સંતોના ૩ કરોડના દાનથી બનનાર ઓક્સિજન પ્લાન્ટ કચ્છના કોરોનાના દર્દીઓ માટે બનશે સંજીવની
કોરોનાના દર્દીઓ માટે દેશ વિદેશના કચ્છના હરિભક્તોએ આપેલ સવા કરોડ રૂપિયાના અનુદાનમાંથી તાત્કાલિક નજીકના બીજા સંકુલમાં ઓક્સિજન (Oxygen)સાથેના ૨૫૦ બેડ સાથે વેન્ટિલેટર સહિતના ૧૫ આઈસીયુ (ICU) અને ૮ આઈસીસીયુ બેડની સુવિધા તાત્કાલિક ઊભી કરી છે.
Trending Photos
ભુજ: કોરોના (Coronavirus) એ ઉભા કરેલા પડકાર દરમ્યાન આરોગ્યસેવાનો વ્યાપ વધારવા સામાજિક સંસ્થાઓ સરકાર સાથે કદમ મેળવી રહી છે, ત્યારે કચ્છ (Kutch) જિલ્લામાં એક ધાર્મિક સંસ્થાએ પણ ત્રણ કરોડનું માતબર અનુદાન આપી પ્રેરણાદાયી રાહ ચીંધ્યો છે. રાજ્યના સરહદી જિલ્લા કચ્છ (Kutch) માં કોરોનાના દર્દીઓ માટે એક સાથે ત્રણ મેગા ઓક્સિજન પ્લાન્ટ ઊભા કરવા માટે ભુજમાં શ્રી કચ્છી લેવા પટેલ સમાજ સંચાલિત એમએમપીજે હોસ્પિટલને શ્રી મણિનગર ગાદી સંસ્થાન દ્વારા ત્રણ કરોડનું અનુદાન અપાયું છે.
હાલમાં વધેલા કોરોનાના કેસ (Corona Case) દરમ્યાન સરકારી હોસ્પિટલો ઉપર વધેલા દર્દીઓના ભારણ વચ્ચે કચ્છી લેઉવા પટેલ સમાજ કોરોનાના દર્દીઓ માટે આગળ આવ્યો છે. સમાજના પ્રમુખ ગોપાલભાઈ ગોરસીયા કહે છે કે, ભુજમાં સમાજ સંચાલિત ૧૨૫ બેડની કાયમી હોસ્પિટલ કાર્યરત છે.
અત્યારે અમે કોરોનાના દર્દીઓ માટે દેશ વિદેશના કચ્છના હરિભક્તોએ આપેલ સવા કરોડ રૂપિયાના અનુદાનમાંથી તાત્કાલિક નજીકના બીજા સંકુલમાં ઓક્સિજન (Oxygen)સાથેના ૨૫૦ બેડ સાથે વેન્ટિલેટર સહિતના ૧૫ આઈસીયુ (ICU) અને ૮ આઈસીસીયુ બેડની સુવિધા તાત્કાલિક ઊભી કરી છે. જ્યાં કોરોનાના દર્દીઓને આરોગ્યસેવા સાથે જરૂરી તમામ દવાઓ રાહતદરે અપાય છે.
તેમણે કહ્યું હતું કે તબીબી સેવા માટે અહીં ૭ એમડી ડોકટરો અને સંસ્થાની નર્સિંગ હોસ્પિટલ સહિત ૨૫૦ જેટલો પેરા મેડિકલ સ્ટાફ કાર્યરત છે. કોરોના સામે સમાજમાં જાગૃતિ લાવવા અત્યારે ગ્રામીણ વિસ્તારમાં રહેતા સમાજના પરિવારોનો રેપિડ ટેસ્ટ કરી રહ્યા છીએ. ૫૦ હજાર ટેસ્ટ કરવાના લક્ષ્યાંક સામે અત્યારે ૧૦ હજાર રેપિડ ટેસ્ટ થઈ ચૂક્યા છે. જેમાં ઘણી જગ્યાએ મોટા વ્યક્તિઓ ઉપરાંત બાળકોમાં પણ સંક્રમણ જણાયું છે.
યુવા પત્રકાર વસંત પટેલ કહે છે કે, સમાજના મોવડીઓએ વર્તમાન સમય પછી હવે આવનાર સમયને અનુલક્ષીને ભવિષ્યમાં કોરોનાની આરોગ્ય સેવા સુદ્રઢ બનાવવા આયોજન કર્યું છે. તે અંતર્ગત ૭૫ બેડની કાયમી કોવિડ હોસ્પિટલ ઊભી કરાશે. જેમાં ત્રણ મેગા ઓક્સિજન પ્લાન્ટ સાથે વેન્ટિલેટર આઇસીયુ, આઇસીસીયુ સહિતની તબીબી સુવિધા હશે.
એમએમપીજે હોસ્પિટલ (MMPJ Hospital) ની સેવાની સુવાસ થકી જ શ્રી મણિનગર સ્વામિનારાયણ ગાદી સંસ્થાન દ્વારા ત્રણ મેગા ઓક્સિજન પ્લાન્ટ (Oxygen Plant) માટે દાન અપાયું છે. આ ધાર્મિક સંસ્થાન વતી સ્વામી ભગવદ્પ્રિયદાસજી અને વરિષ્ઠ આગેવાન જાદવજીભાઈ વરસાણી કહે છે કે, દેશ વિદેશના કચ્છી હરિભક્તો અને સંતોએ પહેલ કરીને આપત્તિના સમયે ત્રણ કરોડનું માતબર અનુદાન આપ્યું છે. કપરા સમયમાં કચ્છી માડુઓએ હમેશાં વતનનો સાદ ઝીલ્યો છે અને વતનની પડખે રહ્યા છે. પાણીની અછત ધરાવતા રણ પ્રદેશ કચ્છમાં સેવાની સરવાણી હમેશાં વહેતી રહી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે