Morbi: જામનગરના રાજા જામ રાવળ સાથે જોડાયેલો છે વાંકાનેર તાલુકામાં આવેલા સ્વયંભૂ શ્રી જડેશ્વર મહાદેવના મંદિરનો ઈતિહાસ

મોરબી જિલ્લાના ટંકારા તાલુકાના સજનપર ગામથી આશરે 3 કિમી દૂર જડેશ્વર મહાદેવ સ્વયંભૂ પ્રગટ થયા છે. તેનો ઇતિહાસ પણ કંઈક અલગ છે. જડેશ્વર મહાદેવના ઇતિહાસ સાથે જામનગરના રાજા જામ રાવળનો જન્મ ઐતિહાસિક રીતે સંકળાયેલો છે. 
 

Morbi: જામનગરના રાજા જામ રાવળ સાથે જોડાયેલો છે વાંકાનેર તાલુકામાં આવેલા સ્વયંભૂ શ્રી જડેશ્વર મહાદેવના મંદિરનો ઈતિહાસ

હિમાંશુ ભટ્ટ, મોરબીઃ મોરબી જિલ્લાના વાંકાનેર તાલુકામાં રતન ટેકરી ઉપર પાંચસો વર્ષ કરતા પણ વધુ જુનું સ્વયંભૂ શ્રી જડેશ્વર મહાદેવનું મંદિર આવેલ છે. તે મંદિરમાં જડેશ્વર દાદા સ્વયંભુ પ્રગટ થયા છે. જેથી જ્યોતિર્લિંગથી પણ વિશેષ મહત્વ આ મંદિરમાં બિરાજતા જડેશ્વર દાદાનું છે. તેમ શંકાને કોઈ સ્થાન નથી. જો કે હાલમાં કોરોનાની મહામારી હોવાથી મંદિરોમાં તમામ પ્રકારની તકેદારી રાખવામા આવી છે અને મંદિરમાં શિવ પૂજન, અર્ચન ચાલુ છે. જો કે, પ્રસાદ અને ભંડારા બંધ રાખવાના આવેલ છે અને ચોક્કસ સમયે મદિરમાં બિરાજતા સ્વયંભૂ શ્રી જડેશ્વર મહાદેવના દર્શન ભક્તો કરી શકે તેના માટેની વ્યવસ્થા મંદિરના ટ્રસ્ટીઓ દ્વારા કરવામાં આવી છે

મોરબી જિલ્લાના ટંકારા તાલુકાના સજનપર ગામથી આશરે 3 કિમી દૂર જડેશ્વર મહાદેવ સ્વયંભૂ પ્રગટ થયા છે. તેનો ઇતિહાસ પણ કંઈક અલગ છે. જડેશ્વર મહાદેવના ઇતિહાસ સાથે જામનગરના રાજા જામ રાવળનો જન્મ ઐતિહાસિક રીતે સંકળાયેલો છે. તેથી સ્વયંભૂ જડેશ્વરની ગાથા જાણવા માટે પ્રથમ જામરાવળ રાજાનો ઇતિહાસ જાણવો જરૂરી છે. ઇતિહાસમાં એવુ લખાયેલુ છે કે, જામનગરના રાજા જામ રાવળ પૂર્વ જન્મમાં તેવો અરણીટીમ્બા ગામમાં ભરવાડ હતા અને તે ગામમાં પરસોત્તમ સોની રહેતો હતો. જેની ગાયોને ભગવાન ભરવાડ ચરાવવા માટે લઇ જતો હતો જો કે, સોનીની એક ગાય પુસ્કળ દૂધ આપતી હતી. પરંતુ જે તે સમયે થોડા દિવસથી ગાય દૂધ જ આપતી ન્હોતી. જેથી ભરવાડ ગાયને દોહી લેતો હોવાનો આક્ષેપ થયો હતો માટે બીજા દિવસે ભરવાડ અને સોની ગાયનું દુધ ક્યા જાય છે. તે જોવા માટે ગાયની પાછળ જાય છે અને જોયું તો ગાય જેને હાલમાં રતન ટેકરી તરીકે લોકો જાણે છે તે ટેકરા પર ચડી ગઇ હતી અને તે ગાય એક ખાડા ઉપર ઉભી રહેતાની સાથે જ તેના આંચળમાંથી દૂધની ધારાઓ વહેવા લાગી હતી. ત્યારે વૃદ્ધ સોની સમજી ગયો કે અહીં ખાડામાં જરૂર કોઈ અદ્રશ્ય દેવ હોવા જોઈએ. જેથી આજુબાજુ સાફ કરતા મહાદેવનું બાણ દેખાયું હતુ.

જામ રાવળનો જન્મ કચ્છના કેરા ગામે રામનવમીના દિવસે થયો હતો. તેમને નાનપણથી જ કાયમ માથું દુખતું હતું. તેના માટે અનેક વૈધો તથા હકીમો પાસે ઈલાજ કરાવ્યા પરંતુ બધું નિરર્થક નિવડ્યુ હતુ. દરમિયાન સમય જતા રાવળ જામએ માતાજી આશાપુરા મંદિરમાં હરભમજી સાથે સુલેહ કર્યા બાદ તે સુલેહનો ભંગ કરીને હરભમજી અતિથી તરીકે બોલાવીને ચિક્કાર દારૂ પીવડાવ્યા બાદ તેની રાવળ જામએ હત્યા કરી હતી. જેથી આશાપુરા માતાજીએ તેમના સ્વપ્નામાં આવીને કહ્યુ હતુ કે તમે પ્રતિજ્ઞાભ્રષ્ટ થયા છો જેથી તમે કચ્છમાં સુખી થશો નહી માટે કચ્છ સહિતનો વિસ્તાર ખેંગારજીને સોંપીને તમે કાઠીયાવાડ તરફ જતા રહો. જેથી તેઓ ત્યાંથી માતાજીના આદેશ મુજબ કાઠીયાવાડમાં આવ્યા હતા અને રંગમતી તથા નાગમતીના કિનારે નવાનગર (જામનગર) વસાવીને ત્યાં રાજધાની બનાવી હતી. જો કે, તેમનો માથાનો દુઃખાવો કોઈ રીતે મટતો ન હતો ત્યારે કોઈ તેમને કહ્યુ હતુ કે વિદ્વાન બ્રહ્મણ પંજુ ભટ્ટજીને બોલાવીને તેમનું માર્ગદર્શન લેશો તો કોઈ રસ્તો નિકળશે.

દેવાધી દેવ મહાદેવ કૈલાસપતિ બાર જ્યોતિર્લિંગ સ્વરૂપે ભારતના પ્રત્યેક વિસ્તારમાં વર્ષોથી સાક્ષાત બિરાજમાન છે જો કે, આ બાર પૈકી પહેલું અને સર્વ શ્રેષ્ઠ જોયતિર્લિંગ સૌરાષ્ટ્રમાં સોમનાથ મહાદેવ છે અને જડેશ્વર મહાદેવ મંદિર રતન ટેકરી નામે જાણીતું હતું. ત્યારે વાંકાનેરના રાજવી પરિવારના સંબંધી વડોદરાના દિવાનને રક્તપિત્તનો રોગ હતો જે કોઇ રીતે મટતો ન હતો ત્યારે કોઇએ કહ્યુ કે,  જડેશ્વરની આસ્થાથી પુજા કરશો તો મટી જશે જેથી તેમણે હાલનું જડેશ્વરનું વિ.સં. ૧૮૬૯માં ભવ્ય શિવાલય બંધાવ્યું હતું. જેમ જેમ જડેશ્વર મહાદેવની જાણ થતી ગઈ તેમ તેમ ભક્તો આવવા લાગ્યા હતા. આ શિવાલય આજે ભવ્ય તિર્થસ્થાન બની ગયું છે. દરવર્ષે શ્રાવણ માસના બીજા સોમવારે જડેશ્વર મહાદેવનો પ્રાગટ્ય દિવસ હોવાથી પ્રાગોત્સવની ઉજવણી કરવામાં આવે છે. જો કે ચાલુ વર્ષે કોરોનાના લીધે તે ઉજવણી અને મેળાનું આયોજન રદ કરવામાં આવેલ છે.

વર્ષો પહેલા ગુજરાતમાં ગોજારો ભૂકંપ આવ્યો હતો ત્યારે સ્વયંભૂ જડેશ્વર મહાદેવ મંદિરમાં પણ નુકશાની થઇ હતી. જો કે, રાજકોટના દાતા જયંતિભાઇ કુંડલીયા તરફથી મંદિરના રીનોવેશન માટે તે સમયે એક કરોડ રૂપિયાનું દાન મળ્યુ હતુ. જેમાંથી મંદિરના શિખર ઉપર ગ્લેઝ ટાઇલ્સ, બ્રાહ્મણો માટે ૨૦ અને અન્ય પાંચ રૂમ, ભોજનાલય, ઓફિસ સહિતની સુવિધાઓ ઉભી કરવામાં આવી છે. આ ઉપરંત રાવળેશ્વર મહાદેવ મંદિર, ગાયત્રી મંદિર, હનુમાનજી મંદિર સહિતના મંદિરો પણ નવા બનાવવામાં આવ્યા હતા અને જડેશ્વર મહાદેવ મંદિરની બાજુમાં જ ગૌશાળા આવેલી છે આ ગૌશાળામાં હાલમાં ૨૦૦ જેટલી ગાયોનો નિભાવ કરવામાં આવી રહ્યો છે. અને ગૌશાળામાં ગૌવંશોનો નિભાવ કરવા માટે હાલમાં ગૌશાળા પાસે આવકોનો કોઇ સ્ત્રોત નથી. પરંતુ મંદિરે દર્શન કરવા માટે આવતા શિવભક્તો તરફથી મળતા દાનની રકમ તેમજ મંદિરની વાર્ષીક આવકમાંથી ગાયોનો નિભાવ કરવામાં આવી રહ્યો છે

દર વર્ષે શ્રાવણ મહિનામાં ગુજરાત અને દેશના અન્ય રાજ્યમાંથી ભૂદેવો દાદાની સેવ પૂજા કરવા માટે આવતા હોય છે.  જો કે આ વર્ષે રહેવા તેમજ જમવા માટેની કોઈ વ્યવસ્થા કોરોનાના લીધે રાખવામાં આવી નથી. જેથી કરીને ભૂદેવો તેમજ બહારથી આવતા શિવ ભક્તો અને દર્શનાર્થીઓની સંખ્યામાં ઘણો ઘટાડો થઇ ગયો છે. તો પણ કુદરતી સોંદર્યની વચ્ચે મોરબી જીલ્લામાં રતન ટેકરી ઉપર આવેલ જડેશ્વર મહાદેવ મંદિરે શ્રાવણ મહિના દરમ્યાન લોકો શિવાજીના દર્શનની સાથોસાથ કુદરતી સોંદર્યનો લાભ લેવા માટે આવે છે. ત્યારે કોઈને કોરોનાનું સંક્રમણ ન લાગે તેના માટેની તકેદારી મંદિરના સંચાલકો દ્વારા રાખવામાં આવી રહી છે અને ખાસ કરીને બાળકો તેમજ વૃધ્ધોને મહાદેવના દર્શન કરવા માટે મંદિરે લઈને ન આવવા માટે મંદિરના સંચાલકોએ અનુરોધ કર્યો છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news