રાજકોટમાં પોલીસ સાથે સ્થાનિકોનું ઘર્ષણ: ટોળાએ પોલીસ સ્ટેશનને ઘેરી લીધું, 25ની અટકાયત
શ્રાવણ મહિનો ચાલી રહ્યો છે ત્યારે રાજકોટ પોલીસ દ્વારા શ્રાવણીયો જુગાર રમાતા શખ્સો સામે લાલઆંખ કરી છે. ગત મોડી રાત્રીનાં રાજકોટનાં થોરાળા વિસ્તારમાં કુબલીયાપરા, મચ્છી ચોક સહિતનાં વિસ્તારમાં પોલીસે જુગારને લઇને દરોડા કર્યા હતા.
Trending Photos
ગૌરવ દવે/રાજકોટ: રાજકોટમાં ગઈકાલે (બુધવાર) મોડી રાત્રીના શહેરના થોરાળા પોલીસ સ્ટેશન વિસ્તારમાં 25 થી 30 લોકોનું ટોળું ઘસી આવ્યું હતું. તેઓએ પોલીસ સ્ટેશન ખાતે ખોટી રજૂઆત કરી પોલીસ સ્ટેશનમાં જ અભદ્ર શબ્દો બોલી પોલીસની ફરજમાં રુકાવટ કરતા પોલીસે 25 લોકો સામે રાયોટિંગ, કાવતરું રચવું, પોલીસની ફરજમાં રૂકાવટ કરવી અને પોલીસને ગાળો આપવી સહિતની કલમ હેઠળ ગુનો નોંધી 10 લોકોની અટકાયત કરી હતી.
શ્રાવણ મહિનો ચાલી રહ્યો છે ત્યારે રાજકોટ પોલીસ દ્વારા શ્રાવણીયો જુગાર રમાતા શખ્સો સામે લાલઆંખ કરી છે. ગત મોડી રાત્રીનાં રાજકોટનાં થોરાળા વિસ્તારમાં કુબલીયાપરા, મચ્છી ચોક સહિતનાં વિસ્તારમાં પોલીસે જુગારને લઇને દરોડા કર્યા હતા. જેને લઇને ગઇકાલે મોડી રાત્રીના 12 વાગ્યાના અરસામા થોરાળા પોલીસ સ્ટેશન ખાતે આશરે 25થી 30 જેટલા લોકો એક સંપ કરી ઉગ્ર બોલાચાલી તથા ગાળાગાળી કરવા લાગ્યા હતા.
જેથી હાજર પોલીસ દ્વારા તેઓને સમજાવવામા આવ્યા કે, તમારા લોકોને જે કાઇ પણ રજૂઆત હોઇ તો અમને જણાવો. પરંતુ રજૂઆત કરવાને બદલે ટોળામાંથી અમુક લોકોએ ગાળો બોલી બીન જરૂરી રજૂઆતો કરવા લાગ્યા હતા કે, પોલીસ કેમ વારંવાર અમારા જ વિસ્તારમાં દારુ-જુગારના દરોડા કરે છે. અમારા વિસ્તારમાં જ પી. સી. આર વાન વધુ ફરે છે તેવા આરોપ લગાવ્યા હતા. જેને લઇને પોલીસે 10 લોકો સામે ગુનો નોંધી ધરપકડ કરી હતી.
રાજકોટનાં પૂર્વ ઝોનનાં એસીપી ભાવેશ જાધવે જણાવ્યું હતું કે, બીન જરૂરી દલીલો સામે પણ ટોળાને સમજાવવા પ્રયાસ કરતા ટોળા દ્વારા પોલીસની ફરજમાં રુકાવટ કરી કાયદો હાથમાં લેવાનો પ્રયાસ કર્યો હતો. એક ટોળુ રચી પોલીસ પર બીનજરુરી દબાણ ઉભુ કરવા અને પોલીસને ધમકી પણ આપવા લાગ્યા હતા. જેથી કાયદાનુ ભાન કરાવી ટોળામાંથી હાજર 10 લોકોને ડિટેઇન કરી તેમજ નાસીજનાર 15 શખસો વિરુદ્ધ પણ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
રાજકોટ પોલીસ સામે અવાર નવાર ગંભીર પ્રકારનાં આરોપો લાગે છે. ત્યારે રાજકોટનાં થોરાળા પોલીસ પર સ્થાનિકોએ આરોપો લગાવ્યા અને પોલીસ સ્ટેશને ટોળું એકત્ર થઇને આવ્યું તેમાં ઉશ્કેરાટ જોવા મળ્યો હતો. ઉલ્લેખનીય છે કે, ગઇકાલે થોરાળા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ કુબલીયાપરા મચ્છી ચોક ખાતે જાહેરમાં કુલ 6 શખસો જુગાર રમતા પકડી પાડી તેમની પાસેથી રોકડ 14,200 તેમજ 4 મોબાઈલ મળી કુલ 73,240નો મુદ્દામાલ કબજે કરી ઇમરાન ઘાંચી, યોગેશ બથવાર, જીતેશ સોલંકી, રાજુ પરમાર, વિક્રમ ઉદેશી અને જગદીશ ઝાલાસામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
જોકે પોલીસ વિભાગ દ્વારા ઉચ્ચ સ્થરે થી તપાસ બેસાડવામાં આવે તો સ્થાનિકોની રજૂઆત પાછળ પોલીસની હપ્તાખોરી પણ ક્યાંક અંશે જવાબદાર હોય તેવું સામે આવી શકે છે. તટસ્થ તપાસ કરવામાં આવે તો સત્ય બહાર આવી શકે છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે