ગુજરાત કોંગ્રેસના 15થી વધુ ધારાસભ્યો પાર્ટી છોડવા તૈયારઃ અલ્પેશ ઠાકોરનો દાવો

સોમવારે અલ્પેશ ઠાકોરે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ સાથે મુલાકાત કરી હતી, અલ્પેશની સાથે કોંગ્રેસના બાયડના ધારાસભ્ય ધવલસિંહ ઝાલા પણ હતા 

ગુજરાત કોંગ્રેસના 15થી વધુ ધારાસભ્યો પાર્ટી છોડવા તૈયારઃ અલ્પેશ ઠાકોરનો દાવો

અમદાવાદઃ કોંગ્રેસના પૂર્વ નેતા અને ગુજરાતના ઓબીસી નેતા અલ્પેશ ઠાકોરે મંગળવારે દાવો કર્યો છે કે, ગુજરાતમાં 15થી 20 જેટલા ધારાસભ્યો ટૂંક સમયમાં જ કોંગ્રેસ છોડવાના છે. સાથે જ અલ્પેશે દાવો કર્યો કે, કોંગ્રેસમાં અત્યારે નેતૃત્વનો અભાવ છે અને જો
તેમાં આવું જ ચાલતું રહ્યું તે હજુ આગામી 10 વર્ષ સુધી તે સત્તામાં આવી શકશે નહીં. 

સમાચાર એજન્સી ANI સાથેની વાતચીતમાં અલ્પેશ ઠાકોરે જણાવ્યું કે, "એ અમારો નિર્ણય હતો અને મારા અંતરાત્માનો અવાજ હતો કે હવે અમારે પાર્ટીમાં રહેવું જોઈએ નહીં. અમે લોકો માટે કામ કરવા માગીએ છીએ અને સરકારની મદદથી ગરીબોની મદદ કરવા
માગીએ છીએ. થોભો અને રાહ જૂઓ, હજુ કોંગ્રેસના 15થી વધુ ધારાસભ્યો પાર્ટી છોડવાના છે. તેઓ પાર્ટીમાં અત્યંત નિરાશા અનુભવી રહ્યા છે. પાર્ટીના અડધાથી વધુ ધારાસભ્યો હાલ મુંઝવણ અનુભવી રહ્યા છે."

વડાપ્રધાન નરેન્દ્ર મોદી અંગે વાત કરતા અલ્પેશ ઠાકોરે જણાવ્યું કે, "ગુજરાતમાં બધા જ લોકો વડાપ્રધાન મોદીનું સન્માન કરે છે અને હું પોતે તેમના લાગણીશીલ સ્વભાવથી પ્રેરિત છું."  અલ્પેશે રાહુલ ગાંધી અંગે જણાવ્યું કે, તેમની સાથે પણ મારા સારા સંબંધો
છે, પરંતુ નેતૃત્વની વાત આવે ત્યારે તે વડાપ્રધાન મોદીની સામે ટકી શકે એમ નથી. આ માટે તેમને મારા પ્રમાણપત્રની જરૂર નથી. 

ઉલ્લેખનીય છે કે, અલ્પેશ ઠાકોર સોમવારે રાજ્યના નાયબ મુખ્યમંત્રીને તેમની ઓફિસમાં મળ્યા હતા. ઠાકોરની સાથે કોંગ્રેસના બાયડના ધારાસભ્ય ધવલસિંહ ઝાલા પણ હતા. તેમની આ મુલાકાત પછી એવી અફવાઓએ જોર પકડ્યું હતું કે, અલ્પેશ ટૂંક સમયમાં જ
ભાજપમાં જોડાવા જઈ રહ્યો છે. 

— ANI (@ANI) May 28, 2019

અલ્પેશ ઠાકોરે કોંગ્રેસની ટિકિટ પર રાધનપુર બેઠક પરથી વિધાનસભા ચૂંટણી લડી હતી અને વિજય મેળવ્યો હતો, પરંતુ 2019ની લોકસભા ચૂંટણી પહેલા તેણે પાર્ટી છોડી દીધી હતી. પાટણ સંસદીય બેઠક પરથી કોંગ્રેસે લોકસભાની ટિકિટ ન આપતાં તેણે પાર્ટી છોડી
દેવાનો નિર્ણય લીધો હતો. કોંગ્રેસે અલ્પેશના બદલે ભૂતપૂર્વ સાંસદ જગદીશ ઠાકોરને ટિકિટ આપી હતી. 

જોકે, અલ્પેશે ભાર મુકીને જણાવ્યું કે, ભાજપમાં જોડાવાનું હાલ તેનું કોઈ આયોજન નથી. ભાજપના અનેક નેતાઓ તેના સંપર્કમાં છે. હું મારા મતવિસ્તાર માટે કામ કરવા માગું છું.

જૂઓ LIVE TV...

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news