મસ્ત મજાની ઠંડીમાં કચ્છના રણમાં ફરવા જાઓ તો આ વાનગી ચાખવાનું ન ભૂલતા, નહિ તો ફેરો ફોગટ જશે

Kutch Famous Dish Mitho Mawo : કચ્છ ભીરંડયારાનો મીઠો માવો બનાવવા માટે લાગે છે કલાકોની મહેનત, જાણો કેમ કચ્છની આ મીઠાઈ પ્રવાસીઓના દાઢ વળગી છે 
 

મસ્ત મજાની ઠંડીમાં કચ્છના રણમાં ફરવા જાઓ તો આ વાનગી ચાખવાનું ન ભૂલતા, નહિ તો ફેરો ફોગટ જશે

Kutch Tourism રાજેન્દ્ર ઠક્કર/કચ્છ : ઠંડી આવે એટલે ગુજરાતના છેડાવાનો જિલ્લો કચ્છની સુંદરતા સોળે કળાએ ખીલી ઉઠે છે. કચ્છના રણનો નજારો માણવા મોટી સંખ્યામા પ્રવાસીઓ આવી પહોંચે છે. કચ્છ જઈએ એટલે દાબેલી અને ગુલાબપાક યાદ આવે. પરંતુ કચ્છની વધુ એક ખાણીપીણી હોટ ફેવરિટ છે. કચ્છ જઈને આ મીઠાઈ ન ખાધી, તો સમજો કે પ્રવાસ અધૂરો છે. કચ્છના બન્ની વિસ્તારનો પ્રખ્યાત કચ્છી મીઠો માવો કે જે કચ્છના બન્ની વિસ્તારના ગામો ભીરંડીયારા, હોડકો, ધોરડો ગામના માલધારીઓ દ્વારા બનાવવામાં આવતો હોય છે. કોરોનાકાળમાં માવાનું વેચાણ ખૂબ ઓછા પ્રમાણમાં થયું હતું. પરંતુ હાલમાં રણોત્સવ શરૂ થતાં ફરીથી માલધારીઓને આર્થિક ફાયદો થઈ રહ્યો છે અને રોનક છવાઈ ગઈ છે. રણોત્સવનો પ્રારંભ થતાં મીઠા માવાનું વેચાણ વધ્યું છે. 
 
રણોત્સવમાં વધે છે વેપારીઓની કમાણી 
હાલ સફેદ રણ અને રણોત્સવ માણવા આવતા પ્રવાસીઓની અવરજવર વધી ગઈ છે. તેમાં પણ ધોરડો હવે વર્લ્ડ ફેમસ બન્યું છે. હાલ કચ્છનો એક એક જિલ્લો અને ગામડા પર્યટકોથી ધમધમી રહ્યા છે. રણોત્સવ શરૂ થઈ ગયો છે. જેનો સીધો ફાયદો બન્ની વિસ્તારના ગ્રામજનોને થઈ રહ્યો છે. જેના પગલે માલધારીઓને અહીંના દુધના માવાના વેચાણમાં મોટો ફાયદો થઈ રહ્યો છે.

5 લીટર દૂધમાંથી 1 કિલો માવો બને
કચ્છી મીઠો માવો એ બન્ની વિસ્તારની ભેંસના દૂધમાંથી બને છે. તેનો સ્વાદ એકદમ મીઠો હોય છે. દૂધના મિશ્રણને 2 થી 3 કલાક માટે ઉકાળવામાં આવે છે. 5 લીટર દૂધમાંથી 1 કિલો માવો બને છે. ક્યારેક ક્યારેક સારી ફેટવાળું દૂધ હોય છે તો તેમાંથી માવો બનાવ્યા બાદ ઘી પણ બને છે. ઉલ્લેખનીય બાબત એ છે કે આમ તો માવો દરેક જગ્યાએ બનતો હોય છે. પરંતુ ભીરંડીયારા ખાતે બનતા માવાનો સ્વાદ કંઇક અલગ જ હોય છે. કારણ કે અહીંનું વાતાવરણ આ માવાને માફક હોય છે.

હવે અલગ અલગ ફ્લેવરના માવા બનાવાય છે
ભીરંડીયારા ખાતે 70 જેટલા વેપારીઓ માવો વેચે છે. આમ તો મુખ્યત્વે એક જ પ્રકારનો માવો બનાવે છે. પરંતુ અમુક વેપારીઓએ હાલમાં રણોત્સવને ધ્યાનમાં રાખીને ડ્રાયફ્રુટ માવો પણ બનાવવાનું શરૂ કર્યું છે. દરરોજનું સરેરાશ દરેક વેપારી 15 થી 20 કિલો માવાનું વેચાણ કરે છે અને દરરોજ કુલ 300થી 400 કિલો માવાનું વેચાણ થતું હોય છે. તથા સાદો માવો 300 થી 350 રૂપિયે કિલો વેંચાતો હોય છે. તો ડ્રાયફ્રુટ માવો 400 થી 450 રૂપિયે કિલો વેચાતો હોય છે. 

માવો વેચતા વેપારીઓ 1 કરોડથી વધારે રૂપિયાનો કરે છે વેપાર
હાલમાંરણોત્સવનો રંગેચંગે પ્રારંભ થઇ ચૂક્યો છે અને વેકેશનમાં મોટા પ્રમાણમાં પ્રવાસીઓની સંખ્યા સરહદી જિલ્લામાં જોવા મળી રહી છે. તેમાં સફેદરણની મજા માણવા આવતા લોકો પરત જતા સમયે વિવિધ વસ્તુઓની ખરીદી કરે છે. તેમાં બન્નીના મીઠા માવાની પણ ખરીદી કરતા હોય છે. ચાર મહિના ચાલતા આ રણોત્સવ દરમિયાન અંદાજે માવો વેંચતા વેપારીઓ 1 કરોડથી વધારે રૂપિયાનો વેપાર કરતા હોય છે તેવુ વેપારી અલી મામદે જણાવ્યું.   

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news