લોકસભા-2019 વલસાડ બેઠકઃ કોંગ્રેસ અને ભાજપ વચ્ચે ખરાખરીનો જંગ
વલસાડ બેઠક એક પણ પક્ષની પરંપરાગત બેઠક રહી નથી, અહીં વારંવાર ઉમેદવાર બદલાતા રહ્યા છે. ભાજપે વર્તમાન સાંસદ ડો. કે.સી. પટેલને રિપીટ કરવામાં આવ્યા છે, જ્યારે કોંગ્રેસ કપરાડા બેઠક પરથી સતત ચાર ટર્મથી વિજયી બનતા ધારાસભ્ય જીતુ ચૌધરીને ટિકિટ આપવામાં આવી છે. જેના કારણે આ બેઠક પર બંને પાર્ટી વચ્ચે ખરાખરીનો જંગ જામ્યો છે.
Trending Photos
ઝી ડિજિટલ ડેસ્ક/ અમદાવાદઃ વલસાડ બેઠક એક પણ પક્ષની પરંપરાગત બેઠક રહી નથી, અહીં વારંવાર ઉમેદવાર બદલાતા રહ્યા છે. ભાજપે વર્તમાન સાંસદ ડો. કે.સી. પટેલને રિપીટ કરવામાં આવ્યા છે, જ્યારે કોંગ્રેસ કપરાડા બેઠક પરથી સતત ચાર ટર્મથી વિજયી બનતા ધારાસભ્ય જીતુ ચૌધરીને ટિકિટ આપવામાં આવી છે. જેના કારણે આ બેઠક પર બંને પાર્ટી વચ્ચે ખરાખરીનો જંગ જામ્યો છે. ભાજપના ઉમેદવાર ડો. કે.સી. પટેલ ઢોડિયા સમાજમાંથી આવે છે, જ્યારે જીતુ ચૌધરી કુકણા સમાજના છે.
જ્ઞાતિના સમીકરણ
વર્ષ 2011ની વસતી ગણતરી મુજબ વલસાડ લોકસભા મતવિસ્તારમાં કુકણા સમાજની વસતી 4,06,366ની છે, જ્યારે ઢોડિયા સમાજની વસતી 3,29,234ની છે. આ સિવાય જિલ્લામાં વારલી સમાજની વસતી 2,36,782 અને હળપતિ 79,500ની છે.
સાંસદનું રિપોર્ટ કાર્ડ
સાંસદ ડો. કે.સી. પટેલ સાંસદમાં એકદમ નિષ્ક્રિય જોવા મળ્યા છે. જિલ્લામાં હાઈવે પર અને અંદર જે ઓવરબ્રિજ મંજૂર થયા છે તેનો શ્રેય સાંસદ લઈ રહ્યા છે. આ સીવાય ડો. કે. સી. પટેલ દિલ્હીમાં હની ટ્રેપમાં ફસાયા હતા, જેનો મુદ્દો ખુબ ચગ્યો હતો. લોકોના કામકાજમાં પણ તેઓ નિષ્ક્રિય રહ્યા છે.
લોકસભામાં સમાવિષ્ઠ વિધાનસભા બેઠક
વલસાડ લોકસભામાં કુલ 7 વિધાનસભા બેઠકનો સમાવેશ થાય છે. જેમાં ડાંગ(ST), વાંસદા (ST), ધરમપુર (ST), વલસાડ, પારડી, કપરાડા (ST), ઉમરગામ (ST) નો સમાવેશ થાય છે. 2017ની રાજ્ય વિધાનસભાની ચૂંટણીમાં ભાજપનો 4 બેઠક પર અને કોંગ્રેસનો 3 બેઠક પર વિજય થયો છે.
બેઠક પક્ષ વિજેતા ઉમેદવાર
ડાંગ(ST) કોંગ્રેસ મંગળભાઈ ગામીત
વાંસદા(ST) કોંગ્રેસ અનંતકુમાર પટેલ
કપરાડા(ST) કોંગ્રેસ જીતુભાઈ ચૌધરી
વલસાડ ભાજપ ભરતભાઈ પટેલ
ધરમપુર(ST) ભાજપ અરવિંદ પટેલ
પારડી ભાજપ કનુભાઈ એમ. દેસાઈ
ઉમરગામ(ST) ભાજપ રમણલાલ પાટકર
મતદારોની સંખ્યા
પુરુષ મતદાર 8,45,772
મહિલા મતદાર 8,09,932
કુલ મતદાર 16,55,704
ચૂંટણીમાં અસર કરનારા પરિબળો
- વલસાડમાં પાણીની તંગીની સમસ્યાનો ઉકેલ આવ્યો નથી
- વાપી અને ઉમરગામમાં પ્રદૂષણનો મોટો પ્રશ્ન.
- સિંચાઈની સમસ્યાઓ
- ભારતમાલા પ્રોજેક્ટ અંતર્ગત આદિવાસીઓ દ્વારા જમીન સંપાદનનો વિરોધ
- બુલેટ ટ્રેન માટે જમીન સંપાદનમાં યોગ્ય ન વળતર ન મળતાં ખેડૂતોનો વિરોધ
પરિવર્તન બેઠકનો નિયમ
વલસાડ બેઠક પર 1962થી 2014 સુધી ચોક્કસ અને સતત કોઈ એક પક્ષનું પ્રભુત્વ જોવા મળ્યું નથી. જોકે, કોંગ્રેસે આ બેઠક પર સૌથી વધુ 8 વખત વિજય મેળવ્યો છે. 1996માં પ્રથમ વખત ભાજપે આ બેઠક પર વિજય મેળવ્યો હતો અને અત્યાર સુધી ભાજપે ચાર વખત આ બેઠક જીતી છે. 21મી સદીની વાત કરીએ તો 2004 અને 2009માં આ બેઠક પર કોંગ્રેસના કિશન વી. પટેલનો વિજય થયો હતો. વર્ષ 2014ની છેલ્લી ચૂંટણીમાં મોદી લહેરમાં ભાજપના ડો. કે.સી. પટેલે કોંગ્રેસ પાસેથી આ બેઠક આંચકી હતી. એટલે, આ વખતે બંને પાર્ટીના ઉમેદવાર વચ્ચે કાંટાની ટક્કર જોવા મળશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે