નર્મદા ડેમના 23 દરવાજા ખોલાતા ભરૂચની સ્થિતિ બગડવાના આરે... 35 ગામોને એલર્ટ કરાયા

ઉપરવાસમાંથી નર્મદા ડેમમાં 5 લાખ ક્યુસેક પાણી ઓમકારેશ્વર ડેમમાં છોડવામાં આવ્યું છે, જેથી નર્મદા ડેમના 23 ગેટ ખોલવાની ફરજ પડી 

નર્મદા ડેમના 23 દરવાજા ખોલાતા ભરૂચની સ્થિતિ બગડવાના આરે... 35 ગામોને એલર્ટ કરાયા

ભરત ચૂડાસમા/ભરૂચ :સરદાર સરોવર નર્મદા ડેમ (narmada dam) નાં કેચમેન્ટ વિસ્તારમાં ફરી એકવાર મુશળધાર વરસાદ વરસતા ડેમમાં પાણીની આવક થઈ છે. જેને કારણે 131.25 મીટરની સપાટી વધતા નર્મદા ડેમનાં પહેલા 15 દરવાજા ખોલાયા હતા, પરંતુ ગણતરીના કલાકોમાં જ બીજા 8 દરવાજા ખોલી દેવાયા છે. આમ, હાલ કુલ 23 દરવાજા ખોલી દેવાયા છે. ઉપરવાસમાંથી નર્મદા ડેમમાં 5 લાખ ક્યુસેક પાણી ઓમકારેશ્વર ડેમમાં છોડવામાં આવ્યું છે, જેથી 23 ગેટ ખોલવાની ફરજ પડી છે. 23 ગેટમાંથી 3 લાખ 65 હજાર  ક્યુસેક પાણી નદીમાં છોડાઈ રહ્યું છે. જેથી નર્મદા ડેમની જળ સપાટી 131.25 મીટર પર પહોંચી છે. આ કારણે વડોદરા, ભરૂચ અને નર્મદા જિલ્લાના નદી કિનારાના ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. 

નર્મદા ડેમના 23 ગેટ ખોલવામાં આવતા ભરૂચ જિલ્લાના કાંઠા વિસ્તારના ગામોને અલર્ટ કરાયાં છે. ઉપરવાસમાંથી નર્મદા ડેમમાં 5 લાખ ક્યુસેક પાણી ઓમકારેશ્વર ડેમમાં છોડવામાં આવ્યું છે, જેથી નર્મદા ડેમના 23 ગેટ ખોલવાની ફરજ પડી છે. 23 ગેટમાંથી 3 લાખ 65 હજાર ક્યુસેક પાણી નદીમાં છોડાઈ રહ્યું છે. જેથી વડોદરા, ભરૂચ અને નર્મદા જિલ્લાના નદી કિનારાના ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. ભરૂચ શહેરના નર્મદા કિનારે આવેલ ગોલ્ડન બ્રિજ અને વેજલપુરની બહુચરાજી મંદિર નજીક આવેલ ઝૂંપડપટ્ટીને તાત્કાલિક ખાલી કરાવવામાં આવી છે. 

ભરૂચ જિલ્લાના 35 ગામોને એલર્ટ કરાયા છે. અંકલેશ્વર, ઝઘડિયા અને ભરૂચ તાલુકાના કાંઠા વિસ્તારના લોકોને સાવધ રહેવા તંત્ર દ્વારા સૂચના અપાઈ છે. ભરૂચ ખાતે નર્મદા નદીની ભયજનક સપાટી 22 ફૂટ છે. જો તે વટાવી જશે તો ભરૂચમાં પૂરની સ્થિતિ સર્જાઈ શકે છે. 

ઉલ્લેખનીય છે કે, ગત વર્ષે નર્મદા ડેમની સપાટી 135 મીટર પર પહોંચી હતી. જેને પગલે ડેમના તમામ ત્રીસે ત્રીસ દરવાજા ખોલી દેવાયા હતા. ગત 11 સપ્ટેમ્બરના રોજ તમામ 30 દરવાજા ખોલાયા હતા. નર્મદા ડેમના દરવાજા ખોલાયા હતા, ત્યારે વડોદરા, ભરૂચ અને નર્મદા જિલ્લા એમ ત્રણ જિલ્લાને એલર્ટ કરાયા હતા. તો હાલ પણ એ તમામ જિલ્લાઓને એલર્ટ કરાયા છે. સાથે સાથે નર્મદા જિલ્લાના અધિકારીઓને હેડ ઓફિસ ન છોડવા સૂચના પણ અપાઈ છે. આ ત્રણ જિલ્લાના નીચાણવાળા વિસ્તારોના લોકોને પૂર જેવી સ્થિતિ જો સર્જાય તો સુરક્ષિત સ્થળે પહોંચાડવાની તૈયારી પણ તંત્ર દ્વારા કરાઈ છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news