ચણા વહેંચવા આવેલા ખેડૂતો હેરાન પરેશાન: જામનગરના APMC બહાર લાંબી કતારો, કારણ છે જાણવા જેવું

લાલપુર એપીએમસીની બહાર વહેલી સવારથી જ ટેકાના ભાવે ચણાની જણસી વહેંચવા આવેલા 175 થી પણ વધુ વાહનોની લાંબી કતાર જોવા મળી અને ભર ઉનાળે ખેડૂતો પોતાની જણસીઓ વહેંચવા માટે હેરાન પરેશાન થતા નજરે પડ્યા હતા.

ચણા વહેંચવા આવેલા ખેડૂતો હેરાન પરેશાન: જામનગરના APMC બહાર લાંબી કતારો, કારણ છે જાણવા જેવું

મુસ્તાક દલ/જામનગર: એક તરફ રાજ્ય સરકાર ખેડૂતો માટે ટેકાના ભાવે ચણાની ખરીદી કરી અને રાહત આપી રહી છે તો બીજી તરફ આ જ રાહતનો લાભ આપવા માટે ખેડૂતોને માર્કેટિંગ યાર્ડના સત્તાધીશો દ્વારા હેરાન પરેશાન કરવામાં આવતા હોય તેવા દ્રશ્યો લાલપુર એપીએમસી ખાતે જોવા મળ્યા હતા. લાલપુર એપીએમસીની બહાર વહેલી સવારથી જ ટેકાના ભાવે ચણાની જણસી વહેંચવા આવેલા 175 થી પણ વધુ વાહનોની લાંબી કતાર જોવા મળી અને ભર ઉનાળે ખેડૂતો પોતાની જણસીઓ વહેંચવા માટે હેરાન પરેશાન થતા નજરે પડ્યા હતા.

રાજ્ય સરકાર દ્વારા જામનગર જિલ્લામાં પણ વિવિધ તાલુકા અને એપીએમસી ખરીદ કેન્દ્ર ખાતે ટેકાના ભાવે ચણાની ખરીદી કરવામાં આવી રહી છે. જો કે રાજ્ય સરકાર દ્વારા ટેકાના ભાવે ચણાની ખરીદી માટે ખૂબ સારા ભાવ મળતાં ખેડૂતો ખુશખુશાલ જોવા મળી રહ્યા છે તો બીજી તરફ આ જ ખરીદી માટે દૂર દૂરથી પોતાની જણસીઓ વહેચવા આવતા ખેડૂતો યેનકેન પ્રકારે હેરાન પરેશાન થતા હોવાની પણ વ્યાપક ફરિયાદો વારંવાર જોવા મળી રહી છે.

સૌથી મહત્વની બાબત એ છે કે ગુજરાત સરકારના કૃષિ કેબિનેટ મંત્રી રાઘવજીભાઈ પટેલના પોતાના જિલ્લામાં જ ખેડૂતોની આ પ્રકારની દયનિય પરિસ્થિતિ જોવા મળી રહી છે. જ્યારે લાલપુર એપીએમસીના સત્તાધીશો પણ ખેડૂતો ભર ઉનાળે આવી હાલાકી ભોગવી રહ્યા તેમ છતાં તેમના પેટનું પાણી નથી હલતું જે ખૂબ મહત્વની બાબત કહી શકાય અને ખેડૂતો માટે એપીએમસીના સત્તાધીશો દ્વારા વ્યવસ્થા કરવી પણ એટલી જ જરૂરી બને છે.

જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના એપીએમસી કેન્દ્ર બહાર ટેકાના ભાવે ચણાની જણસી વહેંચવા લાલપુર તાલુકાના જુદા જુદા ગામોમાંથી આવેલા ખેડૂતોની હાઇવે પર લાંબી લાંબી કતારો જોવા મળી હતી. ચણા ભરેલા વાહનો લઇ અને ખેડૂતો યાર્ડની બહાર વહેલી સવારે છ સાત વાગ્યાથી લાંબી કતાર લગાવી હતી. જ્યારે હાલ ઉનાળો ચાલી રહ્યો હોય તેવા સમયે ભર બપોરે પણ ખેડૂતો રસ્તા પર પોતાના વાહનો લઇ અને તડકામાં શેકાતા તેમજ ઉનાળામાં ભારે પરેશાન જોવા મળ્યા હતા. 

ખેડૂતો પણ માંગ કરી રહ્યા છે કે જે રીતે રાજ્ય સરકાર દ્વારા ટેકાના ભાવે ચણાની ખરીદી કરવામાં આવી રહી છે તે રીતે ખેડૂતો માટે ટેકાના ભાવે ચણા વહેચવા માટે પૂરતી વ્યવસ્થા કરવામાં આવે અને સમયસર ખેડૂતોનો વેચાણ માટે વારો લેવામાં આવે કે જેથી ખેડૂતો સમયસર અને આરામથી પોતાની જણસી વહેંચી શકે. ખેડૂતો એ ઝી 24 કલાક સમક્ષ પોતાની વ્યથા ઠાલવી હતી.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news