મુકુલ વાસનિકને ગુજરાતનો હવાલો! ભરતસિંહ સોલંકી કાશ્મીર તો બાબરિયા આ 2 રાજ્યો સંભાળશે
ગુજરાત કોંગ્રેસના બે નેતાઓને એઆઈસીસીએ મહત્વની જવાબદારી આપવામાં આવી છે. ભરતસિંહ સોલંકીને જમ્મુ કાશ્મીરમાં પ્રભારી બનાવાયા છે, જ્યારે દિપક બાબરીયાને દિલ્હી અને હરીયાણાના સંગઠનની જવાબદારી સોંપાઇ છે.
Trending Photos
Gujarat Congress: લોકસભા ચૂંટણી પહેલાં કોંગ્રેસમાં નવાજૂનીના સંકેત જોવા મળી રહ્યા છે. આગામી વર્ષે યોજાનારી લોકસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસના સંગઠનમાં મોટો ફેરફાર કરવામાં આવ્યો છે. જી હા...ગુજરાત કોંગ્રેસના બે નેતાઓને એઆઈસીસીએ મહત્વની જવાબદારી આપવામાં આવી છે. ભરતસિંહ સોલંકીને જમ્મુ કાશ્મીરમાં પ્રભારી બનાવાયા છે, જ્યારે દિપક બાબરીયાને દિલ્હી અને હરીયાણાના સંગઠનની જવાબદારી સોંપાઇ છે. આ સિવાય દિપક બાબરીયાની એઆઇસીસીના મહામંત્રી તરીકે નિમણુંક કરવામાં આવી છે. એટલું જ નહીં, ગુજરાત કોંગ્રેસના સંગઠનની જવાબદારી મુકુલ વાસનીકને સોંપાઇ છે. મુકુલ વાસનીક ગુજરાત કોંગ્રેસના પ્રભારી બનાવવામાં આવ્યા છે.
કોણ છે મુકુલ વાસનિક
ગુજરાત કોંગ્રેસના પ્રભારી તરીકે રાજ્યસભાના સાંસદ મુકુલ વાસનિકની નિયુક્તિ કરવામાં આવી છે. મુકુલ વાસનિકની ગુજરાત કોંગ્રેસના પ્રભારી તરીકે નિમણૂંક થતા તેમના વિશે લોકો જાણવાના પ્રયત્નો કરી રહ્યા છે. 27 સપ્ટેમ્બર 1959ના રોજ મહારાષ્ટ્રના બૌદ્ધ પરિવારમાં જન્મેલા મુકુલ વાસનિકના પિતાનું નામ બાલકૃષ્ણ વાસનિક છે અને તેઓ માત્ર 28 વર્ષની ઉંમરે બુલઢાણાની સીટ પરથી લોકસભા ચૂંટણી લડીને સાંસદ બન્યાં હતાં. પિતાના પગલે ચાલીને મુકુલ વાસનિક પણ રાજનીતિમાં આવ્યા હતા અને પિતાની જ પરંપરાગત બેઠક પરથી ત્રણવાર સાંસદ તરીકે ચૂંટાયા હતા. તેમણે નાગપુર યુનિવર્સિટીમાંથી ઉચ્ચ શિક્ષણ લઈને એનએસયુઆઈ સાથે જોડાઈને રાજકીય કરિયર શરૂ કરી હતી. મુકુલ વાસનિક સૌથી નાની વયે સાંસદ બનનાર નેતા છે અને તેમણે પિતાનો રેકોર્ડ તોડીને માત્ર 25 વર્ષની ઉંમરે એ જ બુલઢાણા બેઠક પરથી સાંસદ બનવાનો રેકોર્ડ સ્થાપ્યો હતો. તેઓ કેન્દ્રની યુપીએ સરકારમાં સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રી પણ રહી ચૂક્યાં છે. વર્ષ 2009થી 2014 સુધી તેમણે મહારાષ્ટ્રની રામટેક બેઠકનું પ્રતિનિધિત્વ કર્યું હતું. તેઓ અખિલ ભારતીય કોંગ્રેસ કમિટીના મહાસચિવ પણ છે. વર્ષ 2022માં તેમને રાજ્યસભામાં મોકલવામાં આવ્યા હતા.
તમને જણાવી દઈએ કે ગત 21 ડિસેમ્બરે જ કોંગ્રેસ વર્કિંગ કમિટીની એક મોટી બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં 5 રાજ્યોના ચૂંટણી પરિણામોમાં હિન્દી બેલ્ટના ત્રણ રાજ્યોની હાર અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી અને આ હારની સમીક્ષા પણ કરવામાં આવી હતી. આ બેઠકમાં પાર્ટી અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, કોંગ્રેસ સંસદીય દળના અધ્યક્ષ સોનિયા ગાંધી અને વરિષ્ઠ નેતા રાહુલ ગાંધી અને અન્યોએ પણ ભાગ લીધો હતો. સૂત્રોના જણાવ્યા અનુસાર આ જ બેઠકમાં આગામી લોકસભા ચૂંટણી માટે શું રણનીતિ હશે તે અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી.
આ બેઠકમાં હાજર રહેલા સંસદીય દળના અધ્યક્ષ સોનિયા ગાંધીએ પણ વિધાનસભા ચૂંટણીના પરિણામોને અત્યંત નિરાશાજનક ગણાવ્યા હતા અને કહ્યું હતું કે, "કહેવું છે કે છત્તીસગઢ, મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં વિધાનસભા ચૂંટણીના પરિણામો અમારા માટે ખૂબ જ નિરાશાજનક રહ્યા છે. લોકસભાની ચૂંટણીઓ પણ આવવાની છે, ત્યારે કોંગ્રેસ અધ્યક્ષે નબળા પ્રદર્શનના કારણોને સમજવા અને જરૂરી બોધપાઠ લેવા માટે સમીક્ષા હાથ ધરી છે.
આ બેઠક બાદ શુક્રવારે કોંગ્રેસ સંગઠનમાં મહત્વનો ફેરફાર જોવા મળ્યો છે. કોંગ્રેસે સંગઠનમાં થયેલા ફેરફારો અને ફેરબદલને ઉજાગર કરતી પ્રેસ રીલીઝ બહાર પાડી છે અને કોને કઈ જવાબદારીઓ સોંપવામાં આવી છે તેની યાદી પણ બહાર પાડી છે.
લોકસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસના સંગઠનમાં મોટો ફેરફાર કરવામાં આવ્યો છે, ત્યારે પ્રિયંકા ગાંધી, જેઓ અત્યાર સુધી ઉત્તર પ્રદેશના પ્રભારી પદ પર હતા, તેમના સ્થાને અવિનાશ પાંડેની નિમણૂક કરવામાં આવી છે. હવે અવિનાશ પાંડે યુપીના પ્રભારી હશે. સચિન પાયલટને છત્તીસગઢમાં મોટી જવાબદારી સોંપવામાં આવી છે. સચિન પાયલટને છત્તીસગઢના પ્રભારી જનરલ સેક્રેટરી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે