વડોદરાના પાણીગેટ વિસ્તારમાં દિવાળીની રાત્રે થયેલી હિંસા પાછળ સ્થાનિકોએ લગાવ્યા ગંભીર આક્ષેપ
સ્થાનિકોનું માનીએ તો એક ટોળાએ રસ્તા પરની સ્ટ્રીટ લાઈટ બંધ કરીને આસપાસના તમામ સીસીટીવી કેમેરા તોડવાનો પ્રયત્ન કર્યો હતો...જેથી તેમનો આતંક કેમેરામાં કેદ ન થઈ શકે. આ સમગ્ર ઘટનાને ષડયંત્ર હેઠળ અંજામ અપાયો હોવાનો પણ સ્થાનિકોનો મત છે.
Trending Photos
રવિ અગ્રવાલ, વડોદરાઃ વડોદરાના પાણીગેટ વિસ્તારમાં દિવાળીની રાત્રિએ બે જૂથો વચ્ચે હિંસા ભડકી ઉઠી, તોડફોડ અને આગચંપી કરાઈ હતી. નાની બાબતમાં થયેલા વિવાદે મોટું સ્વરૂપ ધારણ કર્યું છે. આ સમગ્ર બનાવને એક જૂથે પૂર્વ આયોજિત ષડયંત્ર હેઠળ અંજામ આપ્યો હોવાનો સ્થાનિકોનો આક્ષેપ છે.
આ દ્રશ્યો છે, વડોદરાનાં પાણીગેટ વિસ્તારનાં હરણખાના રોડનાં. જ્યાં દિવાળીના દિવસે મોડી રાત્રે હિંસા અને તોડફોડથી વિસ્તારનો માહોલ ડહોળાઈ ગયો. સામાન્ય બાબતમાં બે જૂથ સામસામે આવી જતાં સ્થિતિ વણસી ગઈ, બંને જૂથોએ સામસામે ભારે પથ્થરમારો કર્યો, ટોળાએ વાહનો અને દુકાનોમાં તોડફોડ કરી, આગચંપી કરાઈ...થોડી જ વારમાં સમગ્ર વિસ્તારનો નકશો બદલાઈ ગયો. તહેવારનાં દિવસે માહોલ તંગ બની ગયો હતો.
પોલીસે ઘટના સ્થળે પહોંચીને પરિસ્થિતિને સંભાળી હતી. સમગ્ર વિસ્તારમાં ચાંપતો બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો. મોડી રાત્રે ઉચ્ચ પોલીસ અધિકારીઓએ પેટ્રોલિંગ અને કોમ્બિંગ કર્યું હતું. પોલીસનો કાફલો રસ્તા પરથી પસાર થતો હતો ત્યારે પણ તોફાની તત્વોએ છમલકા કર્યા, એક મકાનમાંથી પોલીસનાં કાફલા પર પેટ્રોલ બોમ્બ ફેંકાયો, જેમાં ડીસીપી ઈજાગ્રસ્ત થતા બચી ગયા હતા.
રાત્રે કેટલી હદ સુધી અહીં પથ્થરમારો થયો હતો, તેના સાક્ષી છે સવારનાં આ દ્રશ્યો. રસ્તા પર જ્યાં જુઓ ત્યાં પથ્થર અને ઈંટોનો ભૂક્કો જ નજરે પડતો હતો. પાણીગેટ પોલીસે બંને જૂથના 27 લોકો સામે ગુનો નોંધીને 20 લોકોની અટકાયત કરી છે. બે જૂથો વચ્ચે થયેલા ઘર્ષણ પાછળ આ દ્રશ્યો જવાબદાર હોવાનું પણ જણાવાય છે. સળગતી દેશી હવાઈ રોડ પરથી પસાર થતાં બે બાળકોનાં પગ પાસે આવીને પડે છે. જેને જોતાં બે પક્ષ વચ્ચે પહેલા તો બોલાચાલી થાય છે અને પછી પથ્થરમારો શરૂ થઈ જાય છે.
સ્થાનિકોનું માનીએ તો એક ટોળાએ રસ્તા પરની સ્ટ્રીટ લાઈટ બંધ કરીને આસપાસના તમામ સીસીટીવી કેમેરા તોડવાનો પ્રયત્ન કર્યો હતો...જેથી તેમનો આતંક કેમેરામાં કેદ ન થઈ શકે. આ સમગ્ર ઘટનાને ષડયંત્ર હેઠળ અંજામ અપાયો હોવાનો પણ સ્થાનિકોનો મત છે.
પાણીગેટ વિસ્તારમાં ભડકેલી હિંસાને રોકવામાં સ્થાનિક પોલીસ પર નિષ્ક્રિય રહેવાનાં પણ આક્ષેપ થઈ રહ્યા છે...આ જ કારણ છે કે શહેર પોલીસ કમિશનરે ઘટનાની તપાસ પાણીગેટ પોલીસ પાસેથી લઈને ક્રાઈમ બ્રાન્ચને સોંપી છે. સ્થાનિકોનું માનીએ તો જૂથ અથડામણ બાદ પોલીસ કલાકો બાદ ઘટના સ્થળે પહોંચી હતી. જૂથ અથડામણ સમયે પોલીસનું એક વાહન પણ ઘટનાસ્થળેથી પસાર થયું હતું. તેમ છતા કોઈ કાર્યવાહી ન કરાઈ. નવાઈની વાત એ છે કે ઘટના સ્થળ પાણીગેટ પોલીસ સ્ટેશનથી માત્ર 200 મીટરના અંતરે જ છે.
આ સમગ્ર ઘટના પાછળનું કારણ શું હતું..,ઘટના પૂર્વઆયોજિત ષડયંત્ર હતું કે શું...આ તમામ બાબતો ક્રાઈમ બ્રાન્ચની તપાસ બાદ સામે આવી જ જશે. જો કે આ ઘટનાએ તહેવારોનાં સમયમાં સામાજિક સૌહાર્દ બગાડવાનું કામ કર્યું છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે