શું આવા બ્રિજ પર દોડશે મેટ્રો? સુરતમાં બની રહેલો મેટ્રો બ્રિજ બે ભાગમાં વહેંચાઈ ગયો

ગુજરાતમાં અત્યાર સુધી અનેક કામમાં ભ્રષ્ટાચાર સામે આવ્યો છે. રાજ્યમાં અનેક રસ્તાઓ અને બ્રિજના કામમાં ભ્રષ્ટાચાર થયો હોય તેમ તેની ગુણવત્તા સામે સવાલો ઉઠ્યા છે. હવે સુરતમાં મેટ્રો ટ્રેન દોડે તે પહેલા જ મેટ્રો બ્રિજ બે ભાગમાં વહેંચાઈ ગયો છે. તંત્રના કામ પર ફરી સવાલો ઉભા થયા છે. 

શું આવા બ્રિજ પર દોડશે મેટ્રો? સુરતમાં બની રહેલો મેટ્રો બ્રિજ બે ભાગમાં વહેંચાઈ ગયો

સુરતઃ ગુજરાતમાં વિકાસનું એવું કોઈ કામ નથી કે જે ભ્રષ્ટાચાર વગર થાય. ટેબલ નીચેથી થતાં વ્યવહારથી વિકાસના કામો માત્રના નામના જ છે કારણ કે આ તમામ કામો થોડા સમયમાં જ સાવ બિસ્માર બની જાય છે. સુરતમાં બની રહેલો મેટ્રો બ્રિજ બે ભાગમાં વહેંચાઈ જતાં કામ સામે સવાલો ઉઠ્યા છે. લોકોના જીવન સાથે ખિલવાડ કરતાં આ કામથી શહેરીજનોમાં રોષ ફાટી નીકળ્યો છે જુઓ વિકાસ નહીં પણ વિનાશના કામનો આ ખાસ અહેવાલ....

ગુજરાતમાં વિકાસના કામો તો અનેક થાય છે. પરંતુ આ કામોની ગુણવત્તા કેવી હોય છે તે દ્રશ્યોમાં તમે જોઈ શકો છો. અવાર નવાર બ્રિજમાં તિરાડો પડવાની, ગાબડા પડવાની ઘટનાઓ સતત બનતી જ રહે છે. રાજ્યમાં છેલ્લા 4 દિવસમાં રાજ્યના પાંચ શહેરના બ્રિજોમાં તિરાડ પડવાની ઘટનાઓ બની છે. દ્વારાકા, વડોદરા, સુરેન્દ્રનગર, અમરેલી બાદ સુરતમાં પણ ભ્રષ્ટાચારની તિરાડ બ્રિજમાં પડી ગઈ છે. સુરતના સારોલીમાં મેટ્રો બ્રિજનો સ્પાન વચ્ચેથી તૂટી ગયો છે. જેના કારણે આ બ્રિજ વિકાસ છે કે પછી વિનાશનો તે જ સમજાતું નથી. 

વિકાસના કામો થવા જ જોઈએ. કામ પ્રજા માટે જ થતાં હોય છે, પરંતુ જો કામની ગુણવત્તા સારી ન હોય તો તે વિકાસનું કામ વિનાશ વેરતા વાર નથી કરતું. સુરતના સારોલી-કડોદરા રસ્તા પરના મેટ્રો બ્રિજના સ્પાનના બે ભાગ થઈ ગયા છે અને નવા નક્કોર બ્રિજના સળિયા દેખાવા લાગ્યા છે. આ બ્રિજ પરથી શહેરની પહેલી મેટ્રો દોડવાની છે. જો મેટ્રો દોડે અને બ્રિજ તુટી પડે તો?...શું થાય એ અનેક જિંદગીઓનું?, આજ બ્રિજનું ઉદ્ધાટન 2027માં થવાનું છે. ડિસેમ્બર 2021થી બ્રિજની કામગીરી ચાલી રહી છે. બ્રિજની કામગીરીમાં મોટાપાયે ભ્રષ્ટાચાર થયો હોવાનું ફલિત થઈ રહ્યું છે. 

ભ્રષ્ટાચારનો બોલતો પુરાવો 
બ્રિજ દેખાવા લાગ્યા સળિયા
બ્રિજના સ્પાનના થયા બે ભાગ
આના પરથી દોડશે મેટ્રો?
આવું કામ કરે છે તંત્ર?

આટલી ગંભીર બેદરકારી અને ભ્રષ્ટાચારનો જીવતો જાગતો પુરાવો હોવા છતાં મેટ્રોના અધિકારીઓ કહી રહ્યા છે કે કોઈ બહુ મોટી ઘટના બની નથી. બ્રિજ તુટી પડે તેવી તૈયારીમાં છે. ત્યારે બ્રિજ નીચેનો રોડ પોલીસે બંધ કરી દીધો છે. અને વાહનોની અવર જવર બંધ કરી દેવામાં આવી છે. પોલીસનો સ્ટાફ અહીં ખડકી દેવાયો છે. 

સુરતના શહેરીજનોની સુખાકારી અને ઝડપી પરિવહન માટે મેટ્રોનું નિર્માણ થઈ રહ્યું છે. 2021થી શરૂ થયેલું કામ 2027 સુધી પૂર્ણ કરવાનો ટાર્ગેટ છે. પરંતુ કામની ગુણવત્તા કેવી છે તે તમારા સામે છે. હવે સુરતના આ મેટ્રો પ્રોજેક્ટ વિશે પણ તમે જાણી લો. આ પ્રોજેક્ટનો કુલ ખર્ચ 12 હજાર 20 કરોડ રૂપિયા છે. બે ફેઝમાં કામગીરી થવાની છે, કુલ 38 સ્ટેશનનું નિર્માણ થશે, ફેઝ વન સરથાણાથી ડ્રીમ સિટી સુધી 21.61 કિલોમીટરનો બનશે. જ્યારે ફેઝ ટુ ભેસાણથી સારોલી સુધી 18.74 કિલોમીટરનો રૂટ તૈયાર થશે. જે પહેલો ફેઝ છે જે 2024ના અંત સુધી ચાલુ કરવાનો અંદાજ છે. જે બ્રિજ જર્જરિત થયો છે તેનું કામ દિલીપ બિલ્ડકોન પાસે છે. મજૂરાથી સરોલી સુધી 8.2 કિલોમીટરના એલિવેટેડ માર્ગ માટે 702 કરોડ રૂપિયાનો વર્ક ઓર્ડર દિલીપ બિલ્ડકોનને અપાયો છે. 

જાણો સુરતના મેટ્રો પ્રોજેક્ટ વિશે
પ્રોજેક્ટનો કુલ ખર્ચ 12 હજાર 20 કરોડ રૂપિયા 
2 ફેઝમાં કામગીરી થવાની છે
કુલ 38 સ્ટેશનનું નિર્માણ થશે
ફેઝ-1 સરથાણાથી ડ્રીમ સિટી સુધી 21.61 કિલોમીટર
ફેઝ-2 ભેસાણથી સારોલી સુધી 18.74 કિલોમીટર
પહેલો ફેઝ 2024ના અંત સુધી ચાલુ કરવાનો અંદાજ 
જે બ્રિજ જર્જરિત થયો તેનું કામ દિલીપ બિલ્ડકોન પાસે 
8.2 KM માટે 702 કરોડનો LO દિલીપ બિલ્ડકોનને અપાયો છે

જે બ્રિજ પર રોજ અનેક મેટ્રો ટ્રેનનું વહન થવાનું છે. અને આ ટ્રેનમાં રોજના હજારો લોકો મુસાફરી કરવાના છે. તે બ્રિજની કામગીરીમાં આટલી ઢીલી નીતિ કોઈને પણ જીવ લઈ શકે છે. તંત્ર ક્યારે જાગે છે અને ક્યારે ભ્રષ્ટ અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરોને ઘર ભેગા કરે છે તે જોવાનું રહ્યું.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news