લવ જેહાદનો શોકિંગ કિસ્સો, ચાર સંતાનોનો પિતા 17 વર્ષની કિશોરીને ભગાડી ગયો, બે સંતાનોના તો લગ્ન પણ થયા છે

Love Jihad : ચાર સંતાનોના પિતા હમીદે રીક્ષામાં નોકરીએ જતી તરુણીને પટાવી... હમીદના બે સંતાનોના લગ્ન પણ થયા છે... લવ જેહાદના કિસ્સાથી સ્થાનિક લોકોમા રોષ વ્યાપ્યો
 

લવ જેહાદનો શોકિંગ કિસ્સો, ચાર સંતાનોનો પિતા 17 વર્ષની કિશોરીને ભગાડી ગયો, બે સંતાનોના તો લગ્ન પણ થયા છે

ચેતન પટેલ/સુરત :ગુજરાતમાં લવ જેહાદ સળગતો મુદ્દો છે. ત્યારે સુરતમાં લવ જેહાદનો વિચિત્ર કિસ્સો બન્યો છે. સુરતના લાજપોરમાં ચાર સંતાનોનો પિતા 17 વર્ષની તરુણીને ભગાડી ગયો. સુરતનાં લાજપોર ગામમાં રહેતો મુસ્લિમ શખ્સ 17 વર્ષની તરૂણીને પ્રેમજાળમાં ફસાવીને ભગાવી જતાં વાતાવરણ તંગ બની ગયું છે. ચાર સંતાનોનાં પિતા હમીદ સામે ગામલોકોમાં ભારે રોષ ફેલાયેલો હોવાથી પોલીસ રાઉન્ડ ધ ક્લોક પેટ્રોલિંગ કરીને પરિસ્થિતિ ઉપર નજર રાખી રહી છે.

સુરત શહેરનાં છેવાડે આવેલાં લાજપોર ગામમાં બજાર ફળિયામાં રહેતાં અને શાહરૂખ ખાન તરીકે ઓળખાતા હમીદ મઢી ચાર સંતાનોનો પિતા છે. પોતે પરિણીત હોવા છતાં શાહરૂખે 17 વર્ષની હિન્દુ તરૂણીને પ્રેમજાળમાં ફસાવી હતી. કિશોરીની માતા મૃત્યુ પામી હોવાથી તે ફોઇનાં ઘરે રહેતી હતી. તરૂણી હોજીવાલા ઈન્ડસ્ટ્રીઅલ એસ્ટેટમાં નોકરી કરતી હતી. હમીદ મઢી દરરોજ રીક્ષામાં તરૂણીને હોજીવાલા એસ્ટેટમાં મુકવા માટે જતો હતો અને રસ્તામાં વાતચીત કરવા સાથે તરૂણીને પ્રેમજાળમાં ફસાવી હતી.

હમીદ મઢીએ પોતાની રીક્ષા વેચીને ઈકો કાર લીધી હતી. પરંતુ પોતાનાં મિત્રની રીક્ષામાં તરૂણીને ભગાવી ગયો હતો. તરૂણીની ફોઇએ સચીન પોલીસ મથકનાં અધિકારીઓને જાણ કરી હતી. જેથી સચીન પોલીસ પણ દોડતી થઈ છે. હમીદ મઢીનાં સંતાનો, મિત્રો તેમજ સગા-સંબંધીઓની પૂછપરછ કરાઈ છે. પરંતુ હમીદ અને તરૂણીનો કોઇ પત્તો લાગ્યો ન હતો. બીજા દિવસે પણ પોલીસે લાજપોર ગામમાં આખો દિવસ તપાસનો ધમધમાટ યથાવત રાખ્યો હતો. દરમિયાન હમીદ પોતાનાં મિત્રની જે રીક્ષા લઇ ગયો હતો તે સચીન-પારડી ગામેથી મળી આવતાં પોલીસે તે કબજે લીધી હતી. 

હમીદ મઢીનાં ચાર સંતાનો છે. તેમાં બે દીકરીનાં તો લગ્ન પણ થઇ ગયા છે. એક પુત્ર હોટલમાં કામ કરે છે. આઇ ડિવિઝનના એ.સી.પી રામજી મવાણીએ જણાવ્યું હતું કે, હમીદ વિરૂદ્ધ અપહરણ અને એટ્રોસિટી એક્ટ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. હમીદ અને તરૂણીનાં મોબાઇલ ફોનની કોલ ડીટેઇલને આધારે તપાસ કરવામાં આવી રહી છે. ચાર સંતાનોનો મુસ્લિમ પિતા હમીદ હિન્દુ તરૂણીને ભગાવી ગયો હોવાથી હિન્દુ સંગઠનોમાં પણ રોષ વ્યાપી ગયો છે. જેથી પોલીસ અધિકારીઓ પણ પરિસ્થિતિ બગડે નહીં તે માટે લાજપોર ગામમાં સતત પેટ્રોલિંગ સાથે નજર રાખી રહ્યાં છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news