Halvad Wall Collapsed: હળવદમાં મોતનું તાંડવ, કારખાનામાં દીવાલ તૂટી પડતા 12ના દર્દનાક મોત, મૃત્યુઆંક વધી શકે છે

મોરબીના હળવદમાં મોટી દુર્ઘટના ઘટી છે. સાગર સોલ્ટ નામના કારખાનામાં દીવાલ તૂટી પડતા 30થી વધુ લોકો દટાઈ ગયા. આ દુર્ઘટનામાં 12 લોકોના દર્દનાક મોત નિપજ્યા હોવાનું જાણવા મળ્યું છે.

Halvad Wall Collapsed: હળવદમાં મોતનું તાંડવ, કારખાનામાં દીવાલ તૂટી પડતા 12ના દર્દનાક મોત, મૃત્યુઆંક વધી શકે છે

હિમાંશુ ભટ્ટ, મોરબી: મોરબીના હળવદમાં મોટી દુર્ઘટના ઘટી છે. સાગર સોલ્ટ નામના કારખાનામાં દીવાલ તૂટી પડતા 30થી વધુ લોકો દટાઈ ગયા. આ દુર્ઘટનામાં 12 લોકોના દર્દનાક મોત નિપજ્યા હોવાનું જાણવા મળ્યું છે. 12  જેટલા મૃતદેહો હળવદ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. પોલીસ અને સંબંધિત વિભાગની ટીમો હળવદ જીઆઈડીસીમાં પહોંચી ગઈ છે. આ દુર્ઘટના પર પીએમ મોદીએ પણ શોક વ્યક્ત કર્યો છે. તથા ઘાયલોના જલદી સાજા થવાની કામના કરી છે. સીએમ ભૂપેન્દ્ર પટેલ હળવદ ખાતે ઘટનાસ્થળની મુલાકાત લેશે. 

વળતરની જાહેરાત
દુર્ઘટનામાં જીવ ગુમાવનાર દરેક શ્રમિકના વારસદારને મુખ્યમંત્રી રાહત નિધિમાંથી 4 લાખની સહાય આપવાની જાહેરાત કરવામાં આવી છે. જ્યારે પીએમઓ દ્વારા કરાયેલી જાહેરાત મુજબ મૃતકના વારસદારને 2 લાખ રૂપિયા અને પ્રત્યેક ઈજાગ્રસ્તને 50,000 રૂપિયાની સહાય કરવામાં આવશે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે મોરબી જિલ્લાના હળવદની જી.આઇ.ડી.સી માં દિવાલ ધસી પડવાની દુર્ઘટનાને કારણે જાન ગુમાવનારા શ્રમિકો પ્રત્યે હ્વદયપૂર્વકની સંવેદના વ્યક્ત કરી છે. મુખ્યમંત્રીશ્રીએ મૃતક શ્રમિકોના આત્માની શાંતિ માટે પ્રભૂ પ્રાર્થના પણ કરી છે. મુખ્યમંત્રીશ્રીને આ ઘટનાની જાણકારી મળતાં જ તેમણે મોરબી જિલ્લા કલેકટર અને તંત્રવાહકોને તાત્કાલિક બચાવ-રાહત કામગીરી માટે સૂચનાઓ આપી હતી. 

— PMO India (@PMOIndia) May 18, 2022

મળતી માહિતી મુજબ હળવદની જીઆઈડીસીમાં સાગર સોલ્ટ નામનું કારખાનું આવેલું છે. આજે અચાનક ધડાકાભેર કારખાનાની એક દીવાલ તૂટી પડી. દીવાલના કાટમાળ નીચે 30થી વધુ લોકો દટાઈ ગયા. તેમને બચાવવા માટે સ્થાનિકોએ તરત જ બચાવ કામગીરી શરૂ કરી દીધી હતી. અત્યાર સુધીમાં 12 શ્રમિકોના મૃતદેહો કાટમાળમાંથી બહાર કાઢ્યા હોવાની માહિતી મળી છે. અનેક લોકો હજુ પણ  દટાયેલા હોવાથી મૃત્યુઆંક વધવાની શક્યતા પણ નકારી શકાય નહીં. હાલ કાટમાળ નીચે દટાયેલા લોકોને બહાર કાઢવા માટેની બચાવ કામગીરી ચાલુ છે. આ ઘટના બપોરે 12 વાગ્યાની આસપાસ ઘટી હોવાનું કહેવાય છે. 

— CMO Gujarat (@CMOGuj) May 18, 2022

અચાનક કયા કારણસર આ મીઠાના કારખાનાની આ દીવાલ તૂટી પડી તે જાણવામાં મળ્યું નથી. ઘટનાની જાણ થયા બાદ સ્થાનિક ધારાસભ્ય પરસોત્તમ સાબરિયા પણ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. સ્થાનિક લોકોનું એવું પણ કહેવું છે કે દીવાલ તૂટી પડ્યા બાદ કાટમાળ નીચે દટાયેલા લોકોને બહાર કાઢવામાં વાર લાગી જેને કારણે મૃત્યુઆંક વધ્યો.

વધુ વિગતો માટે જુઓ Video

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news