મોરારી બાપુએ હનુમાનજીને દલિત ગણાવવા મુદ્દે યોગીની ઝાટકણી કાઢી

મોરારી બાપુએ કહ્યું અંગત કે પાર્ટીનાં સ્વાર્થ માટે આ પ્રકારની ટીપ્પણીઓને ટાળવી જોઇએ, અમે જોડવાનો પ્રયાસ કરી રહ્યા છીએ ત્યારે તમે તોડવાનો પ્રયાસ કરી રહ્યા છો

મોરારી બાપુએ હનુમાનજીને દલિત ગણાવવા મુદ્દે યોગીની ઝાટકણી કાઢી

અમદાવાદ : સુપ્રસિદ્ધ રામકથાકાર મોરારી બાપુ અનેક વખત રાજકીય ટીપ્પણીઓ પણ કરતા હોય છે. હાલમાં જ તેમણે હનુમાનજીને દલિત ગણાવનાર યોગી આદિત્યનાથની ઝાટકણી કાઢી હતી. બિહારના સિમરીયા ખાતે ચાલી રહેલી રામકથા દરમિયાન મોરારી બાપુએ કહ્યું કે, આ પ્રકારનાં નિવેદનોનાં કારણે દેશને ખુબ જ નુકસાન થઇ રહ્યું છે. આ પ્રકારનાં નિવેદનોથી તમામ લોકોએ બચવું જોઇએ. અત્રે ઉલ્લેખનીય છે કે, રાજસ્થાનનાં અલવરમાં એક ચૂંટણી સભા દરમિયાન યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે હનુમાનજીને દલિત ગણાવ્યા હતા. યોગીએ કહ્યું હતુ કે, બજરંગબલી લોકદેવતા છે જે પોતે વનવાસી છે, નિર્વાસી છે. દલિત છે, વંચિતત છે.

યોગીના આ નિવેદન પરત્વે રોષ ઠાલવતા બાપુએ કહ્યું કે, ધર્મક્ષેત્ર, કુરુક્ષેત્ર એમ સૌ હનુમાનની જાતિ શોધવા માટે નિકળી પડ્યા છે. પરંતુ હનુમાનજી તો પવન છે, વાયુ છે. તેઓ સૌનાં છે. મોરારી બાપુનાં નિવેદનને સોશિયલ મીડિયામાં પણ મોટા પ્રમાણમાં આવકાર મળી રહ્યો છે. તેમની આ ક્લિક હાલ સોશિયલ મીડિયા પર વાઇરલ થઇ રહી છે. 

મોરારી બાપુની આકરી ટીપ્પણી
મોરારી બાપુએ હનુમાનજી અંગેના નિવેદન પર જણાવ્યું કે, બંધ કરો તમારા નિહિત સ્વાર્થ માટે ગમે તેવા નિવેદનો આપવાનું બંધ કરો... તેનાથી હિન્દુસ્તાનને નુકસાન પહોંચી રહ્યું છે. અમે જોડવાનું કામ કરી રહ્યા છીએ, ત્યારે તમે તોડવા મચી પડ્યા છો... સુધરી જાઓ.. ધર્મક્ષેત્ર, કુરૂક્ષેત્ર બધે જ હનુમાનની જાતિ શોધવા માટે નિકળી પડ્યા છો... બંધ કરો આ બધું.. હનુમાન તો પવન છે, વાયુ છે, હનુમાન સૌનાં છે કોણ કહે છે નહી? હનુમાન તો પ્રાણ છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news