Navratri 2022 : કચ્છના માતાના મઢે નવરાત્રિએ લાખો ભક્તો શિશ ઝૂકવે છે, આજે પણ માતાની મૂર્તિ અધૂરી છે
Navratri 2022 : કચ્છની કુળદેવીમાં આશપુરાના ચરણોમાં શિશ ઝુકાવવા આવતા યાત્રિકોનો ઉત્સાહ આ વખતે સ્વાભાવિક વિશેષ જોવા મળી રહ્યો છે. પગપાળા આવતા ભાવિકોની સુવિધા માટે સેવા કેમ્પો પણ ઉભા થઇ ચુક્યા છે
Trending Photos
કચ્છ :નવરાત્રિ તહેવાર પર કચ્છના કુળદેવી મા આશાપુરાના મઢ ખાતે મોટી સંખ્યામાં માઈભક્તો આવતા હોય છે. ત્યારે આ નવરાત્રિ પર 8થી 10 લાખ ભાવિકો આવવાની શક્યતા છે. જેને લઈને વહીવટી તંત્ર સજ્જ બન્યું છે અને ઠેર ઠેર કેમ્પના આયોજનની તૈયારીઓ થઈ રહી છે. આસો નવરાત્રિના પારંભને એક સપ્તાહનો સમય બાકી છે ત્યારે પાટણ, મોરબી, જામનગર અને રાજકોટ જિલ્લામાંથી આવતા પદયાત્રિકો મોરબી ધોરીમાર્ગના સુરજબારીથી સામખીયાળી અને રાધનપુર ધોરીમાર્ગના આડેસરથી સામખીયાળી સુધીના માર્ગો પર 'જય માતાજી'ના નાદ સાથે આગળ વધતા જોવા મળી રહ્યા છે. કચ્છની કુળદેવીમાં આશપુરાના ચરણોમાં શિશ ઝુકાવવા આવતા યાત્રિકોનો ઉત્સાહ આ વખતે સ્વાભાવિક વિશેષ જોવા મળી રહ્યો છે. પગપાળા આવતા ભાવિકોની સુવિધા માટે સેવા કેમ્પો પણ ઉભા થઇ ચુક્યા છે.
નવરાત્રીના તહેવારને માત્ર ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે દર વર્ષની જેમ કચ્છના કુળદેવી માં આશાપુરાના મઢ માતાના મઢ ખાતે પુરા દેશમાંથી જુદા જુદા સ્થળોએથી માઇભકતો પદયાત્રા તેમજ સાયકલ યાત્રા કરીને માતાજીને ત્યાં શિશ ઝુકાવવા આવતા હોય છે. ત્યારે ચાલુ વર્ષે 8 થી 10 લાખ માઇભકતો માતાના મઢ ખાતે ઉમટશે તેવી ધારણા છે. તેથી માતા સુધી પહોંચવાના રસ્તે ઠેર ઠેર સેવા કેમ્પ શરૂ કરવા માટેની તૈયારીઓ શરૂ થઈ ચૂકી છે.
કચ્છના કુળદેવી માતાનામઢ સ્થિત આશાપુરા માતાજીના મંદિરે તારીખ 25 સપ્ટેમ્બરના રાત્રે ઘટ સ્થાપન થશે અને બીજા દિવસે સોમવારથી આસો નવરાત્રિની ઉજવણીનો આરંભ થશે. અશ્વિની નોરતાંનું આદ્યશક્તિની ઉપાસના માટે વિશેષ મહત્વ હોતાં દર વર્ષે લાખોની સંખ્યામાં ભક્તો ઉમટે છે. ચાલુ વર્ષે મેઘ મહેર થતાં ભાવિકોની સંખ્યા વધવાનો અંદાજ છે. તા. 26 સપ્ટેમ્બર ભાદરવા વદ અમાસના રાત્રે 9 કલાકે મઢ જાગીરના અધ્યક્ષ યોગેન્દ્રસિંહ રાજાબાવાના હસ્તે ઘટ સ્થાપનની ધાર્મિક વિધિ કરવામાં આવશે.
સોમવારથી નવરાત્રિનો આરંભ થશે. તા. 2 ઓક્ટોબરના આસો સુદ સાતમના રાત્રે પ્રથમ જગદંબા પૂજન બાદ 9.30 ક્લાકથી હોમ હવનનો પ્રારંભ કરાશે. મોડી રાત્રે 12.30 વાગ્યે શ્રીફળ હોમવામાં આવશે. બીજા દિવસે તા. 3 ઓક્ટોબરના રાજપરિવાર પતરી વિધિ યોજાશે. તેની સાથે આદ્યશક્તિના પર્વની ઉજવણી સંપન્ન થશે. ઉત્સવને લઈને જાગીર ટ્રસ્ટ દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવાઇ છે.
ઉલ્લેખનીય છે કે, શ્રાદ્ધ પક્ષના પાછલા દિવસોમાં જ માઇભક્તોનું આગમન શરૂ થઇ જાય છે. નોરતાં દરમિયાન ચારથી પાંચ લાખ લોકો માતાજીના ચરણોમાં શિશ ઝુકાવે છે. પદયાત્રીઓ પણ મોટી સંખ્યામાં આવે છે ત્યારે ચાલુ વર્ષે સારા ચોમાસાના કારણે તેનો આંકડો વધે તેવી સંભાવના છે. ત્યારે બે વર્ષના કોરોના કાળમાં સેવાકીય કેમ્પને સરકાર દ્વારા મંજૂરી મળી ન હતી. ત્યારે આ વર્ષે ફરી સેવાકીય કેમ્પ શરૂ કરાશે. જેમાં પદયાત્રીઓ માટે ભોજનની, આરામની તેમજ મેડિકલ સુવિધાઓ પૂરી પાડવામાં આવશે અને અત્યારથી જ આ કેમ્પની તૈયારીઓ આરંભી દેવાઈ છે.
માતાના મઢ જાગીર ટ્રસ્ટના ટ્રસ્ટી પ્રવિણસિંહ વાઢેરએ જણાવ્યું હતું કે આ વર્ષે 8 થી 10 લાખ માઇભકતો દર્શનાર્થે આવશે તેવી ધારણા છે. માતાના મઢ ખાતે માઇભકતો માટે દર વર્ષની જેમ આ વર્ષે પણ 24 કલાક પ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે. મોટી સંખ્યામાં માઇભકતો ઉમટે છે ત્યારે મર્યાદિત રૂમની વ્યવસ્થા હોવાથી દરેક લોકો માટે રહેવા માટેની વ્યવસ્થા કરવી શક્ય નથી. માટે માતાના મઢથી 1 કિલોમીટર અગાઉ મેગા કેમ્પનો આયોજન કરવામાં આવ્યું છે. મેગા કેમ્પમાં પદયાત્રીઓ રાત્રે આરામ કરી શકશે, સવારે સ્નાન પણ કરી શકશે અને ત્યાર બાદ ચા-નાસ્તો કરી શકે તેવી વ્યવસ્થા રાખવામાં આવી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે