મોતના માતમના જવાબદાર કોણ? જાણો માત્ર 17 રૂપિયાની લાલચમાં કોણે વેચી મોતની ટિકિટ

Morbi Bridge Collapse/ZEE24કલાક પૂછે છે સવાલ: મોતના માતમ માટે જવાબદાર કોણ? સવાલ એ થાય કે શું કુદરતે આ રીતે જ આ લોકોનું મોત લખ્યું હશે? નાના-નાના ભુલકાઓથી ઉંમરલાયક વડીલો, કોઈનો યુવાન દિકરો-દિકરી તો કોઈના માતા-પિતા, કોઈના પરિવારનો સભ્ય તો કોઈની તો આખી દુનિયા જ આ ઘટનામાં લૂંટાઈ ગઈ.

મોતના માતમના જવાબદાર કોણ? જાણો માત્ર 17 રૂપિયાની લાલચમાં કોણે વેચી મોતની ટિકિટ

ઝી બ્યૂરો, અમદાવાદઃ બાળકો માટે 12 રૂપિયા અને મોટો માટે 17 રૂપિયા. આ છે ટિકિટનો ભાવ. આ ટિકિટ હતી મોરબીના ઐતિહાસિક ગણાતા ઝૂલતા પુલની મુલાકાતની. પણ કોને ખબર હતી કે મેન્ટેન્સ કંપનીની પૈસા કમાવવાની લ્હાય અને બેદરકારીના કારણે આ ટિકિટ લોકોને સીધા મોતના દ્વારે લઈ જશે. લોકો હોંશે હોંશે ઝૂલતા પુલ પર આવ્યાં અને અચાનક પુલ તૂટી પડતા નદીમાં ડૂબવાથી 140 કરતા વધારે લોકોના મોત નિપજ્યાં. ત્યારે ઝી 24 કલાક પૂછે છે સવાલ કે આખરે આ હોનારત પાછળ જવાબદાર કોણ? ઝી24કલાક પુછે છે સવાલ કે,,,,આ જવાબદારોને નિર્દોષોના મોત બદલ સજા થશે કે કેમ? આ પ્રશ્નનો જવાબ માત્ર મોરબી જ નહી પણ સમગ્ર ગુજરાતની જનતા પુછી રહી છે. હાલ તો અહીં નિર્દોષોના મોત પર રાજનિતિ તેજ બની છે.

વિવિધ રાજકીય પક્ષોના નેતાઓ હોસ્પિટલો અને પીડિત પરિવારોની મુલાકાત તો લઈ રહ્યાં છે પણ સવાલ એ થાય છેકે, જવાબદારો સામે પગલાં ક્યારે લેવાશે? સવાલ એ થાય કે શું કુદરતે આ રીતે જ આ લોકોનું મોત લખ્યું હશે? નાના-નાના ભુલકાઓથી ઉંમરલાયક વડીલો, કોઈનો યુવાન દિકરો-દિકરી તો કોઈના માતા-પિતા, કોઈના પરિવારનો સભ્ય તો કોઈની તો આખી દુનિયા જ આ ઘટનામાં લૂંટાઈ ગઈ. પણ સવાલ એ છેકે, આ કોઈ કુદરતી આપદા નથી. આતો માનવ સર્જિત મુસીબત છે. અને લાલચી માણસોની પૈસા કમાવવાની લાલચને કારણે અનેક લોકો મોતને ભેટ્યાં છે. સૌથી મોટો સવાલ એ છેકે, આટલી મોટી ઘટના બાદ આ પુલનું મેઈન્ટેનન્સ સંભાળતી કંપનીનો સંચાલક ક્યાં છે? જેણે માત્ર 12-15 રૂપિયાની ટિકિટોના બદલામાં સંખ્યાબંધ લોકોને મોતની ભેટ આપી તે માનવવધ કરનાર સંચાલક કયાં છે? આ ઘટના બાદ ક્યાં ખોવાઈ ગયા ઓરેવા કંપનીના એમ.ડી. જયસુખ પટેલ?

કઈ કંપનીના ખિસ્સામાં જતા હતા ટિકિટોના પૈસા?
તંત્ર દ્વારા ઐતિહાસિક ઝૂલતા પુલની મરંમત માટે પ્રાઈવેટ કંપનીને કામ સોંપવામાં આવ્યું હતું. મોરબી ઝુલતા પુલની હોનારત માટે પ્રાથમિક તબક્કે બ્રિજના સંચાલક ઓરેવા કંપનીને જવાબદાર ગણવામાં આવે છે. કારણ કે ઓરેવા કંપનીએ કોઇપણ જાતની મંજુરી વગર જનતા માટે બ્રિજને ખુલ્લો મુક્યો હોવાનું સામે આવ્યુ છે. 

બ્રિજનું મેઈન્ટેનન્સ સંભાળતી કંપનીઃ
આ ઓરેવા કંપની એટલે કે સમગ્ર વિશ્વમાં ઘડિયાળ માટે જાણીતી મુળ અજંતા ગૃપની જ કંપની છે. ઘડીયાળના કાંટા કટ કટ કરતાં બદલતાં ગયા તેમ અજંતા ગૃપએ પણ સમય સાથે પોતાના વ્યવસાયમાં ઉમેરો થયો.પહેલા ઘડિયાળ પછી સ્ટાઇલ્સ અને હવે ઝુલતા બ્રિજ સુધીની કામગીરીમાં પોતાનો હાથ અજમાવ્યો. જો કે ઓરેવા કંપની આજે ભારે બેજવાબદારી રીતે નિર્દોષ નાગરિકોના મોતનું કારણ બન્યુ. કંપનીને  કરોડોના ખર્ચે ઝુલતા પુલનું કામ સોંપવામાં આવ્યુ. સાત માસ પુલને બંધ રાખવામાં આવ્યો. આ ઝુલતા પુલનું કામ પૂર્ણ થયા બાદ બ્રિજની ક્ષમતા સહિતની મંજુરી લેવાની હોય છે પણ ઓરેવાના એમ.ડી.જયેશ પટેલની રાજકીય વગ ને કારણે કોઇપણ મંજુરી વગર બિંદાસ્ત બ્રિજનો પ્રારંભ કરી દેવામાં આવ્યો. 

પોલીસ ફરિયાદમાં કેમ નથી કોઈના નામનો ઉલ્લેખ?
બ્રિજ માટે નાના બાળકો માટે રુપિયા 12 અને પુપ્તવય માટે રુપિયા 17 લેવાની લ્હાયમાં જ આ ધટના બની હોવાની ચર્ચાએ જોર પકડ્યુ છે. કરોડો રુપિયાની આ કંપનીએ આખરે થોડા રુપિયા માટે જ 142 થી વધુના મોતનું કારણ બન્યું. ગુજરાત સરકારે અત્યારે આ સમગ્ર કેસની તપાસ માટે ઉચ્ચસ્તીય તપાસ કમિટી બનાવી છે. સાથે પોલીસ ફરિયાદ પણ દાખલ કરી છે. જો કે પોલીસ ફરિયાદમાં કોઇ જગ્યાએ કોઇ વ્યક્તિના નામનો ઉલ્લેખ જ કરવામાં આવ્યો નથી. આટલી મોટી ઘટના માટે સીધી રીતે કંપની જ જવાબદાર હોવા છતાં કોઇના નામનો ઉલ્લેખ કેમ નથી કરવામાં આવ્યો એ એક મોટો સવાલ.

9 લોકોની અટકાયત:
મોરબી ઝૂલતા બ્રિજ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 9 લોકોની અટકાયત થઈ છે. બ્રિજના પ્રબંધક, મેઈન્ટનેન્સ સંભાળનારા લોકોની અટકાયત થઈ છે. જિલ્લા પોલીસની ટીમની સંયુક્ત કામગીરી કરવામાં આવી છે. બ્રિજ 35 વર્ષ માટે ભાડાથી લિઝ પર અપાયો હોવાનું સામે આવ્યું છે. અત્રે જણાવવાનું કે રવિવારે મોરબીમાં 400થી વધારે લોકો ઝૂલતા પુલ પરથી નદીમાં પટકાયા. 7 મહિના પુલનું કામ ચાલ્યું હતું અને 5 દિવસમાં જ પુલ તૂટી ગયો. 60 ફૂટ ઉંચો પૂલ 2 કરોડના ખર્ચે  બનાવાયો હતો. ઓરેવા ટ્રસ્ટે આ ઝૂલતા પૂલનું સમારાકમ કર્યું હતું. 15 વર્ષની ગેરંટી પણ આપવામાં આવી હતી. પણ પૂલ તો 5 દિવસમાં જ તૂટી પડ્યો.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news