આજથી આદ્યશક્તિની ઉપાસનાનું મહાપર્વ, જાણો ક્યારે-કેવી રીતે કરશો ઘટ સ્થાપન...

મા જગદંબાની પુષ્પથી ઉપાસના કરવાથી ખુબ જ પ્રસન્ન થાય છે. આ ઉપરાંત, માતાજીને પ્રિય એવા નૈવેદ્યમાં સુખડી, કેસરમિશ્રિત પ્રસાદ, તમામ ઋતુફળ, લીંબુ-આદુ, નારિયેળ, ચંદન, કપૂર, મદાર, કમળ, અશોક, બ્રહ્મપુષ્પ, ચંપો, કનેર, માલતી, બિલીપત્ર, સુગંધી અત્તર, ધૂપ-દીપ વગેરે અર્પણ કરવાથી માતાજી પ્રસન્ન થાય છે. નવરાત્રિમાં ત્રણેય સમયે ઉપાસવા કરવાથી ફળ પ્રાપ્ત થાય છે. નવરાત્રિમાં માતાજીને સોના કે ચાંદીની નથડી ચડાવવાથી સૌભાગ્ય પ્રાપ્ત થાય છે.

આજથી આદ્યશક્તિની ઉપાસનાનું મહાપર્વ, જાણો ક્યારે-કેવી રીતે કરશો ઘટ સ્થાપન...

ઝી ડિજિટલ ડેસ્ક/અમદાવાદઃ આજથી માતાની આરાધનાનું મહાપર્વ 'નવરાત્રિ' શરૂ થઈ રહ્યું છે. આદ્યશક્તિની ઉપાસનાની શરૂઆત ભક્તો ઘટ સ્થાપનથી કરતા હોય છે. આજના દિવસે સૌ પ્રથમ વિધિ-વિધાન સાથે કળશ સ્થાપના કરીને જગત જનની માં જગદંબાની પૂજા કરવી અને ઉપવાસ કરવાનો હોય છે. નવરાત્રિમાં માતાજીને સોના કે ચાંદીની નથડી ચડાવવાથી સૌભાગ્ય પ્રાપ્ત થાય છે. 

વર્ષમાં કુલ ચાર નવરાત્રિ આવે છે, જેમાં ચૈત્ર અને આસો માસની નવરાત્રિને મહા નવરાત્રિ કહે છે, જ્યારે મહા અને અષાઢ માસની નવરાત્રિ ગુપ્ત નવરાત્રિ કહેવાય છે. આ વર્ષે નવ દિવસની પૂર્ણ પૂજા થઈ શકશે અને 10મા દિવસે દેવીની વિદાય થશે. એટલે 29 સપ્ટેમ્બરથી 7 ઓક્ટોબર સુધી નવરાત્રિ રહેશે અને 8મી ઓક્ટોબરે દશેરા ઉજવાશે. 

આદ્યશક્તિને કેવી રીતે કરશો પ્રસન્ન?
મા જગદંબાની પુષ્પથી ઉપાસના કરવાથી ખુબ જ પ્રસન્ન થાય છે. આ ઉપરાંત, માતાજીને પ્રિય એવા નૈવેદ્યમાં સુખડી, કેસરમિશ્રિત પ્રસાદ, તમામ ઋતુફળ, લીંબુ-આદુ, નારિયેળ, ચંદન, કપૂર, મદાર, કમળ, અશોક, બ્રહ્મપુષ્પ, ચંપો, કનેર, માલતી, બિલીપત્ર, સુગંધી અત્તર, ધૂપ-દીપ વગેરે અર્પણ કરવાથી માતાજી પ્રસન્ન થાય છે. નવરાત્રિમાં ત્રણેય સમયે ઉપાસવા કરવાથી ફળ પ્રાપ્ત થાય છે. 

હસ્ત નક્ષત્રમાં થશે નવરાત્રિનો પ્રારંભ
આ વર્ષે નવરાત્રિની શરૂઆત હસ્ત નક્ષત્રમાં થવાની છે. આ નક્ષત્રમાં જ કળશ સ્થાપવામાં આવશે. હસ્ત નક્ષત્રને 26 નક્ષત્રોમાં 13મું અને શુભ નક્ષત્ર માનવામાં આવે છે. તેના સ્વામી ચંદ્ર છે. આ નક્ષત્રને જ્ઞાન, મુક્તિ અને મોક્ષ પ્રદાન કરનારું માનવામાં આવે છે. આ નક્ષત્રમાં કળશમાં જળ ભરીને પૂજાનો સંકલ્પ લેવો શુભ ફળદાયી માનવામાં આવે છે.

ઘટ સ્થાપન વિધિ
આ વર્ષે ઘટ સ્થાપનના દિવસે સર્વાર્થ સિદ્ધિ યોગ, અમૃત સિદ્ધિ યોગ અને દ્વિપુષ્કર નામના શુભ યોગ બની રહ્યા છે. જે શુભકાર્ય માટે અતિશુભ ગણાય છે.

માતાની મૂર્તિની સ્થાપનાઃ ગોરમહારાજના કહેવા મુજબ શૂભ મુહૂર્તમાં ઘરના દેવાલયમાં કે યોગ્ય પવિત્ર સ્થળે ધોળી માટી અને ગાયના પવિત્ર છાણ વડે લીપણ કરવું. તેના ઉપર બાજઠ ઢાળી તેના પર લાલ કે લીલા રંગનું રેશમી વસ્ત્ર પાથરવું. તેમાં ધાન્ય તરીકે ચોખા(અક્ષત) પધરાવ્યા પછી માતાની મૂર્તિની સ્થાપના કરવી. જો મૂર્તિ ન હોય તો, નવાર્ણ મંત્રયુક્ત યંત્રની સ્થાપના કરવી.

પીઠ પૂજાઃ તેના માટે પાંચ પલ્લવ (કપૂરી પાન પણ લઇ શકાય)થી યુક્ત જળ ઘડામાં પૂજન અર્થે કંકુ, ચોખા, ફૂલ, અબીલ, ગુલાલ, સિંદૂર, હળદર, સોપારી, લીલી ધરો અને રોકડો રૂપિયો પધરાવી અખિલ બ્રહ્માંડમાં જડ અને ચેતન સર્વ પરિબળો સમન્વિત સમગ્ર વિશ્વ આપણું કલ્યાણ-રક્ષણ કરે તે માટે પ્રાર્થના કરવી.

ઘટસ્થાપનના મુહૂર્તઃ રવિવાર 29 સપ્ટેમ્બર, 2019, શારદીય નવરાત્રિ
શુભ મુહૂર્તઃ સવારેઃ 06.16 થી 07.40 સુધી (સમયાવધિ 1 કલાક 24 મિનિટ)
અભિજિત મુહૂર્તઃ સવારે 11.48થી  બપોરે 12.35 વાગ્યા સુધી (સમયાવધિ 47 મિનિટ)

નવ દિવસ પૂજા-અર્ચના 

  • જવારા તથા કુંભસહિત માતાજીની મૂર્તિ કે યંત્રની દરરોજ શાસ્ત્રોક્ત વિધિ અનુસાર ગોરમહારાજ પાસે કે યથાશક્તિ પૂજા કરવી-કરાવવી. પ્રતિદિન ચંડીપાઠ પણ કરી-કરાવી શકાય.
  • દરરોજ એક કુમારિકાનું પૂજન કરી, રોજ એક કુમારિકા વધારતાં જઇ, નવ દિન પર્યંત, નવદુર્ગાના પ્રતીક સમાન કુમારિકાઓને પૂજી, પ્રત્યેક કુમારિકાને વસ્ત્ર, અલંકાર, આભૂષણ અર્પણ કરી, દક્ષિણા આપી, ભોજનથી તૃપ્ત કરવી.
  • ધન અને ધાન્યની અભિવૃદ્ધિના ભાવ સાથે, તે જ જગ્યાએ પાંચ, સાત કે નવ પ્રકારનાં ધાન્યનું (શક્ય હોય ત્યાં સુધી નવ ધાન્ય જ લેવાં) મિશ્રણ કરી જવારા વાવી તેનું નવ દિનપર્યંત જતન કરવું.

મનોકામના પૂર્ણ કરવાના પ્રયોગો

  • નવરાત્રિ દરમિયાન શ્રીયંત્રને સિદ્ધ કરવાનો અતિ ઉત્તમ સમય હોઇ આ સમયમાં દૂધ-કેસર-મલાઈ-મધ અને ગંગાજળ મિક્સ કરી આ દ્રવ્ય વડે શ્રીસૂક્તની ઋચાઓનું મનન કરતાં શ્રીયંત્ર ઉપર અભિષેક કરવાથી શ્રીયંત્ર સિદ્ધ થાય છે અને ઘરમાં સ્થિર લક્ષ્મીનો વાસ થાય છે.
  • દુર્ગા સપ્તશતીનું નિત્ય પઠન કરવું, આ ઉપરાંત દુર્ગા અષ્ટોતરશત નામ સ્તોત્ર, રાત્રિસૂક્ત, અર્ગલા સ્તોત્ર, દુર્ગાબત્રીસી નામ સ્તોત્ર, કુંજીકા સ્તોત્રના નિયમિત પાઠ કરવાથી ઉપાસકના હૃદયમાં-ઘરમાં-પરિવારમાં હકારાત્મક ઊર્જાનું નિર્માણ થાય છે.
  • માતાજીને ચાંદીની કે સોનાની નથડી ચડાવવાથી સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે.
  • 2થી10 વર્ષ સુધીની કન્યાઓને, વસ્ત્ર, અન્ન, ભેટ-સોગાદ, અલંકાર, શ્રૃંગારનાં સાધનો અર્પણ કરવાથી ઉપાસકની તમામ મનોકામના પૂર્ણ થાય છે.

જુઓ LIVE TV....

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news