પાલનપુરના યુવા ક્રિકેટરે વધાર્યું ગુજરાતનું ગૌરવ, બાલ મંદિરનું પગથિયું પણ નહીં ચઢનાર સ્ટેટ લેવલે ઝળક્યો

પાલનપુરના કમાલપુરા ખાતે રહેતા ગરીબ પરિવારના મેહુલ ધનજીભાઈ મકવાણા નામના 14 વર્ષીય કિશોરને નાનપણથી જ ક્રિકેટનો શોખ હતો. મેહુલ બે વર્ષનો હતો ત્યારે તેના પિતાનું બીમારીના કારણે અવસાન થયું હતું.

પાલનપુરના યુવા ક્રિકેટરે વધાર્યું ગુજરાતનું ગૌરવ, બાલ મંદિરનું પગથિયું પણ નહીં ચઢનાર સ્ટેટ લેવલે ઝળક્યો

અલકેશ રાવ/બનાસકાંઠા: અડગ મનના માનવીને હિમાલય પણ નડતો નથી" તે ઉક્તિને પાલનપુરના યુવા ક્રિકેટરે સાર્થક કરી બતાવી છે. આ કિશોર બાલ મંદિરનું પગથિયું પણ ચડ્યો ન હોવા છતાં ગુજરાત સ્ટેટ અંડર 14 ક્રિકેટ ટીમમાં સારું પરફોર્મન્સ બતાવી પાલનપુરનું ગૌરવ વધાર્યું છે. 

પાલનપુરના કમાલપુરા ખાતે રહેતા ગરીબ પરિવારના મેહુલ ધનજીભાઈ મકવાણા નામના 14 વર્ષીય કિશોરને નાનપણથી જ ક્રિકેટનો શોખ હતો. મેહુલ બે વર્ષનો હતો ત્યારે તેના પિતાનું બીમારીના કારણે અવસાન થયું હતું. જ્યારે માતા ખાનગી હોસ્પિટલમાં સફાઈ કર્મચારી તરીકે કામ કરી પરિવારનું ગુજરાત ચલાવે છે. જે દીકરાને ક્રિકેટર બનાવવા પ્રયાસ કરી રહી છે. 

મેહુલના ઘરની આર્થિક પરિસ્થિતિ સારી ન હોવાના લીધે મેહુલે બાલમંદિર સુધીનો પણ અભ્યાસ કર્યો નથી. મેહુલને લખતા અને વાંચતા પણ આવડતું નથી. છતાં ક્રિકેટ પ્રત્યેનો લગાવ અને રૂચીને કારણે તેણે ગુજરાત સ્ટેટ અંડર 14 ટુર્નામેન્ટમાં રમી સારું પરફોર્મન્સ આપ્યું છે. જેના ટેલેન્ટથી ખુશ થઈને જાણીતા ક્રિકેટર પાર્થિવ પટેલે પણ તેને હાથમાં પહેરવાના ગ્લોઝ પણ ગિફ્ટમાં આપ્યા હતા.

મેહુલની ક્રિકેટની સફરની વાત કરીએ તો તેને ક્રિકેટમાં આગળ વધવાનો શોખ હતો. તેથી તે ક્રિકેટ કોચિંગમાં જોડાયો પરંતુ પૈસાની તંગીના કારણે તે કોચિંગની ફિસ ભરી ન શકતા, તેને એક જ મહિનામાં કોચિંગ છોડી દીધું પરંતુ તેના અંદર રહેલી ટેલેન્ટના કારણે તેના કોચે તેના ઘરે જઈને તેને સમજાવીને મફત ક્રિકેટનું કોચિંગ આપીને ક્રિકેટની તમામ બારીકીઓ શીખવાડી. જેના કારણે મેહુલ એક હોનહાર ક્રિકેટર બની શક્યો. જોકે મેહુલનું સપનું છે કે તે સતત ક્રિકેટ રમીને ઇન્ડિયા માટે રમે અમે પાલનપુર અને દેશનું નામ રોશન કરે.

અત્યાર સુધીમાં મેહુલ 25 જેટલી મેચમાં ભાગ લઈ ચૂક્યો છે. તાજેતરમાં બરોડા ખાતે રાજ્યકક્ષાની મેચમાં ભાગ લીધો હતો. જેમાં સૌરાષ્ટ્ર, મુંબઈ, મહારાષ્ટ્રની ટીમ સામે રમાયેલ ત્રણે મેચમાં મેહુલે બોલિંગમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું હતું. જે પ્રદર્શનને લઈને હવે તે વેસ્ટર્ન ઝોન અંડર 14 મેચમાં બરોડામાં ભાગ લેશે. આ યુવા ખેલાડીમાં રહેલા ટેલેન્ટને પારખી તેના કોચ સચિન અને હેડ કોચ દિલીપસિંહ હડિયોલ તેની પાછળ મહેનત કરી રહ્યા છે. ત્યારે મેહુલ એક સફળ ઓલરાઉન્ડર ક્રિકેટર બની પાલનપુરનું નામ રોશન કરશે તેવો આશાવાદ તેઓ સેવી રહ્યા છે. 

મેહુલની વિધવા માતા મજૂરી કરીને પોતાના ઘરનું ગુજરાન ચલાવી રહી છે જોકે મેહુલ ગરીબ પરિસ્થિતિના અભ્યાસ તો ન કરી શક્યો પરંતુ તેની અંદર રહેલા ટેલેન્ટના કારણે તે ક્રિકેટમાં કાઠું કાઢી રહ્યો છે જેથી તેની પ્રતિભાને જોઈને તેની માતા તેના ઉપર ગર્વ લઈ રહી છે અને પોતાનો દીકરો દેશ માટે ક્રિકેટ રમે તેવું સપનું જોઈ રહી છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news