સુવિધા માટે બનાવવામાં આવેલા બ્રિજ બની ગયા સમસ્યા, જર્જરિત બન્યા અમદાવાદના બ્રિજ

લોકોને સુવિધા મળે અને ટ્રાફિકની સમસ્યા હળવી બને તે માટે શહેરમાં વિવિધ જગ્યાએ બ્રિજ બનાવવામાં આવે છે. પરંતુ અમદાવાદમાં આ ઘણા બ્રિજ સમસ્યાનું કારણ બની ગયા છે. બ્રિજની સ્થિતિ ખરાબ થઈ ગઈ છે પરંતુ તંત્ર દ્વારા સમારકામ કરવામાં કોઈ કામ કરવામાં આવી રહ્યું નથી. 

સુવિધા માટે બનાવવામાં આવેલા બ્રિજ બની ગયા સમસ્યા, જર્જરિત બન્યા અમદાવાદના બ્રિજ

સપના શર્મા, અમદાવાદઃ મોટા શહેરોમાં ટ્રાફિકના ભારણને ઓછું કરવા માટે સરકાર મોટા મોટા બ્રિજ બનાવી રહી છે. આવા બ્રિજ બનતાં લાખો લોકોના સમયનો બચાવ થાય છે, પરંતુ નઘરોળ તંત્રના પાપે જ આજ બ્રિજ લોકો માટે માથાનો દુખાવો બની જતાં હોય છે. ત્યારે અમાદાવાદ માથાનો દુખાવો સમાન કેટલાં જ આવા બ્રિજ જોઈએ આ અહેવાલમાં... 

અમદાવાદ શહેર ગુજરાતનું હાર્દ ગણાય છે. અમદાવાદનો વિકાસ કુદકેને ભુસકે આગળ વધી રહ્યો છે. સરકાર પણ કરોડો રૂપિયા ફાળવીને અમદાવાદમાં ફ્લાયઓવર બ્રિજ બનાવી રહ્યા છે. પરંતુ ઘણા એવા બ્રિજ છે જે નઘરોળ તંત્રના પાપે જર્જરિત બન્યા છે. નાગરિકોની સુવિધા માટે બનાવવામાં આવતા બ્રિજ ક્યારેક તેમના માટે માથાનો દુખાવો બની જાય છે. આવી જ સ્થિતિ અમદાવાદના અનેક બ્રિજની છે. પકવાન ચાર રસ્તાનો બ્રિજ હોય કે શાસ્ત્રી બ્રિજ, આ તમામ બ્રિજ પર લોકો માટે અવરજવર કરવી મુશ્કેલ છે. નારોલ અને વિશાલાને જોડતો શાસ્ત્રી બ્રિજ જર્જરિત છે. તેમ છતાં અહીંથી ભારે વાહનોની અવર જવર થઈ રહી છે. સાથે જ બ્રિજની બંને તરફનો ટ્રાફિક એક જ તરફ ડાઈવર્ટ કરવામાં આવતા ટ્રાફિક જામ થાય છે. વારંવાર થતી આ સમસ્યાથી વાહનચાલકો ખૂબ જ પરેશાન છે.

એક તરફ શાસ્ત્રી બ્રિજ જર્જરિત બન્યો છે, તો આ તરફ શાસ્ત્રીનગર પાસે નવો બ્રિજ બનાવવાનું કામ ચાલુ કરવામાં આવ્યુ છે. આ બ્રિજ બનવાનું ચાલુ તો થયું પરતું થોડા જ સમયમાં બ્રિજ બનવાનું અટકી ગયું, ત્યારે ટ્રાફિકથી ધમધમતા વિસ્તારમાં બ્રિજનું કામ અટકી જતાં લોકો પારાવાર મુશ્કેલીમાં મુકાયા છે. રસ્તા પર બ્રિજના કામ માટે બેરિકેટિંગ કરી દેવાતા લોકોને આ રસ્તા પરથી નીકળવા માટે માત્ર 7થી 8 ફૂટનો જ રસ્તો મળી રહ્યો છે. જેથી ઘણીવાર વાહનચાલકોને ફૂટપાથ પરથી પસાર થવાની ફરજ પડે છે. તો બીજી તરફ બ્રિજનું કામ અટકી જતાં અહી સાંજના સમયે દોઢ કિલોમીટર જેટલો ટ્રાફિક જામ સર્જાઈ જાય છે. 

જે રીતે આ બ્રિજનું કામ ચાલી તે જોતા તો લાગી રહ્યુ છે કે લોકોને હજુ 2 વર્ષ સુધી આ સમસ્યામાંથી મુક્તિ મળશે નહીં. ત્યારે એક તરફ લોકો નઘરોળ તંત્રના પાપે થઈ રહેલા ટ્રાફિક જામથી પરેશાન છે, ત્યારે મહાનગર પાલિકા હજુ બ્રિજ જલદીથી બની જવાના વાયદા જ કરી રહી છે. 

અમદાવાદ મહાનગર પાલિકાના નઘરોળ તંત્રના પાપે એક તરફ બ્રિજ જર્જરિત બન્યા છે, તો બીજી તરફ નવા બ્રિજનું કામ અધવચ્ચે અટકાવી દેવાયું છે. લોકો ઘણા સમયથી ટ્રાફિકની સમસ્યાનો સામનો કરી રહ્યા છે ત્યારે હજુપણ લોકોને આ સમસ્યામાંથી લાંબા સમય સુધી રાહત મળવાના કોઈ એંધાણ નથી.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news