નાસાના પ્રૉજેક્ટમાં નવસારીની જેની પટેલનો દબદબો, ચંદ્ર પર ખોરાક ઉગાડવાના મિશનમાં મેળવી મોટી સફળતા
નવસારીના ઇલેક્ટ્રિશ્યન દિલીપ મિસ્ત્રીને વિજ્ઞાન, પર્યાવરણને લગતા ટીવી કાર્યક્રમોને જોવાની આદત હતી. એમની આદતને કારણે તેમની દિકરી જેની પણ સ્પેસ સાયન્સના કાર્યક્રમો જોતી થઈ હતી.
Trending Photos
ધવલ પરીખ/નવસારી: આકાશ આંબવાના સપનાને જીવનમાં પાળવું અને અર્જુન જેવી લક્ષ્ય વેધવાની એકાગ્રતા સફળતા તરફ દોરી જાય છે. ત્યારે પિતા પાસે અનાયાસે ટીવી પ્રોગ્રામમાંથી મળેલા સપનાને પૂરું કરવા મૂળ નવસારીની જેની પટેલે અર્જુન જેવી એકાગ્રતા સાથે સ્પેસ સાયન્સમાં એસ્ટ્રોનટ બનવા તરફ એક પગલું માંડ્યું છે. પોલેન્ડમાં 14 દિવસ સુધી ચંદ્ર જેવા જ વાતાવરણમાં રહીને અવકાશયાનમાં કેવી જીંદગી હોય છે એનો અનુભવ મેળવી એનાલોગ એસ્ટ્રોનટ બની છે. સાથે આગળ નાસા સાથે જોડાઈ એસ્ટ્રોનટ બનીને અવકાશની સફર કરવાનું સપનું સેવી રહી છે.
નવસારીના ઇલેક્ટ્રિશ્યન દિલીપ મિસ્ત્રીને વિજ્ઞાન, પર્યાવરણને લગતા ટીવી કાર્યક્રમોને જોવાની આદત હતી. એમની આદતને કારણે તેમની દિકરી જેની પણ સ્પેસ સાયન્સના કાર્યક્રમો જોતી થઈ હતી. જેમાંથી આંતર મનમાં સ્પેસ સાયન્સમાં કેરિયર બનાવવાનું સપનું અંકુરિત થયુ હતું. જેને સમય વીતતા જેનીએ પાળ્યું, ફિઝિક્સમાં ગ્રેજ્યુએશન પૂર્ણ કર્યુ હતુ. દરમિયાન સુરતના ચિંતન પટેલ સાથે જેનીને આંખ મળતા બંને જીવનસાથી બન્યા હતા. પરંતુ પ્રથમ મુલાકાતમાં જ ચિંતન, જેનીના સપનાને ઓળખી ગયો હતો.
ડિઝાઇન અને એડવર્ટાઇઝિંગ ક્ષેત્ર સાથે સંકળાયેલા ચિંતને જેનીને તેના સપના સુધી પહોંચવા સહયોગ આપ્યો. જેમાં બાયોલોજી લેબોરેટરીમાં નોકરી કરતી જેની પટેલે અમદાવાદમાં બની રહેલી રાજ્યની એસ્ત્રોનોમી મ્યુઝયમમાં ટેકનિકલ ટીમની નોકરી સ્વિકારી હતી. જેની સાથે સાથે જ જેની પટેલે એસ્ટ્રોનટ બનવા માટેના પ્રથમ પગથિયાં એવા એનાલોગ એસ્ટ્રોનટની તાલીમ મેળવવા પોલેન્ડ ખાતે આવેદન કર્યુ અને જેનીની પસંદગી થઈ પણ થઈ ગઈ હતી. 14 દિવસ સુધી દુનિયાથી દૂર રહી જેની અને તેની ટીમના સભ્યોએ ચંદ્ર જેવી સપાટી અને વાતાવરણ ધરાવતા વિસ્તારમાં સંશોધન અને તાલીમ પૂર્ણ કરી હતી.
જેનીને બાયોલોજી લેબના ઓફિસર તરીકે નિયુક્તિ આપવામાં આવી હતી. જ્યાં અવકાશમાં છોડ, ખાવાની વસ્તુઓ કેવી રીતે સાચવવી અને એના ઉપર રિસર્ચ કરવાનો ટાસ્ક હતો. પણ અવકાશમાં ક્યારે શું થાય એ કોઈ કળી શકાતું નથી. જેથી જેનીને એન્જીનીયરીંગ, ડાયેટ, આરોગ્ય સાથે જ પોતાના શરીરને કેવી રીતે સાચવવું, વજન કેવી રીતે જાળવવું, અંદાજે 300 કિલોનો સ્પેસ શ્યુટ પહેરીને કેવી રીતે કામ કરવું જેવી તમામ પ્રારંભિક તાલીમ આપવામાં આવી હતી. હવે આગળ જેની પટેલ અવકાશયાત્રી બનવાના અન્ય પગથિયાં ચઢવા થનગની રહી છે. જ્યારે તેના માતા પિતા, બહેન અને પતિ ચિંતન પણ પ્રોત્સાહન આપવા સાથે આગળ વધવા સતત સહયોગ આપી રહ્યા છે.
કહેવાય છે કે સફળ થવા માટે સપનું હોવું જોઈએ પણ સપનું પૂરું કરવા ધગસ અને એકાગ્રતા સાથે મહેનત જરૂરી હોય છે. ત્યારે બાળપણમાં અનાયાસે ઉછરેલા સપનાને જેનીએ પૂર્ણતાના શિખરે પહોંચાડવા પ્રથમ પગલું ભર્યું છે અને આગળ નાસામાં જોડાઈ અવકાશયાત્રી બનવાના સપનાને ઉત્સાહથી સીંચી રહી છે. ત્યારે જીવનમાં સફળ થવા લક્ષ્ય અને એકાગ્રતા કેટલી મહત્વની છે એ જેની પટેલ ઉત્તમ ઉદાહરણ બની છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે