નડિયાદના માઈમંદિરમાં છે નવરાત્રિની અનોખી પરંપરા, માથે ગરબો લઈ વર્ષોથી થાય છે ઉજવણી

હાલ ગુજરાતમાં માથે ગરબો મુકીને ગરબા રમવાની પ્રથા લગભગ લુપ્ત થઈ ગઈ છે. ત્યારે નડિયાદના માઈમંદિરના નામે પ્રસિદ્ધ શ્રી માઈધર્મ આદ્યપીઠ સ્થાનમાં વર્ષોથી માઈભક્તો માથે ગરબો મુકીને નવ દિવસ ગરબે ઘુમે છે. દેશ વિદેશથી આ વિશેષ ગરબાનો નજારો જોવા માટે માઈભક્તો અહીં આવતા હોય છે. 

નડિયાદના માઈમંદિરમાં છે નવરાત્રિની અનોખી પરંપરા, માથે ગરબો લઈ વર્ષોથી થાય છે ઉજવણી

ખ્યાતિ ઠક્કર, નડિયાદઃ આજથી આદ્યશક્તિની ઉપાસનાનો નવદિવસના મહાપર્વ એટલેકે નવરાત્રિનો પ્રારંભ થઈ ગયો છે. ખેલૈયાઓમાં ગરબે ઘુમવા માટે થનગનાટ જોવા મળી રહ્યો છે. ત્યારે ગુજરાતમાં એક એવું સ્થળ પણ છે જ્યાં અનોખી રીતે નવરાત્રિની ઉજવણી કરવામાં આવે છે. અમે વાત કરી રહ્યાં છીએ ખેડા જિલ્લામાં આવેલાં નડિયાદ ટાઉનના શ્રીમાઈ મંદિરની. નડિયાદના માઈમંદિરમાં વર્ષોથી નવરાત્રિ દરમિયાન વિશેષ પૂજા-અર્ચના અને ગરબાનું આયોજન કરવામાં આવે છે. આ વર્ષે પણ નડિયાદના માઈમંદિરમાં રંગેચંગે નવલી નવરાત્રિનું આયોજન કરવામાં આવ્યું છે.

હાલ ગુજરાતમાં માથે ગરબો મુકીને ગરબા રમવાની પ્રથા લગભગ લુપ્ત થઈ ગઈ છે. ત્યારે નડિયાદના માઈમંદિરના નામે પ્રસિદ્ધ શ્રી માઈધર્મ આદ્યપીઠ સ્થાનમાં વર્ષોથી માઈભક્તો માથે ગરબો મુકીને નવ દિવસ ગરબે ઘુમે છે. દેશ વિદેશથી આ વિશેષ ગરબાનો નજારો જોવા માટે માઈભક્તો અહીં આવતા હોય છે. 

નડિયાદ ખાતે આવેલાં માઈમંદિરમાં 275 કિલોનું ચાંદીનું શ્રીયંત્ર આવેલું છે. જેના દર્શન કરવાથી શાંતિની પ્રાપ્તિ થાય છે. માઈમંદિરમાં માતાજીની ત્રણ મૂર્તિઓ આવેલી છે. જગત જનની મા જગદંબા એટલેકે, અંબાજી માતા, બહુચરાજી માતા અને મહાકાળી માતાની મૂર્તિ માઈમંદિરમાં આવેલી છે. એટલું જ નહીં નવરાત્રિ દરમિયાન અહીં વિશેષ પૂજા-અર્ચના અને ગરબાનું આયોજન કરવામાં આવે છે. નવરાત્રિમાં અહીં ચાચર વધાવવામાં આવે છે. આ સાથે અહીં નવરાત્રિના પર્વ દરમિયાન વેશભૂષા સહિતના વિવિધ કાર્યક્રમોનું આયોજન પણ કરવામાં આવે છે. માઈમંદિરની નડિયાદનું સુપ્રસિદ્ધ મંદિર કહેવામાં આવે છે. અમદાવાદ, ગાંધીનગરના નજીકના જિલ્લાઓ ઉપરાંત અહીં દૂર-દૂરથી દર્શનાર્થીઓ માતાજીના દર્શનનો લ્હાવો લેવા માટે આવે છે. ખાસ કરીને અહીં નવરાત્રિ દરમિયાન માતાજીના દર્શનનું વિશેષ મહત્ત્વ છે.

માઈમંદિરના મહંતે જણાવ્યું હતુંકે, નવરાત્રિ એટલે શક્તિના પૂજનનો પર્વ. નવરાત્રિ એટલે માતાજીના મહિમાને મહોત્સવરૂપે મનાવવાનો અવસર. નવરાત્રિ એટલે વિશ્વકલ્યાણનો પર્વ. સમગ્ર વિશ્વમાં શાંતિ સ્થપાય એટલાં માટે આ નવરાત્રિની ઉજવણી કરવામાં આવે છે. માઈમંદિરમાં માતાજીના દર્શન કરીને કૃપા પ્રાપ્ત કરવા અમે સૌ કોઈને આમંત્રણ આપીએ છીએ.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news