ખેડા નગરપાલિકાએ 3 વર્ષથી ન ભર્યું વીજ બિલ, MGVCL એ કાપી નાંખ્યુ કનેક્શન
MGVCL Cut electricity Connection Of Kheda Nagarpalika : મહેમદાવાદ અને ખેડાની સ્ટ્રીટ લાઈટોનું વીજ કનેકશન કાપી નાખ્યું... 3 વર્ષ ઉપરાંતથી બિલ નહીં ભરતા MGVCLએ કનેકશન કાપી નાખ્યું... MGVCLએ અનેક નોટિસ આપી છતાં બિલ ન ભરતા કનેકશન કપાયું
Trending Photos
Kheda Nagarpalika નચિકેત મહેતા/ખેડા : મહેમદાવાદ અને ખેડા નગર પાલિકાએ ત્રણ વર્ષ ઉપરાંતથી MGVCL નું વીજ બિલ નહી ભરતા વીજ કંપનીએ શહેરની સ્ટ્રીટ લાઈટોના વીજ કનેક્શન કાપી નાંખ્યા છે. જેને કારણે હવે ખેડામાં સાંજ પડતા જ અંધારપટ છવાઈ જાય છે. સાંજ પડતા જ ખેડામાં લોકોને બહાર નીકળવું મુશ્કેલ બની જાય છે, કારણ કે સ્ટ્રીટ લાઈટ બંધ કરી દેવામાં આવી છે.
MGVCL દ્વારા વારંવાર નોટિસ આપવા છતાં પાલિકા દ્વારા વીજબીલ નહીં ભરતા MGVCL દ્વારા શહેરમાં મુખ્ય રસ્તા પરના સ્ટ્રીટ લાઈટોના કનેક્શન કાપી નાંખવામાં આવી છે. જેના કારણે સાંજ બાદ અંધારપટ છવાયો હતો. સ્ટ્રીટલાઇટનું જોડાણ કપાતા 1 લાખ લોકોને અંધારપટ ભોગવવાનો વારો આવ્યો હતો. નગરપાલિકાનું લાઈટ કનેકશન કપાઈ જવા જેવી જવલ્લેજ બનતી ઘટના ખેડા જિલ્લાની મહેમદાવાદ નગરપાલિકામાં બની છે. પાલિકા છેલ્લા 2020 થી લાઈટ બીલ ભરવામાં અનિયમિત હતી. જેના કારણે નગરપાલિકા કચેરી, પાણીના બોર અને સ્ટ્રીટ લાઈટો મળી MGVCLનું કુલ રૂ.3.48 કરોડ બિલ ચડી ગયું હતું. થોડા સમય અગાઉ સ્ટ્રીટ લાઈટનું અંદાજીત રૂ.8 લાખ જેટલું બીલ પાલિકા દ્વારા ભરવામાં આવ્યું હતુ. પરંતુ શહેરમાં આવેલ પાણીના બોર સહિત 29 મિલકતોનું રૂ.3.48 કરોડ લાઇટ બિલ ચઢી ગયું હતું.
પાણીના બોર આવશ્યક સેવામાં આવતા હોઈ MGVCL દ્વારા બોરના બદલે સ્ટ્રીટ લાઈટોના કનેક્શન કાપી નાંખ્યા હતા. મહત્વની વાત છે કે નગરપાલિકા દ્વારા શહેરીજનો પાસેથી ટેક્સ ઉઘરાવી નગરજનોને સેવાઓ આપવામાં આવતી હોય છે. પરંતુ ટેક્સમાંથી થતી આવકનો યોગ્ય પ્લાનિંગથી ઉપયોગ નહી થતા નગરજનોને અંધારપટ ભોગવવાનો વારો આવ્યો.
આ પણ વાંચો :
MGVCL ના ડીઈ નિખિલ ધનાલીયાએ જણાવ્યું કે, જો લાઈટ બિલ નહિ ભરે તો વોટર વર્કસનું કનેશ્કન પણ કાપી નાખવામાં આવશે. જો આ પ્રકારે કરવામાં આવશે તો મહેમદાવાદની જનતાને પાણી વગર રઝળવાનો વારો આવશે.
ઉલ્લેખનીય છે કે, ગુજરાતની અનેક પાલિકાઓના પાણી અને વીજળી બીલનું બાકી લ્હેણું રૂપિયા ૧,૧૬૦ કરોડે પહોંચ્યુ છે. જો, ગુજરાત સરકાર દ્વારા પાલિકાઓને ચૂકવાતી સહાય બંધ કરી દેવાય તો આ સંસ્થાઓની આર્થિક સ્થિતિ વધુ વણસી જશે. થોડા દિવસ પહેલાં જસદણ પાલિકાનું વીજકંપનીએ કનેક્શન કાપી નાખતાં સત્તાધીશો દોડતા થઈ ગયા હતા. જેઓએ માંડ માંડ કનેક્શન રિસ્ટોર કરાવી લાઈટ ચાલુ કરાવી હતી. પાલિકા સત્તાધિશો વેરાઓની ઉઘરાણી ન કરી શકતા આ બોજ સરકાર પર પણ વધી રહ્યો છે. પાણી પુરવઠા અને વીજકંપનીઓના તોતિંગ બિલો પાલિકા પર ચડી રહ્યાં છે. 157માંથી ઘણી નગર પાલિકાઓ આ બિલો ચૂકવવામાં અસમર્થ છે કારણ કે એમની વસૂલાત ઓછી છે.
ગુરૂવારે રાજ્યની તમામ નગરપાલિકાઓના પદાધિકારી અને ચીફ ઓફિસર્સની સિટી લિડર્સ કોન્કલેવ મળી હતી. જેમાં ૧૫૦ શહેરી સંસ્થાની આર્થિક વિકાસનું પ્રેઝન્ટેશન કરાયું હતું. હાલમાં ૧૫૭ નગરપાલિકાઓને પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડ પાણી પુરૂ પાડે છે. વોટર ચાર્જિસ પેટે સરકારના આ બોર્ડને રૂપિયા ૬૧૦ કરોડ લેવાના બાકી નીકળે છે. જ્યારે સ્ટ્રીટ લાઈટ સહિત વીજ વપરાશ પેટે રૂપિયા ૫૫૦ કરોડનું બીલ વિવિધ ઉર્જા કંપનીઓને લેવાનું થાય છે.
આ પણ વાંચો :
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના નગરો-મહાનગરોમાં ૧૫ માં નાણાપંચની ગ્રાન્ટમાંથી કરવાના વિકાસ કામોની તાંત્રિક અને વહીવટી મંજૂરી માટે નગરપાલિકા કક્ષાએ સમિતિની રચના કરવાનો અને તેને ફાઈનાન્સિયલ પાવર્સ ડેલિગેટ કરવાનો (નાણાંકીય સત્તા સોપવાનો) નિર્ણય કર્યો છે. રાજ્યના નગરો-મહાનગરોમાં થતાં વિકાસ કામોમાં ગતિ લાવવા મુખ્યમંત્રીએ કુનેહપૂર્ણ અભિગમ દાખવી આ આગવો નિર્ણય કર્યો છે. વિકાસકામો માટે નગરપાલિકાને ફાળવાતી ૧૫માં નાણાપંચની ગ્રાન્ટમાં પ્રાદેશિક કમિશ્નરની અધ્યક્ષતાની સમિતિ પાસે ફાઈનાન્શિયલ પાવર હોવાથી ક્યારેક સ્થાનીક સ્તરે વિકાસકામો માટે નાણાં ફાળવણીમાં વિલંબ પણ થતો હોવાની રજુઆતો મુખ્યમંત્રી સમક્ષ આવી હતી.
આ પણ વાંચો :
કોન્કલેવ પહેલા જ મુખ્યમંત્રીએ ૧૫મા નાણાપંચની ગ્રાન્ટમાંથી વિકાસના કામોની તાંત્રિક અને વહિવટી મંજૂરી માટે પાલિકાકક્ષાએ સમિતિ રચીને નાણાકીય સત્તાઓ વહેંચ્યા હતા. સત્તાના વિકેન્દ્રીકરણના ભાગરૂપે તેમણે ચીફ ઓફિસરના અધ્યક્ષપદે સમિતિ રચવાનો નિર્ણય જાહેર કર્યો છે. જે અનુસાર અ વર્ગની પાલિકાઓની સમિતિને રૂપિયા ૫૦ લાખ, બ- વર્ગની પાલિકાને ૪૦ લાખ, 5- વર્ગને રૂ.૩૦ લાખ અને ડ- વર્ગની પાલિકા રૂ.૨૦ લાખ સુધીના કામો સમિતિ મારફ્તે મંજૂર કરાવી વિકાસની રફ્તાર વધારી શકશે, પ્રોપર્ટી ટેક્સ પેટે રૂ.૬૨૩ કરોડની સામે માંડ રૂ.૨૨૮ કરોડની જ વસૂલાત થઈ રહી છે. આ સ્થિતિમાં દેવાળું ફુંકાય અને પાણી અને વીજ કનેક્શન કાપી ન દેવાય તેના માટે સરકાર પોતે સીધી ગ્રાન્ટમાંથી જ પાલિકાઓ વતી બીલ ચૂકવીને વહિવટનું સંતુલન કરી રહી છે. આથી, તમામ પાલિકાઓને કડકાઈ પૂર્વક વસૂલાત, આવકના નવા સ્ત્રોત ઉભા કરવા, વેરાના વર્ષો જૂના દરો વધારવા મુખ્યમંત્રી સહિત અધિકારીઓએ સુચના આપી છે. હવે સરકારની આ સુચનાનો કેટલો અમલ થાય છે તેના પર સૌની નજર છે.
મુખ્યમંત્રીએ આ પ્રશ્નના સમાધાન માટે, સત્તાના વિકેન્દ્રીકરણ દ્વારા સ્થાનિક સ્તરે ઝડપી અને પારદર્શી વહીવટની નેમ સાથે, દરેક નગરપાલિકામાં ચીફ-ઓફિસરની અધ્યક્ષતામાં સમિતિ રચવાનો અને તેને ફાયનાન્સિયલ પાવર્સ ડેલિગેટ કરવાનો (નાણાંકીય સત્તા સોપવાનો) નિર્ણય કર્યો છે. તેમના આ નિર્ણય મુજબ, ‘અ’ વર્ગની નગરપાલિકાની સમિતિને રૂપિયા ૫૦ લાખ, ‘બ’ વર્ગની નગરપાલિકાની સમિતિને ૪૦ લાખ, ‘ક’ વર્ગની નગરપાલિકાની સમિતિને ૩૦ લાખ અને ‘ડ’ વર્ગની નગરપાલિકાની સમિતિને રૂપિયા ૨૦ લાખ સુધીના પાવર્સ ડેલીગેટ કરવાનો નિર્ણય કર્યો છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે