવા મળ્યા. તો વરસાદથી ગરવો ગઢ ગીરનાર સોળે કળાએ ખીલી ઉઠ્યો. ગિરનારની સીડીઓ પરથી પાણીનો અધધ પ્રવાહ વહેતો જોવા મળ્યો. તો સુરતમાં તાપી નદીના કોઝ-વે ઓવરફ્લો થતાં રમણીય દ્રશ્યો જોવા મળ્યા હતા. તો સુરત નજીક આવેલા ડાંગના સાપુતારામાં પ્રકૃતિ ખિલી ઉઠતાં પ્રવાસીઓએ આનંદ ઉઠાવ્યો.

4/6
image

રાજ્યમાં વરસેલા આ વરસાદથી અનેક જગ્યાએ લોકો મુશ્કેલીમાં મુકાયા છે. વરસાદથી જળબંબાકારના અનેક દ્રશ્યો જોવા મળ્યા...બીજી તરફ વરસાદને કારણે ગુજરાતના અનેક ડેમમાં નવા નીરની આવક થઈ છે. ગુજરાતની જીવાદોરી નર્મદા ડેમની જળસપાટી 119.40 મીટરે પહોંચી ગઈ છે. ઉપરવાસમાંથી 35 હજાર ક્યુસેક પાણીની આવક થઈ છે. તો રાજ્યના અન્ય જળાશયોમાં પણ નવા નીરની આવક થઈ છે. 

5/6
image

જૂનાગઢમાં બાદરપરા ડેમના 3 દરવાજા 2 ફૂટ ખોલીને પાણી છોડાઈ રહ્યું છે. તો ભાવનગરની જીવાદોરી સમાન શેત્રુંજી ડેમમાં પણ નવા નીર આવ્યા છે. ડેમમાં 2 હજાર ક્યુસેક જેટલા પાણીની આવક થઈ છે. આ તરફ રાજકોટના ધોરાજીનો ભાદર-2 ડેમ છલોછલ ભરાઈ ગયો છે. જે ગમે તે સમયે ઓવરફ્લો થઈ શકે છે. તો ઉપલેટાના મોજ ડેમમાં પણ પાણીની આવક નોંધાઈ છે. ડેમની જળસપાટી 31.20 ફૂટ થઈ છે.

6/6
image

દક્ષિણ ગુજરાતમાં દેધનાધન છે. અવિરત વરસાદને કારણે અનેક જગ્યાએ જળબંબાકારની સ્થિતિ સર્જાય છે. આ દ્રશ્યો સુરતના બલેશ્વર ગામના છે. આખું ગામ બેટમાં ફેરવાઈ ગયું છે. દ્રશ્યોમાં જોઈ શકાય છે કે ગામે જાણે જળસમાધી લઈ લીધી હોય તેવું લાગી રહ્યું છે. એવો કોઈ વિસ્તાર બચ્યો નથી જ્યાં પાણી ન હોય. ગામ પાસેથી પસાર થતી બત્રીસ ગંગા ખાડી બે કાંઠે થઈ છે. ગામમાં પાણી ભરાઈ જવાનું કારણ પ્રોટેક્શન વોલ છે. હાઈ-વે પર બનાવવામાં આવેલી પ્રોટેક્શન વોલને કારણે બલેશ્વર ગામમાં આ સ્થિતિનું નિર્માણ થયું છે.