કુંવરજી બાવળિયાને નાયબ મુખ્યમંત્રી બનાવવાની હિલચાલ?
તાજેતરમાં જ પેટાચૂંટણીમાં ભવ્ય વિજય મેળવ્યા બાદ કુંવરજી બાવળિયાને દિલ્હીનું તેડું આવ્યું હતું અને વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથે તેમની વિશેષ મુલાકાત યોજાઈ હતી, ત્યાર બાદ રાજકીય વર્તુળોમાં નવી ચર્ચાએ જોર પકડ્યું છે
Trending Photos
ગાંધીનગરઃ ગુજરાતમાં તાજેતરમાં જ જસદણમાં યોજાયેલી પેટા-ચૂંટણીમાં મળેલા ભવ્ય વિજય બાદ ભારતીય જનતા પાર્ટી (BJP)માં એક નવા પ્રાણ ફૂંકાઈ ગયા છે. ગુજરાતના રાજકારણમાં કંઈક નવાજૂની સર્જાય એવી હાલ રાજકીય ચર્ચાઓ ચાલી રહી છે. તાજેતરમાં જ યોજાયેલી પાંચ રાજ્યોની ચૂંટણીમાંથી ભાજપનો ગઢ ગણાતા એવા છત્તીસગઢ અને મધ્યપ્રદેશમાં પાર્ટીને 15 વર્ષની સત્તામાંથી હાથ ધોવા પડ્યા હતા. જેના કારણે પાર્ટીમાં એક મોટો નિરાશાનો માહોલ સર્જાયો હતો. આવી સ્થિતિમાં ગુજરાતમાં જસદણમાં યોજાયેલી વિધાનસભાની પેટાચૂંટણીમાં કોંગ્રેસમાંથી વિદ્રોહ કરીને ભાજપમાં પ્રવેશેલ કુંવરજી બાવળિયાએ જે રીતે ભવ્ય વિજય મેળવ્યો હતો તેનાથી ભાજપમાં નવા પ્રાણ ફૂંકાયા હતા.
આ ભવ્ય વિજય બાદ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ બાવળિયાને ટ્વીટર પર અભિનંદન પાઠવ્યા હતા. ત્યાર બાદ તાજેતરમાં જ કુંવરજી બાવળિયાને દિલ્હી બોલાવામાં આવ્યા હતા અને બાવળિયાની વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથે ખાસ મુલાકાત યોજાઈ હતી. કુંવરજી બાવળિયાની નરેન્દ્ર મોદી સાથેની વિશેષ મુલાકાત બાદ રાજકીય વર્તુળોમાં એક નવી ચર્ચાએ જોર પકડ્યું છે કે, કુંવરજીને રાજ્યના નાયબ મુખ્ય મંત્રી બનાવી શકાય છે. વર્તમાન નાયબ મુખ્યમંત્રી નિતિન પટેલને લોકસભાની ચૂંટણી લડાવીને દિલ્હી લઈ જવાની વાત પણ ચાલી રહી છે.
કુંવરજી બાવળિયાએ પણ આ અંગે પેટાચૂંટણીમાં મળેલા વિજય બાદ સંકેત આપ્યો હતો. પેટાચૂંટણીમાં વિજય મેળવ્યા બાદ કુવરજી બાવળિયાએ જણાવ્યું હતું કે, "હું ભારતીય જનતા પાર્ટીનો સંનિષ્ઠ કાર્યકર છું. આ વિજય બાદ પાર્ટી તરફથી મને જે કોઈ જવાબદારી સોંપવામાં આવશે તેને હું સારી રીતે નિભાવીશ. આગામી સમયમાં લોકસભા ચૂંટણી આવી રહી છે ત્યારે પાર્ટીને વિજય અપાવામાં હું મારી દરેક શક્ય મહેનત કરીશ."
હાલ રાજકીય વર્તુળોમાં એવી ચર્ચા ચાલી રહી છે કે ચાલુ મહિનામાં જ કુંવરજી બાવળિયાના નાયબ મુખ્યમંત્રી તરીકેના શપથ અપાવી શકાય છે. ઉલ્લેખનીય છે કે, કુંવરજી બાવળિયા કોળી નેતા છે અને રાજ્યમાં કોળી સમાજની ઘણી બેઠકો પર પકડ છે. આ ઉપરાંત, કોંગ્રેસના ગઢ એવા જસદણમાં કુંવરજી બાવળિયાએ ભાજપમાં પ્રવેશ્યા બાદ પણ વિજય મેળવીને સૌરાષ્ટ્રમાં કોંગ્રેસના વિસ્તારોમાં ભાજપનું ખાતું ખોલી નાખ્યું છે. ભાજપ માટે સૌરાષ્ટ્રમાં પગપેસારો કરવો અત્યાર સુધી ઘણો મુશ્કેલ રહ્યો છે, કેમ કે સૌરાષ્ટ્ર કોંગ્રેસનો ગઢ ગણાય છે.
જોકે, આ અંગે જ્યારે કુંવરજી બાવળિયાનો સંપર્ક કરવામાં આવ્યો ત્યારે તેમણે જણાવ્યું કે, 'આ વાતમાં કોઈ તથ્ય નથી. આ વાત ઉપજાવી કાઢેલી છે. હજુ સુધી આ અંગે કોઈ ચર્ચા થઈ નથી.'
આથી ભારતીય જનતા પાર્ટી તરફથી કુંવરજી બાવળિયાને નાયબ મુખ્યમંત્રી બનાવીને સૌરાષ્ટ્રના મતો પોતાની તરફેણમાં ખેંચવાનો રાજકીય દાવ ખેલી શકાય છે. નિતિન પટેલનું પણ પાર્ટીમાં કદ મોટું હોવાથી તેમને લોકસભા ચૂંટણી લડાવીને દિલ્હી લઈ જવાની ભાજપની યોજના રાજકીય નિષ્ણાતો વ્યક્ત કરી રહ્યા છે. રાજ્યના એક પ્રસિદ્ધ સાંધ્ય દૈનિકમાં પણ કુંવરજી બાવળિયાને નાયબ મુખ્યમંત્રી બનાવાય એવા સમાચાર પ્રકાશિત કરાયા છે.
આ અંગે આઈ.કે. જાડેજાએ જણાવ્યું કે, ભારતીય જનતા પાર્ટીમાં આવી કોઈ ઓફર આપવામાં આવતી નથી. ભાજપમાં બધા જ સાથે મળીને કામ કરતા હોય છે. ભાજપમાં વડા પ્રધાન પણ કાર્યકર્તા છે, મુખ્યમંત્રી પણ કાર્યકર્તા છે, મંત્રી પણ કાર્યકર્તા છે અને દરેક સભ્ય કાર્યકર્તા છે. જેને જે કોઈ જવાબદારી સોંપવામાં આવે તે પોતાની જવાબદારીને સારી રીતે નિભાવતા હોય છે. ભાજપમાં ઓફર જેવી કોઈ પરંપરા નથી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે