ગુજરાતમાં મેઘરાજાની જબરદસ્ત ધબધબાટી: આ 20 જિલ્લામાં યલો અને 5 જિલ્લામાં રેડ એલર્ટ
ગુજરાતના અનેક જિલ્લામાં મેઘરાજા મહેરબાન થયા છે. અમરેલી, છોટાઉદેપુર, પાવાગઢ, ગોંડલ, અમદાવાદ, ડાંગ, સુરેન્દ્રનગર, પંચમહાલ, ખેડા, જૂનાગઢના વિસાવદર, દાહોદ, વડોદરાના પાદરામાં જોરદાર વરસાદ વરસ્યો છે. ગાજવીજ સાથે વરસાદ વરસતા ઢીંચણસમા પાણી ભરાઈ ગયા છે.
Trending Photos
Gujarat Monsoon 2024: સતત બીજા દિવસે પણ ગુજરાતના અનેક જિલ્લામાં મેઘરાજા મહેરબાન થયા છે. અમરેલી, છોટાઉદેપુર, પાવાગઢ, ગોંડલ, અમદાવાદ, ડાંગ, સુરેન્દ્રનગર, પંચમહાલ, ખેડા, જૂનાગઢના વિસાવદર, દાહોદ, વડોદરાના પાદરામાં જોરદાર વરસાદ વરસ્યો છે. ગાજવીજ સાથે વરસાદ વરસતા ઢીંચણસમા પાણી ભરાઈ ગયા છે. વડોદરાના પાદરાના અનેક વિસ્તારમાં પાણી ભરાતા લોકોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે.
રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે. રાજકોટના ગોંડલના અલગ અલગ ગામોમાં મેઘરાજાએ ધબધબાટી બોલાવી દીધી છે. દેરડી, વાસાવડ અને મોટી ખિલોરી સહિતના ગામમાં વરસાદથી ખેડૂતોમાં પણ ખુશી જોવા મળી. તો સુરેન્દ્રનગરમાં પણ પવન સાથે મોડીરાતથી મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઈ હતી. સતત વરસાદથી સુરેન્દ્રનગરમાં નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા હતા.
સુરેન્દ્રનગરમાં વરસાદ પછી જળાશયોમાં પાણીની આવક થઈ. ચુડાનો વાંસલ ડેમ ઓવરફ્લો થતાં ચુડા, ગોખરવાડા, ભગુપુર સહિતના નિચાણવાળા ગામોને એલર્ટ કરવામાં આવ્યા હતા. પંચમહાલના જાંબુઘોડા અને ઘોઘમ્બા પંથકમાં વરસાદથી હાથણી ધોધ સક્રિય થયો છે. પોયતી ખાતે હાથણી ધોધ આવેલો છે, જે સક્રિય થતાં પર્યટકોમાં ખુબ ખુશી જોવા મળી. મોટી સંખ્યામાં પર્યટકો અહીંયા પ્રકૃતિની મજા માણવા માટે આવે છે.
તો ડાંગ જિલ્લામાં વરસાદથી નયનરમ્ય દ્રશ્યો જોવા મળ્યા હતી. વરસાદના લીધે ધોધ વહેતા થયા છે. ધોધ વહેતા થતાં પ્રવાસીઓમાં ખુબ જ ખુશી જોવા મળી રહી છે. દાહોદના દેવગઢ બારિયામાં આવેલ બૈણા ગામ ખાતે જ્યાં પાનમ નદીમાં પૂર આવતા ટ્રેક્ટર તણાયું હતું. જો કે આ ટ્રેક્ટરમાં ચાલક અને અન્ય એક યુવક ફસાયો હતો. જેને બચાવી લેવામાં આવ્યો હતો.
જૂનાગઢના વિસાવદરમાં અઢી ઈંચ વરસાદ
જૂનાગઢના વિસાવદરમાં મેઘરાજા મનમુકીને વરસ્યો છે. વિસાવદરમાં બપોર પછી અઢી ઈંચ જેટલો વરસાદ વરસ્યો છે. લાલપુર, વેકરિયા, પ્રેમપરા, પિયાવા અને સરસ સહિતના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદથી ખેડૂતોમાં ખુશી જોવા મળી હતી. જે ખેડૂતોએ વાવેતર કર્યું છે તેના માટે આ વરસાદ કાચા સોના સમાન સાબિત થયો છે. ભારે વરસાદથી વિસાવદર શહેરના રસ્તા પર પાણી ફરી વળ્યા હતા. જૂનાગઢના મેંદરડાના મધુવંતી ડેમ પાસે વરસાદમાં સિંહના આટાફેરાનો વીડિયો સામે આવ્યો છે. વરસાદી માહોલની મજા માણવા સિંહ પર રસ્તા પર આવી ગયા હોય તેવું વીડિયો જોઈને મનાઈ રહ્યું છે. સિંહના આંટાફેરા કેમેરામાં કેદ થયા છે.
ભાવનગરમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી
ગુજરાતમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઈ છે. ગુજરાતના અનેક જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો છે ત્યારે ભાવનગરના ગારિયાધાર અને જેસર તાલુકા પંથકમાં મેઘરાજાએ એન્ટ્રી મારી છે. પાંચટોબરા, રતનવાવ, ફાચરિયા, પરવડી અને સુખપર સહિતના ગામમાં વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે. ગારિયાધારમાં અવિરત વરસાદથી ખેડૂતોએ વાવણીની શરૂઆત કરી દીધી છે. સાબરકાંઠાના હિંમતનગરના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ વરસ્યો છે. ભારે ઉકળાટ વચ્ચે વરસાદ વરસતા લોકોને રાહત મળી.
વડોદરા શહેરમાં વરસાદી માહોલ
વડોદરા શહેરના અલગ અલગ વિસ્તારમાં વરસાદી માહોલ જોવા મળ્યો છે. સયાજીગંજ, ફતેહગંજ, રાવપુરા, જેતલપુર, અલકાપુરી, ગોત્રી અને ચાર દરવાજા વિસ્તારમાં વરસાદ વરસ્યો છે. પાટણના સિદ્ધપુર પંથકમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો છે. બપોર પછી વાતાવરણમાં એકાએક પલટો આવ્યો અને વરસાદ વરસ્યો છે. ભારે વરસાદમાં લોકો નાહ્વાની મજા માણી.
અમરેલી જિલ્લામાં ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ
હવે વાત કરીએ અમરેલી જિલ્લાની. ધારી ગીરકાંઠાના ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસ્યો. ધોધમાર વરસાદ વરસતા રસ્તા પાણીથી તરબોળ થયા. ગીગાસણ, ગોવિંદપુર અને બોરડી સહિતના વિસ્તારમાં વરસાદથી ઠંડક પ્રસરી હતી. તો અમરેલીના ચલાલા પંથકના ગ્રામ્ય વિસ્તારમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો. ચલાલા નજીક આવેલા વાવડી ગામની સ્થાનિક નદીમાં પૂર આવ્યું. નદીમાં પૂર આવતા પાણીનો ધસમસતો પ્રવાહ જોવા મળ્યો.
ગીર સોમનાથ પંથકમાં અનરાધાર વરસાદ
ગીર સોમનાથ જિલ્લાના તલાલા અને વેરાવળ તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં અનરાધાર વરસાદ વરસ્યો. તાલાલાના આંબળાશ ગામે અનરાધાર વરસાદથી નદીમાં પૂરની સ્થિતિ જોવા મળી. તો છોટાઉદેપુરમાં પણ વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ વરસ્યો. છોટાઉદેપુર, દેવહાંટ અને તેજગંજ પંથકમાં મેઘરાજાએ ધબધબાટી બોલાવી...
બનાસકાંઠામાં ભારેથી અતિભારે વરસાદ
બનાસકાંઠાના ધાનેરા, લાખણી અને દિયોદરમાં ધોધમાર વરસાદ વરસ્યો. દિયોદરના બજારોમાં વરસાદી પાણી ભરાયા.બનાસકાંઠા જિલ્લાના તમામ તાલુકામાં વરસાદી માહોલ જોવા મળ્યો. ભારે બફારા પછી વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી. તો અંબાજી દાંતા પંથકમાં ભારે વરસાદ વરસ્યો. બે દિવસના વિરામ પછી ફરીથી વરસાદની શરૂઆત થઈ. અંબાજીના દાંતા પંથકમાં વરસાદથી અનેક નદીઓ વહેતી થઈ.નદીમાં પાણી આવતા લોકોમાં ખુશી જોવા મળી.
ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદની આગાહી
આગામી સાત દિવસ સુધી ગુજરાતમાં વરસાદની આગાહી વ્યક્ત કરી છે. આગામી સાત દિવસ રાજ્યભરમાં સાર્વત્રિક વરસાદી માહોલ જામશે અને ક્યાંક હળવો તો ક્યાંક ભારે વરસાદ વરસી શકે છે. જો કે, હજુ પણ ચોમાસુ ઉત્તર ગુજરાત સુધી પહોંચ્યું નથી. પરંતુ સાઈક્લોનિક સર્ક્યુલેશનને કારણે વરસાદી માહોલ જામ્યો છે.
ઉલ્લેખનીય છે કે, નવસારીમાં ચોમાસાએ પ્રવેશ કર્યા બાદ સૌરાષ્ટ્ર તરફથી આગળ વધી રહ્યું છે. જેથી સૌરાષ્ટ્રમાં પણ વરસાદી માહોલ જામ્યો છે. આ ઉપરાંત હવામાન વિભાગ દ્વારા મધ્ય ગુજરાતના વડોદરા અને પંચમહાલમાં વરસાદ માટે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત, ઉત્તર ગુજરાતના 20 જિલ્લામાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે જ્યાં ગાજવીજ સાથે ભારે વરસાદની શક્યતા છે. વરસાદની આગાહીને પગલે માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે. સાથે આજે સમગ્ર ગુજરાતમાં ઠંડરસ્ટ્રોમની આગાહી કરાઈ છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે