ભાણીને હતો મામા વિના મામેરાનો સંતાપ! ગામ આખુ મામા બન્યુ, વાજતે ગાજતે કર્યું દીકરીનું મામેરું

Kuvarbai Nu Mameru : આવી ઘટનાઓ બને ત્યારે તમને ગર્વ થવાનું મન થાય કે હજું પણ લોકોમાં સંવેદના છે. પાટણના એક ગામમાં માનવતા મહેંકી ઉઠે તેવી ઘટના જોવા મળી... ગામલોકોએ ભેગા મળીને ભર્યુ દીકરીનું મામેરું, શ્રીકૃષ્ણ બનીને મામાની ફરજ અદા કરી

ભાણીને હતો મામા વિના મામેરાનો સંતાપ! ગામ આખુ મામા બન્યુ, વાજતે ગાજતે કર્યું દીકરીનું મામેરું

Patan News પ્રેમલ ત્રિવેદી/પાટણ : તમારી આજુબાજુ ભાગ્યે જ આવી ઘટનાઓ બને છે અને જ્યારે પણ બને ત્યારે તમને સામાજિક સમરસતાનો અહેસાસ થાય, હજુ પણ લોકોમાં માનવતા છે. ભલે આપણે આધુનિક થઈ જઈએ પણ ગામડામાં આજે પણ એકબીજા પ્રત્યેનો પ્રેમ આજે પણ જીવંત છે. મામા વિના મામેરું કોણ ભરશે, એક દીકરીને આટલો જ સંતાપ હતો અને ગામે નક્કી કર્યું કે અમે ભરીશું... પછી તો વાત જ શીદ કરવી, ગામની દીકરીના એ લગ્ન પ્રસંગમાં દરેક ઘરેથી એક વ્યક્તિ નીકળ્યો અને 7 લાખનું મોમેરું ભરાયું છે. પાટણ જિલ્લાના સરસ્વતી તાલુકાના ઉંદરા ગામે સામાજિક સમરસતાનું ઉત્તમ ઉદાહરણ જોવા મળ્યું. લગ્ન પ્રસંગે દીકરીનું મામેરું કોણ ભરે તે સવાલને લઇ દીકરી અને તેના પરિવારજનો ચિંતામાં મુકાયા હતા. કારણ કે દીકરીને કોઈ મામા ન હતા. આ કારણે પરિવાર મામેરાને લઈ મૂંઝવણમાં હતો ત્યારે આ બાબતની જાણ ઉંદરા ગ્રામજનોને થતા ગ્રામજનોએ મામાની ફરજ અદા કરી હતી. 

ગામ લોકોએ એક બેઠક બોલાવી દીકરીનું મામેરું ગામના લોકો ભરશે તેવું નક્કી કર્યું હતું. આખું ગામ દીકરીના મામા બની મોટી સંખ્યામાં ગામ કલાણા ગામ ખાતે જોડાયા હતા. ડીજે અને ઢોલના તાલે મામેરું ભરવા આખું ગામ ઉમટી પડ્યું અને સાત લાખથી પણ વધુનું મામેરું ગ્રામજનોએ ભરી મામાની ફરજ અદા કરી હતી.

મોસાળમાં કોઈ હયાત નહોતું
સરસ્વતી તાલુકાના ઉંદરા ગામે રહેતા ગીતાબેન ઠાકોરની દીકરી શિલ્પાના લગ્ન કલાણા ગામે લેવાયા હતા. પરંતું ગીતાબેનના પિયરમાં કોઈ ભાઈ કે પરિવારજનો હયાત ન હોઈ અને દીકરી શિલ્પાના લગ્નનું મામેરું કોણ ભરશે તેની તેમને ચિંતા હતી ત્યારે કન્યા શિલ્પાના મોસાળમાં કોઈ હયાત ન હોઈ તેનું મામેરું કોણ ભરશે તે સવાલને લઇ પરિવારજનો ચિંતિત બન્યો હતો. 

ઉંદરા ગામના તમામ લોકો મદદે આવ્યા
ગીતાબેનને ઉંદરા ગામે આવેલ ક્ષેત્રપાળ દાદા પર અપાર શ્રદ્ધા હતી. તેથી તેઓ દીકરીના લગ્ન લેવાયા હોઈ તેની કંકોત્રી મૂકવા આવ્યા હતા. તે સમયે તેમના સમાજના લોકોને તેઓએ આ વ્યથા જણાવી હતી કે, મામેરું કોણ ભરશે. જેને લઇ ઉંદરા ગામના તમામ લોકો મદદે આવ્યા હતા.

આખા ગામમાંથી ફાળો એકત્ર કરવામાં આવ્યો
ઉંદરા ગામમાં શિલ્પાના લગ્નને લઈ એક બેઠક બોલાવાઈ અને તેમાં આ વાત મુકવામાં આવી જેમાં આખા ગામના દરેક સમાજના લોકોએ એક સાથે ભેગા થઈને કહ્યું કે ગામની દીકરીનું મામેરું ગામ ભરશે. આ માટે આખા ગામમાંથી ફાળો એકત્ર કરવામાં આવ્યો અને આખું ગામ ડીજે અને ઢોલના તાલે નાચતા કુદતા ઉંદરા ગામ ખાતે પહોંચ્યો હતો. બધાના આશ્ચર્ય વચ્ચે દીકરીનું રૂપિયા સાત લાખથી પણ વધુનું મામેરું ગ્રામજનોએ ભરી એક મામાની ઉણપ પૂર્ણ કરી હતી. આમ, સૌ કોઈ માં અનેરો ઉત્સાહ અને હરખ જોવા મળ્યો હતો.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news