મોરબીના રોડ પર ગોળ-ગોળ ચકરાવા લઈને બાઈક સ્ટંટ કરતો યુવકનો વીડિયો વાયરલ, થઈ ધરપકડ

મોરબીના રોડ પર ગોળ-ગોળ ચકરાવા લઈને બાઈક સ્ટંટ કરતો યુવકનો વીડિયો વાયરલ, થઈ ધરપકડ
  • મોરબી પોલીસે આ યુવકને શોધવા માટે તપાસ તેજ કરી હતી. જેમાં ધનરાજસિંહ મકવાણા નામના યુવકની ધરપકડ કરી
  • ધનરાજસિંહ મકવાણા નામનો યુવક પોતાના બાઈક સ્ટંટનો વીડિયો બનાવીને સોશિયલ મીડિયા પર મૂકતો હતો

હેમલ ભટ્ટ/મોરબી :ગુજરાતમાં જોખમી બાઈક સ્ટંટ કરનારા બેફામ બન્યા છે. ગુજરાતના ટ્રાફિકથી ભર્યા રહેતા રસ્તાઓ હવે આ સ્ટંટબાજોને રેસિંગ મેદાન જેવા લાગી રહ્યા છે. જેના પર સ્ટંટ કરીને તેઓ પોતાનો જીવ તો જોખમે મૂકે છે, પરંતુ સાથે જ બીજાનો જીવ પણ જોખમમાં મૂકી રહ્યા છે. સુરતમા બાઈક સ્ટંટ કરનારી યુવતી પર કાર્યવાહી કરાયા બાદ હવે મોરબીના યુવકનો વીડિયો સામે આવ્યો છે. જે અત્યંત ચોંકાવનારો છે. મોરબીમાં શનાળા અને નવલખી રોડ ઉપર એક યુવકના બાઈક સ્ટંટનો વીડિયો વાયરલ થયો છે. શહેરમાં જુદાજુદા રોડ પર બાઇક અને એક્ટિવા લઈને યુવાનો સ્ટંટ કરતા હોય તેવા વીડિયો તમને ડરાવી દે તેવા છે. લોકોના જીવ જોખમમાં મુકાય તેવા સ્ટંટ કરનારા શખ્સોની સામે આકરા પગલા લેવાય તેવી મોરબીવાસીઓમાં માંગ ઉઠી હતી. ત્યારે સ્ટંટબાજ યુવક ધનરાજસિંહ મકવાણા નામના યુવકની ધરપકડ કરવામાં આવી છે. 

મોરબીના સોશિયલ  મીડિયામા અચાનક બાઈક સ્ટંટ કરતા યુવકનો વીડિયો વાયરલ થયો હતો. આ યુવક મોરબીમાં શનાળા અને નવલખી રોડ ઉપર જોખમી સ્ટંટ કરીને અન્ય લોકોના જીવ જોખમે મૂકી રહેતો દેખાયો હતો. જેને કારણે રસ્તા પર અન્ય વાહનો અટવાયા હતા. વીડિયોમાં જોઈ શકાય છે કે, યુવક પોતાનું બાઇક સ્ટાર્ટ કરીને જોખમી રીતે ગોળ ચક્કર લગાવે છે. આ દરમિયાન રસ્તા પરથી પસાર થતી રીક્ષા અને એસટી બસ સહિતનાં વાહનો બ્રેક લગાવીને ઊભાં રહી જાય છે. યુવાનના આ સ્ટંટ રોડ ઉપર ક્ષણભર સુધી લોકો થંભી જાય છે અને ટ્રાફિકજામનાં દૃશ્યો સર્જાયેલાં જોવા મળે છે. ત્યારે મોરબી પોલીસે આ યુવકને શોધવા માટે તપાસ તેજ કરી હતી. જેમાં પોલીસે ધનરાજસિંહ મકવાણા નામના યુવકની ધરપકડ કરી છે. પોલીસે ગણતરીના કલાકોમાં તેને પકડી પાડ્યો હતો. 

આ કેસમાં પોલીસ પોતે ફરિયાદી બની છે. પોલીસ તપાસમાં સામે આવ્યુ કે, મોરબીનો ધનરાજસિંહ મકવાણા નામનો યુવક પોતાના બાઈક સ્ટંટનો વીડિયો બનાવીને સોશિયલ મીડિયા પર મૂકતો હતો. ધનરાજ મકવાણા પોતાનું ગેરેજ ચલાવે છે અને બાઈક સ્ટંટમાટે પોતાની બાઈકનો ઉપયોગ કર્યો હતો. જોકે, બાદમાં તેણે પોતાની બાઈક વેચી નાંખી હતી તેવી માહિતી પણ મળી છે. પોલીસે હાલ આ બાઈક કબજે કરી છે. 

ધનરાજે stunty5222 નામથી ઈન્સ્ટાગ્રામ પર એક એકાઉન્ટ બનાવ્યું છે. જેમાં તેણે પોતાના સ્ટંટ કરતા વીડિયો મૂક્યા છે. આ વીડિયોમા જોઈ શકાય છે કે, તે કેટલા જોખમી રીતે સ્ટંટ કરી રહ્યો છે.  

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news