માવજી પટેલ શંકર ચૌધરી પર જોરદાર વરસ્યા, ‘તમે વાવનું ભર્યું ભર્યું ખેતર કોના ભરોસે છોડીને થરાદમાં ગયા!’
Mavji Patel On Shankar Chaudhary : વાવ પેટાચૂંટણીમાં ત્રિપાંખીયા મુકાબલાનો જામ્યો જોરદાર જંગ... અપક્ષના ઉમેદવાર માવજી પટેલનો આક્રમક પ્રચાર... વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરી પર કર્યા પ્રહાર... બેઠક બદલવા પર કર્યા આક્રમક પ્રહાર... 'સારા કામ કર્યા તો કેમ રાધનપુર, વાવ છોડ્યું?'
Trending Photos
Vav Assembly By Election 2024 : ભાજપમાંથી ટિકિટની આશાએ બેસેલા માવજી પટેલે આખરે વાવ પેટાચૂંટણીમાં અપક્ષ દાવેદારી કરી. પરંતું હવે ચૂંટણી પ્રચારમાં માવજી પટેલે ધમાકેદાર બેટિંગ કરીને ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારોને પણ પાછળ પાડી દીધા છે. ચૂંટણી પ્રચારમાં ખરો વટ તો માવજી પટેલનો પડી રહ્યો છે. આ સાથે જ તેઓ ગુજરાતમાં ભાજપ સરકારને નિશાન પર લઈને પ્રહારો કરી રહ્યાં છે. ચૂંટણી પ્રચારમાં માવજી પટેલ ભાજપના અનેક નેતાઓને ઝપેટમાં લઈ ચૂક્યા છે. ત્યારે ફરી એકવાર વાવની પેટા ચૂંટણીમાં માવજી પટેલના આકરા બોલ સાંભળવા મળ્યા.
તમે શેના માટે છોડ્યું હારી જવાના ડર ને કે બીજું કોઈ
વાવ વિધાનસભાની પેટાચૂંટણીમાં અપક્ષ ઉમેદવાર માવજી પટેલે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરી ઉપર આકરા પ્રહાર કર્યા. તેમણે શંકર ચૌધરીને ટાંકીને કહ્યું કે, તમે તમારું વાવનું ભર્યું ભર્યું ખેતર કોના ભરોસે છોડીને થરાદમાં ગયા. એ કાયરતાનું મેણું આપણને ય લાગે છે. તમે શેના માટે છોડ્યું હારી જવાના ડર ને કે બીજું કોઈ. આટલા વરસ તમે સારા કામ કર્યા હોત તો તમારે રાધનપુર ન છોડવું પડ્યું હોત. રાધનપુર છોડ્યું તો અહીં આવ્યા વાવ તો આ ન છોડવું પડત. સાહેબ અમારું માથું શરમથી ઝૂકી જાય છે. ચૂંટણીઓ તો આવે ને જાય પણ તમે મેદાન છોડીને નીકળી ગયા.
બનાસકાંઠામાં વિકાસ અટક્યો
એક તરફ વાવ વિધાનસભાની પેટા ચૂંટણીનું મહાયુદ્ધ અને બીજી તરફ વાવ મત વિસ્તારમાં બિસ્માર હાઈવે પર તૂટી રહ્યા છે લોકોની કમરના મણકા. આ હાઈવે છેલ્લાં 7 વર્ષથી તૂટી ગયો છે અને રસ્તાનું સમાર કામ કરવા માટે કોઈ તૈયાર નથી. ભાજપના નેતાઓનું કહેવું છે કે અહીં કોંગ્રેસનાં ધારાસભ્ય છે એટલે વિકાસનાં કામ અટકી પડ્યાં છે. જો ભાભરથી સુઈગામનો હાઈવે કોંગ્રેસના ધારાસભ્ય હોવાથી નથી બની રહ્યો તો પછી રાધનપુરમાં ભાજપના ધારાસભ્ય જીત્યા છે. તો પછી રાધનપુરથી ભાભરનો હાઈવે કેમ ખરાબ છે? નેતાઓની આ પ્રકારની રાજનીતિ વચ્ચે જનતા બિચારી લાચાર બનીને છેલ્લાં પાંચ-સાત વર્ષથી ખરાબ રસ્તા પર પોતાના વાહનોનાં ટાયર તોડી રહી છે અને સાથે કમરના મણકા પણ તૂટી રહ્યા છે.
ભાભરથી સુઈગામનો હાઈવે અને રાધનપુરથી ભાભરનો હાઈવે મળીને 50 કિલોમીટરનો રોડ સળંગ તૂટેલો છે પરંતુ કોઈ આ બંને હાઈવેનું કામ કરવા તૈયાર નથી. રોડ ઉપર ઠેર-ઠેર ખાડાઓની હારમાળ સર્જાઈ છે તો અનેક જગ્યાએ રોડ જેવુ દેખાતું જ નથી. ખબર જ પડતી નથી કે રોડમાં ખાડા છે કે ખાડામાં રોડ છે. આશ્ચર્યની વાત એ છે કે વાવની પેટા ચૂંટણીમાં ત્રિપાંખિયો જંગ જામ્યો છે પરંતુ એક પણ ઉમેદવારે આ બંને હાઈવે નવા બનાવવાનું નામ પણ નથી લીધું. એટલું જ નહીં, કોઈ પણ પક્ષના ધારાસભ્યએ જનતાને વચન નથી આપ્યું કે તેઓ આ બંને હાઈવેના રસ્તા નવા બનાવશે. સવાલ એ પણ છે કે લોકશાહી મુજબ જનતા કોઈ પણ ઉમેદવારને જીતાડે તો સરકાર કામ કરવામાં ભેદભાવ કેમ કરે છે? સરકાર જે પક્ષની હોય એ પક્ષના ધારાસભ્ય જીતે તો શું તેઓ પોતાના ઘરના પૈસાનો હાઈવે બનાવે છે?
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે