ગુજરાતમાં અનોખું પુસ્તકાલય; મોટી સંખ્યામાં બાળકો અને યુવાનો ખોવાઈ જાય છે આ દુનિયામાં!

નવસારીના ગણદેવીની અંબિકા નદીના કિનારે વસેલા દેવધા ગામમાં ડૉ. જય વશીએ સ્વર્ગીય દાદાની યાદમાં શરૂ કરેલ પ્રાકૃતિક પુસ્તકાલય મોહન વાંચન કૂટીર કુદરતના ખોળે બેસીને જ્ઞાન અર્જિત કરવાનું ઉત્તમ માધ્યમ બન્યુ છે. એક વર્ષમાં જ દેવાધાનું પ્રાકૃતિક પુસ્તકાલય આસપાસના ગામડાઓ સહિત દક્ષિણ ગુજરાતમાં નામના મેળવી ચુક્યુ છે. 

ગુજરાતમાં અનોખું પુસ્તકાલય; મોટી સંખ્યામાં બાળકો અને યુવાનો ખોવાઈ જાય છે આ દુનિયામાં!

ધવલ પરીખ/નવસારી: કાળઝાળ ગરમીમાં જ્યાં લોકો ઘરની બહાર નીકળવાનું ટાળે છે. ત્યાં નવસારીના નંદનવન ગણાતા ગણદેવીના દેવધા ગામના પ્રાકૃતિક પુસ્તકાલય એવા મોહન વાંચન કૂટીરમાં બાળકોથી લઇ વૃદ્ધો કલાકો બેસીને વાંચન કરે છે. સાથે જ સાહિત્ય, કળા, સંગીત જેવા શોખને પણ કેળવવાનો પ્રયાસ કરે છે. વેકેશનના દિવસોમાં પણ અહીં મોટી સંખ્યામાં બાળકો અને યુવાનો પુસ્તકોની દુનિયામાં ખોવાઈ જાય છે.

નવસારીના ગણદેવીની અંબિકા નદીના કિનારે વસેલા દેવધા ગામમાં ડૉ. જય વશીએ સ્વર્ગીય દાદાની યાદમાં શરૂ કરેલ પ્રાકૃતિક પુસ્તકાલય મોહન વાંચન કૂટીર કુદરતના ખોળે બેસીને જ્ઞાન અર્જિત કરવાનું ઉત્તમ માધ્યમ બન્યુ છે. એક વર્ષમાં જ દેવાધાનું પ્રાકૃતિક પુસ્તકાલય આસપાસના ગામડાઓ સહિત દક્ષિણ ગુજરાતમાં નામના મેળવી ચુક્યુ છે. ઉનાળાની કાળઝાળ ગરમીમાં બાળકો અને યુવાનો ઘરની બહાર નીકળવાનું ટાળે છે અને ઘરમાં બેસીને ટીવી, મોબાઈલ ઉપર સમય વિતાવતા હોય છે. પરંતુ દેવધાના પ્રાકૃતિક પુસ્તકાલયમાં 5 થી 10 કિમી દૂરથી પણ બાળકો અને યુવાનો બપોરના સમયે પણ આવીને પુસ્તકો સાથે સમય વિતાવે છે. 

સાડા ત્રણ હજારથી વધુ પુસ્તકો ધરવતા આ પુસ્તકાલયમાં નાના બાળકોથી લઇ યુવાનો અને હવે તો વૃદ્ધો પણ કલાકો સુધી વાંચનમાં તરબોળ થાય છે. પોતાના અભ્યાસક્રમના પુસ્તકો સાથે ઇતર પુસ્તકો વાંચીને પોતાના જ્ઞાનમાં વધારો કરી એને જીવનમાં પણ ઉતારી રહ્યા છે. વાંચન સાથે જ શોખને પ્રોત્સાહિત કરવા બનાવેલા ક્રિએટીવ કોર્નરમાં ચિત્રકામ, મહેંદી, સંગીતની પ્રેક્ટીસ તો સાહિત્ય અંતર્ગત કાવ્યપઠન, વાર્તા, વિચાર ગોષ્ઠી જેવી પ્રવૃત્તિઓ પણ થાય છે. મનને શાંત કરવા ધ્યાન કૂટીર અને યુવાઓને નોકરી શોધવા માટે મદદરૂપ થવા રોજગાર કૂટીર બનાવાઇ છે. કુદરતી વાતાવરણ વચ્ચે ઠંડા પવનો અને પંખીઓના કલરવ વચ્ચે વાંચનની મજા બાળકો, યુવાનોને આકર્ષે છે. 

મોહન વાંચન કુટીરમાં પુસ્તકો વાંચવાની મજા આવે એનું ધ્યાન રાખવામાં આવ્યું છે. જેમાં શહેરોની આધુનિક સુવિધાથી સજ્જ લાયબ્રેરીથી હટકે આ પ્રાકૃતિક લાયબ્રેરીમાં જમીન ઉપર વૃક્ષની છાયા નીચે શણના કોથળા પાથરીને પુસ્તક વાંચન, ખાટલા, ગાયના છાણની લીપણ વાળી બેઠક સાથે જ કુદરતી ઠંડા પવનો, પક્ષીઓના મધુર કલરવ વચ્ચે બાળકો, યુવાનો તેમજ અન્યો પોતાના ગમતા પુસ્તકને મનભરીને વાંચી શકે એવી વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. જેની સાથે વાચકો માટે વિનામૂલ્યે છાસ, ચા અને ઠંડાપીણાની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. શાળા કોલેજો તો વિદ્યાર્થીઓને 1 ડે પીકનીક પર લઈને આવે છે. વિદ્યાર્થીઓ વાંચન કરે છે. ઇતર પ્રવૃત્તિ સાથે જ ડબ્બા પાર્ટી કરીને મજા પણ માણે છે. ત્યારે ગણદેવી પંથકના લોકોમાં વાંચન શોખ જગાડવા શરૂ કરેલ પુસ્તકાલય પ્રવાસનનું પણ માધ્યમ બની રહ્યુ છે. 

ડિજીટલ યુગમાં લોકો, ખાસ કરીને બાળકો પુસ્તકોથી દૂર થતા હોય, ત્યારે મોબાઈલના વળગણને કાઢવા નવસારીના નાના અમથા દેવધા ગામમાં શરૂ થયેલ મોહન વાંચન કુટીર બાળકો અને યુવાનોમાં લોકપ્રિય થઇ રહ્યુ છે. ત્યારે આ પ્રાકૃતિક પુસ્તકાલય ભારતમાં પૌરાણિક કાળમાં પ્રકૃતિના ખોળે ચાલતા ગુરૂકુળની યાદ અપાવી જાય છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news